News of Thursday, 8th March 2018

માહિલા દિન વિશેષ...

મહિલાઓ સામે અભદ્ર ઇશારો કે હરકત કરવી અે સજાપાત્ર ગુનોઃ જાણો મહિલાઓ માટેના વિશેષ કાયદાઓ

મુંબઇઃ આજે વિશ્વ મહિલા દિવસ છે ત્યારે ભારત સરકારે મહિલાઓને સુરક્ષિત બનાવવા માટે વિવિધ કાયદાઓ બનાવ્યા છે. જેમાં મહિલાઓ સામે અભદ્ર ઇશારો કે હરકત કરવા સહિતના ગુનાઓ સામે સજાની જોગવાઇઓ છે. મહિલાઓ માટે ખાસ રચવામાં આવેલા આ વિવિધ કાયદાઓની વિગતો આ મુજબ છે.

1) જિલ્લાના કોઇપણ પોલીસ સ્ટેશને મહિલા ફરિયાદ નોંધાવી શકે છે. દરેક પોલીસ સ્ટેશનમાં એક મહિલા ઑફિસર 24 કલાક ઉપલબ્ધ હોવાં જરૂરી છે. માત્ર મહિલા અધિકારી જ કોઇપણ મહિલાની તલાશી લઇ શકે અને ધરપકડ કરી શકે છે. સામાન્ય રીતે સૂર્યોદય પહેલાં અને સૂર્યાસ્ત બાદ મહિલાઓની ધરપકડ ન થઇ શકે, જો કે આ મામલે મેજિસ્ટ્રેટના નિર્દેશ મુજબ કાર્યવાહી થઇ શકે છે. બળાત્કાર જેવા કેસમાં પીડિતાનું નિવેદન માત્ર મેજિસ્ટ્રેટની હાજરીમાં જ લેવામાં આવે. પીડિતા ઇચ્છે તો લેડી કોન્સ્ટેબલ કે પછી પોલીસ અધિકારી સમક્ષ પણ નિવેદન નોંધાવી શકે છે. પોલીસ સ્ટેશનને બદલે મહિલાને તેમના ઘરે જ પૂછપરછની જોગવાઇ છે.

2) ભારતીય દંડ સંહિતાની કલમ 294 અને 509 અંતર્ગત મહિલા વિરુદ્ધ અભદ્ર ઇશારો કે કોઇ હરકત કરવી સજાપાત્ર ગુનો છે. જો આવા કેસમાં મહિલા પોલીસ સ્ટેશન જાય તો પોલીસે કાર્યવાહી કરવી પડે છે અને જો કાર્યવાહી કરવા અંગે જો પોલીસ આનાકાની કરે તો જે-તે મહિલા અદાલત કે પછી રાષ્ટ્રીય મહિલા આયોગ સમક્ષ અપીલ કરી શકે છે.

3) આ બિલ મારફતે તમામ લિંગના લોકોને એક સરખા વેતનનો અધિકાર આપવામાં આવ્યો છે. ભારત સરકાર દ્વારા તમામ કાર્યો માટે ઓછામાં ઓછા વેતનની મર્યાદા નક્કી કરવામાં આવી છે. જો તમારા કાર્યાલયમાં જાતિ પ્રમાણે વેતનમાં અસમાનતા હોય તો તમે શ્રમ આયુક્ત કે પછી મહિલા અને બાળ વિકાસ મંત્રાલયમાં ફરિયાદ નોંધાવી શકો છે. ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં મહિલાઓ માટે ઓછામા ઓછું વેતન 423 રૂપિયા પ્રતિદિન છે.

4) ઇન્ટરનેટ અને ટેક્નોલોજીના જમાનામાં દરેક મહિલાઓને આ કાયદા વિશે જ્ઞાન હોવું બહુ જરૂરી છે. ધી ઇન્ડિસેન્ટ રિપ્રેઝન્ટેશન ઑફ વિમન્સ (પ્રોહિબિશન) એક્ટ 1986 અંતર્ગત કોઇપણ વ્યક્તિ કે સંગઠન કોઇ મહિલા વિશેની કોઇપણ પ્રકારની માહિતીને પબ્લિશ ન કરી શકે. જો કોઇ વ્યક્તિ સોશિયલ મીડિયા પર તમને હેરાન કરી રહ્યો હોય કે પછી તમારી ઓળખની છેડછાડ કરતો હોય તો તમે નજીકના સાયબર સેલમાં ફરિયાદ દાખલ કરી શકો છો.

5) આ કાયદા મુજબ મહિલાઓને ગર્ભાવસ્થા સાથે જોડાયેલા અધિકાર આપવામાં આવ્યા છે. કોઇપણ સંસ્થામાં કામ કરતી ગર્ભવતી મહિલાને આ કાયદાનો લાભ મળે છે. જેમાં મેટર્નિટી લીવ, નર્સિંગ બ્રેક્સ, મેડિકલ બ્રેક્સ, મેડિકલ ભથ્થું સહિતની સુવિધાનો લાભ મળે છે. ઉપરાંત મેડિકલ ટર્મિનેશન ઑફ પ્રેગ્નન્સી એક્ટ 1971 અંતર્ગત સ્પષ્ટ કારણ બતાવ્યા વિના ગર્ભપાત કરાવવા પર પ્રતિબંધ છે અને આના માટે પણ કોર્ટની મંજૂરી લેવી પડે છે.

6) 2013માં પાસ થયેલા કાયદા થકી વર્ક સ્ટેશન પર મહિલાઓને અનેક અધિકાર આપવામાં આવ્યા છે. સેક્સ્યુઅલ ટોન સાથે વાત કરવી, જાણી-જોઇને ખોટા ઇરાદે અડવું, મોબાઇલ કે કોમ્પ્યુટરમાં કોઇ આપત્તિજનક મટિરિટલ બતાવવું વગેરેને જાતિય શોષણમાં ગણવામાં આવે છે. તમામ સરકારી અને પ્રાઇવેટ કંપનીઓમાં એન્ટી સેક્સ્યુઅલ હેરેસમેન્ટ કમિટી બનાવવી જરૂરી હોય છે, જેની 50 ટકા સભ્યો મહિલાઓ હોવી જોઇએ.

7) કોઇપણ વકીલ વિના પોલીસ સ્ટેશને જવા પર મહિલાના નિવેદનમાં ફેરફાર સંભવ છે. દરેક મહિલાઓને જાણ હોવી જોઇએ કે એમને કાયદાકીય મદદનો અધિકાર હોય છે અને એમણે આની માંગ કરવી જોઇએ. દિલ્હી હાઇકોર્ટના ફેંસલા મુજબ બળાત્કારનો રિપોર્ટ આવ્યા પર સ્ટેશન અધિકારીએ દિલ્હીની લિગલ સર્વિસ ઑથોરિટીને આ મામલાની જાણકારી આપવાની હોય છે. જે બાદ આ સંસ્થા પીડિતા માટે વકીલની વ્યવસ્થા કરે છે.

8) આ કાયદા અનુસાર દેશમાં દહેજ લેવું અને આપવું બંને અપરાધ છે. લગ્ન સમયે સાસરિયાં કે પિયરિયાં તરફથી દહેજ આપવામાં કે માંગવામાં આવે તો જેલ થઇ શકે છે. દહેજ માગવામાં આવે તો મહિલાઓને પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવાનો અધિકાર છે. કાયદા મુજબ આરોપીને 5 સાલ કે તેથી વધુની જેલ અને 15000 કે દહેજની રકમ જેટલો દંડ થઇ શકે છે.

9) આપીસીની કલમ 498એમાં ઘરેલુ હિંસા સાથે જોડાયેલી જોગવાઇઓ છે. આ કાયદા મુજબ પરિવારના કોઇ સભ્યએ નિર્દયપણે શારીરિક કે માનસિક રીતે ત્રાસ આપ્યો હોય કે અપમાનિત કર્યાં હોય ત્યારે કોઇપણ પીડિત મહિલા કે પુરુષ ફરિયાદ નોંધાવી શકે છે.

10) હિંદુ ઉત્તરાધિકાર અધિનિયમ 1956 અંતર્ગત મહિલાઓને સંપત્તિમાંથી સમાન હિસ્સો મળવો જોઇએ. જેમાં જાતિના આધારે કોઇ ભેદભાવ કરી ન શકાય.

(5:31 pm IST)
  • નીરવ મોદીના કૌભાંડ પૂર્વે 2017ના નાણાકીય વર્ષમાં પંજાબ નેશનલ બેંકે વિવિધ કૌભાંડોમાં 2800 કરોડ ગુમાવ્યા છે access_time 12:08 am IST

  • ભવિષ્યમાં ગાંધી-નહેરુ પરિવારની બહારની વ્યક્તિ કોંગ્રેસ પ્રમુખ હોઈ શકે છે :સોનિયા ગાંધી access_time 11:55 pm IST

  • રાજકોટમાં સિલ્વર પાર્ક -4 માં રહેતા પ્રોફેસર રક્ષીત રૈયાણીની બળાત્કારના કેસમાં મહિલા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આરોપી રક્ષીતના ઘરમાં સર્વિસ કોન્ટ્રાક્ટર પર રહેતી છોકરીએ રક્ષીત રૈયાણી પર બળાત્કાર અને મારપીટ કર્યાની ફરિયાદ પોલીસમાં કરી હતી, આ ઉપરાંત રક્ષીતના માતા - પિતાની પણ મદદગારી કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. આ એજ રક્ષીત રૈયાણી છે જેણે તાજેતરમાજ પોતાની ત્રીજી પત્નીને ઘરમાંથી બહાર તગેડી મૂકી હતી અને એ પત્ની એના ઘરની જ બહાર ધરણા પર બેઠી હતી. access_time 12:55 am IST