Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

બ્રિટનની સંસદમાં પણ ગૂંજયું ખેડૂત આંદોલન

મંત્રીએ કહ્યું કે આ ભારતનો આંતરિક મુદ્દો છે અને અમારી તેની પર નજર છે

લંડન, તા.૯: બ્રિટનની સંસદમાં પણ ભારતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને લઈને ચર્ચા થઈ છે. આ ચર્ચા એક ઓનલાઈન પેટીશન પર લોકોના મળેલા સમર્થન બાદ થઈ. તેમાં બ્રિટિશ સરકારને અપીલ કરાઈ કે તેઓ ભારત સરકાર પર આંદોલનરત ખેડૂતોની સુરક્ષા અને પ્રેસ ફ્રીડમને લઈને નક્કી દબાવ બનાવે. આ પેટીશન નવેમ્બરમાં શરૂ થઈ હતી જેના પર ૧ લાખથી પણ વધારે લોકોએ સાઈન કર્યા હતા. મળતી માહિતી અનુસાર આ પેટીશન પર લગભગ ૧.૧૬ લાખ લોકોએ સાઈન કર્યા છે.

આ ચર્ચા લંડનના પોર્ટકુલિસ હાઉસમાં થઈ હતી અને તે લગભગ ૯૦ મિનિટ સુધી ચાલી હતી. કોવિડ પ્રોટોકોલના કારણે કેટલાક સાંસદોએ ઘરેથી જ ડિજિટલ માધ્યમથી ભાગ લીધો હતો. સાંસદ પાર્લામેન્ટમાં ફિઝિકલી હાજર રહે. ખેડૂત આંદોલનને સૌથી મોટી લેબર પાર્ટીનું સમર્થન મળ્યું છે. લેબર પાર્ટીના ૧૨ સાંસદ જેમાં લેબર પાર્ટીના પૂર્વ નેતા જેરેમી કોર્બીન પણ સામેલ હતા. તેઓએ પણ પહેલા એક ટ્વિટમાં ખેડૂતોનું સમર્થન કર્યું હતું.

આ ચર્ચા પર જવાબ આપવા નિયુકત કરાયેલા મંત્રી નેગલ એડમ્સે કહ્યું કે કૃષિ સુધાર ભારતનો ઘરેલૂ મુદ્દો છે. બ્રિટિશ મંત્રી અને અધિકારીઓ આ મુદ્દા પર ભારતીય સમકક્ષો સાથે સંપર્કમાં છે અને અવિશ્વસનીય રૂપે બારીકીના મુદ્દા પર નજર રાખી રહ્યા છે. મંત્રીએ કહ્યું કે ભારતની સાથે યૂએન સિકયોરિટી કાઉન્સિલ અને જી-૭ સમિટના સારા પરિણામ મળ્યા છે. બંને દેશના સંબંધ વૈશ્વિક સમસ્યાઓને ઉકેલવાના કામમાં આવશે. તેનાથી ભારત અને યૂકેમાં પણ સમૃદ્ઘિ આવશે. મંત્રીએ કહ્યું કે બંને દેશના સંબંધો સારા હોવા છતાં આપણે મુશ્કેલ મુદ્દાને ઉઠાવવાથી અટકીશું નહીં. તેઓએ આશા રાખી છે કે જલ્દી ભારત સરકાર ખેડૂત યૂનિયનની સાથે વાતચીતનું સકારાત્મક પરિણામ આવશે.

(10:28 am IST)