Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

આઈએનએક્સ કેસમાં રાહત માટે કાર્તિ દ્વારા કોર્ટમાં અરજી

આજે મામલામાં સુનાવણી કરાય તેવી સંભાવના : કાર્તિ હાલ સીબીઆઈ કસ્ટડીમાં : ઇડીની બધી કાર્યવાહી અને સમન્સને રદ કરવાની કાર્તિ ચિદમ્બરમ દ્વારા માંગણી

નવી દિલ્હી,તા. ૮ : કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરના પુત્ર કાર્તિ ચિદમ્બરમે દિલ્હી હાઈકોર્ટમાં આજે રજૂઆત કરી હતી અને આઈએનએક્સ મિડિયા મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા હાથ ધરવામાં આવેલી તમામ કાર્યવાહી અને સમન્સને રદ કરવા માટેની ઉગ્ર માંગ કરી હતી. આ મામલામાં આવતીકાલે સુનાવણી હાથ ધરવામાં આવનાર છે. આ મામલો જસ્ટિસ એસ રવિન્દ્ર ભટ્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. કાર્તિ ચિદમ્બરમ આઈએનએક્સ મિડિયા કેસમાં હાલમાં સીબીઆઈ કસ્ટડીમાં છે. દિવસમાં અગાઉ આપવામાં આવેલા સુપ્રીમ કોર્ટના ચુકાદાના અનુસંધાનમાં કાર્તિએ હાઈકોર્ટમાં રજૂઆત કરી છે. સુપ્રીમ કોર્ટે તેની સમક્ષ પેન્ડિંગ રહેલી તેમની અરજીને પરત ખેંચી લેવાની પણ મંજુરી આપી છે. મની લોન્ડરિંગ કેસના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટમાં તેમની અપીલ થયેલી છે. કાર્તિ ચિદમ્બરમે સુપ્રીમ કોર્ટમાં રજૂઆત કરીને એવો આદેશ આપવાની માંગ કરી છે કે, ઇડીને ૧૫મી મે ૨૦૧૭ના દિવસે સીબીઆઈ દ્વારા નોંધવામાં આવેલી એફઆઈઆરમાં કરાયેલા આક્ષેપોને લઇને તપાસ કરવાનો કોઇપણ અધિકાર નથી. કાર્તિ ચિદમ્બરમ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તમામ સમન્સ અને કાર્યવાહી જે ઇડી દ્વારા હાથ ધરવામાં આવી છે તેને રદ કરવાની માંગ પણ કરવામાં આવી છે. તેમની દલીલ છે કે, તમામ તપાસ કોઇ કારણવગર કરવામાં આવી રહી છે. આમા દ્વેષભાવ દેખાય છે. ગયા વર્ષે ૧૫મી મેના દિવસે દાખલ કરવામાં આવેલી એફઆઈઆરના સંંબંધમાં બ્રિટનમાંથી પરત ફર્યા બાદ ચેન્નાઈ વિમાની મથક ખાતે ૨૮મી ફેબ્રુઆરીના દિવસે કાર્તિ ચિદમ્બરમની ધરપકડ કરવામાં આવી હતી. ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડમાં ગેરરીતિને લઇને એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડે વર્ષ ૨૦૦૭માં ૩૦૫ કરોડ રૂપિયાની રકમ લઇ લેવા આઇએનએક્સ મિડિયાને કહ્યું હતું તે વખતે કાર્તિ ચિદમ્બરમના પિતા પી ચિદમ્બરમ નાણા મંત્રી તરીકે હતા. સીબીઆઈએ એવો આક્ષેપ કર્યો હતો કે, એફઆઈપીબીની મંજુરી મેળવવા માટે લાંચ તરીકે કાર્તિ ચિદમ્બરમે ૧૦ લાખ રૂપિયા લીધા હતા. ૨૩મી ફેબ્રુઆરીના દિવસે સુપ્રીમ કોર્ટે કાર્તિ ચિદમ્બરમ સામે ઇડી દ્વારા દાખલ કરવામાં આવેલા સમન્સ ઉપર સ્ટે મુકવાનો ઇન્કાર કર્યો હતો. ગયા વર્ષે મે મહિનામાં કાર્તિ અને અન્યો સામે ઇડીએ કેસ દાખલ કર્યો હતો.

(7:42 pm IST)