News of Thursday, 8th March 2018

વિજય માલ્યાના જપ્‍ત થયેલ ૪.૨૭ કરોડના શેર ખરીદવા ઇચ્‍છે છે હેઇનિકેન

મુંબઈ: હેઈનિકેન ઇન્ટરનેશનલે યુનાઇટેડ બ્રુઅરીઝના વિજય માલ્યાના જપ્ત કરેલા લગભગ 4.27 કરોડ શેર ખરીદવા ઇચ્‍છે છે. આ માટે એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટ (ED)ને ઔપચારિક પ્રસ્તાવ મૂક્યો છે. હેઈનિકેને નીમેલા ઇન્વેન્સ્ટમેન્ટ બેન્કર જે એમ ફાઇનાન્શિયલે તાજેતરમાં EDને પ્રસ્તાવ મૂક્યો છે. ₹1,020ના વર્તમાન બજાર ભાવે હાઈનિકેને માલ્યાના જપ્ત થયેલા શેર ખરીદવા ₹4,331 કરોડ ચૂકવવા પડશે, જે UBના કુલ હિસ્સાના 15.2 ટકા થાય છે.

શેરની ખરીદી પછી કંપનીમાં હેઈનિકેનનો હિસ્સો વધીને 58.2 ટકા થશે અને માલ્યા લઘુમતી શેરધારક બનશે. શેર ટ્રાન્ઝેક્શનમાં પાંચ ટકાથી વધુ હિસ્સાની લે-વેચને કારણે સેબીના નિયમ પ્રમાણે હાઈનિકેને ઓપન-ઓફર કરવી પડશે. હેઈનિકેન પાસે UBનો 43 ટકા અને માલ્યા પાસે 29.46 ટકા હિસ્સો છે. બાકીના શેર જનતા પાસે છે. ET19 જાન્યુઆરીએ જણાવ્યું હતું કે, ED યુનાઇટેડ બ્રુઅરીઝ (UB)ના અનપ્લેજ્ડ શેર વેચી ₹4,000 કરોડથી વધુ ભંડોળ એકત્ર કરવાની યોજના ધરાવે છે.

ઉલ્લેખનીય છે કે, UBના જપ્ત થયેલા શેર સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન દ્વારા પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ EDને ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. જાન્યુઆરી સુધીમાં ED પાસે લગભગ 4 કરોડ શેર હતા. ત્યાર પછી તપાસ એજન્સીએ વધુ 27 લાખ શેર જપ્ત કર્યા હતા.

EDના અધિકારીઓએ આ મુદ્દે કંઈ કહેવાનો ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, અમે માલ્યાએ બેન્કોને ચૂકવવાનાં નાણાં એકત્ર કરવા નિર્ધારિત પ્રક્રિયાને અનુસરીશું. ઉલ્લેખનીય છે કે, માલ્યાએ વ્યાજ સાથે ભારતની બેન્કો અને ધિરાણકારોને ₹9,000 કરોડથી વધુ રકમ ચૂકવવાની છે.

ED હવે PMLAની કલમ 9 હેઠળ શેરનું વેચાણ કરશે. કાયદા પ્રમાણે જપ્તિના આદેશ પછી આ પ્રકારની પ્રોપર્ટીમાં તમામ હક અને ટાઇટલ કેન્દ્ર સરકાર પાસે રહે છે. માલ્યા પાસે UBના 7.79 કરોડ શેર અથવા 29.46 ટકા હિસ્સો છે. જેનો 45.17 ટકા હિસ્સો (3.52 કરોડ શેર) ધિરાણકારો પાસે ગીરવે મૂકેલો છે.

હેઈનિકેન સ્થાનિક ધિરાણકારો પાસેથી UBના પ્લેજ્ડ શેર ખરીદી કંપનીમાં સતત હિસ્સો વધારી રહી છે. તેણે 2010માં સ્થાનિક ધિરાણકારો પાસેથી પ્લેજ્ડ શેરની ખરીદી દ્વારા હિસ્સામાં પાંચ ટકા વધારો કર્યો હતો. UBના આર્ટિકલ્સ ઓફ એસોસિયેશન પ્રમાણે દ્વિપક્ષીય સોદો ન હોય ત્યાં સુધી હેઈનિકેનને UBના શેર ખરીદવા પર પ્રતિબંધ છે.

ઉલ્લેખનીય છે કે, સેબીએ ભારતીય કંપનીઓના બોર્ડમાં વિલફુલ ડિફોલ્ટર્સ પર પ્રતિબંધ મૂક્યો હોવાથી માલ્યાએ UBના બોર્ડમાંથી રાજીનામું આપ્યું હતું. સેબીના આદેશને પગલે માલ્યા કોઈ પણ લિસ્ટેડ કંપનીના ડિરેક્ટર બની શકે તેમ નથી. ધિરાણકારોએ માલ્યાને ‘વિલફુલ ડિફોલ્ટર’ જાહેર કર્યા પછી સેબીએ આ નિર્ણય લીધો હતો.

(5:12 pm IST)
  • માળીયા મિંયાણામા પાણીની ભારે તંગી : એક બેડા માટે ૩ કિ.મી. દૂર રઝળપાટ : મહિલાઓ અને પુરૂષોએ સાથે પીવાના પાણી ભરવા જવુ પડે છે : ઉનાળાના પ્રારંભે જ વિકટ પરિસ્થિતિ access_time 5:54 pm IST

  • ભવિષ્યમાં ગાંધી-નહેરુ પરિવારની બહારની વ્યક્તિ કોંગ્રેસ પ્રમુખ હોઈ શકે છે :સોનિયા ગાંધી access_time 11:55 pm IST

  • સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં અનામત મુદ્દે પરિપત્રની હોળી કરાઈ :જૂની પધ્ધતિ મુજબ જ અમલીકરણ ચાલુ રાખવા માંગણી :કેમ્પસ ઉપર ગ્રાન્ટ કમિશનના પરિપત્રની હોળી access_time 12:06 am IST