Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

રક્ષક જ ભક્ષક બને ત્યારે ન્યાયની આશા કોની પાસે રાખવી ?

રાજસ્થાનના અલવરમાં ફરિયાદ માટે આવેલી મહિલા પર ખુદ પોલીસે જ બળાત્કાર કરતા અરેરાટી

જયપુર,તા. ૯: સમગ્ર વિશ્વમાં મહિલાના સન્માન માટે મહિલા દિવસ ઉજવાયો પરંતુ રાજસ્થાનના અલવરમાં પતિના અત્યાચાર વિરુધ ફરિયાદ માટે પોલીસ સ્ટેશન ગયેલી મહિલા પર પોલીસ દ્વારા જ બળાત્કાર થયો હોવાની શરમજનક ઘટના બહાર આવી છે. અલવર જિલ્લાના ખેડલી પોલીસ સ્ટેશનમાં રક્ષક જ ભક્ષક બનતા લોકોમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. પીડિત મહિલાનો પતિ તેને તલાક આપવા ઇચ્છતો હતો પરંતુ તે તલાક લેવા માંગતી ન હતી આ બાબતે પોલીસની મદદ લેવાનું વિચાર્યુ હતું. જયારે પીડિતાએ દુખભરી દાસ્તાન પોલીસને જણાવી ત્યારે ફરજ પરના એસઆઇએ ફરીયાદ લઇને કાયદેસરની મદદ કરવાના સ્થાને અલગ રુમમા લઇ જઇને બળાત્કાર કર્યો હતો એટલું જ નહી તે ત્રણ દિવસ પોલીસ સ્ટેશનના ધક્કા ખાધા ત્યારે ત્રણેય દિવસ રેપનો ભોગ બની હતી.

ન્યાય માંગવાની આશાએ સહન કરતી મહિલાને ૭ માર્ચના રોજ ફરી પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવી હતી પરંતુ તેણે વધુ એક વાર અત્યાચારનો ભોગ બનવાની ના પાડી દીધી હતી. છેવટે મહિલાએ હિંમત કરીને તમામ હકિકત ઉપરી અધિકારીને જણાવતા જવાબદાર પોલીસ વિરુધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અત્યંત ઘૃણાસ્પદ બનાવની જાણ થતા પરીસ્થિતિની ગંભીરતા સમજીને જયપુરના રેન્જ આઇ જીએ પોલીસ સ્ટેશનની મુલાકાત લઇને તપાસના આદેશ આપ્યા હતા. પ્રાથમિક તપાસમાં આરોપી પોલીસ કસૂરવાર હોવાનું જણાતા તેની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ સ્ટેશનમાં મદદ માટે આવેલી મહિલા સાથે ૨ માર્ચ થી ૪ માર્ચ દરમિયાન રેપ થયો હતો.

(10:25 am IST)