Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

હાઉસ ટેક્ષની ગણત્રી કારપેટ પદ્ધતિથીઃ ૮૫% મિલ્કતોનો વેરો ઘટશે

સ્ટેન્ડીંગ કમિટિમાં કાર્પેટ વેરાના દર - નિયમોમાં પ્રજાહિતના ફેરફારો કરાયાઃ દરખાસ્ત મંજુરઃ હવે આગામી અઠવાડિયે ખાસ બોર્ડમાં કાર્પેટવેરાને લીલીઝંડીઃ રહેણાંક મકાનો માટે રૂ. ૧.૫૦ અને કોમર્શિયલ મકાનો માટે રૂ. ૨.૫૦નો ભારાંક નક્કી કરાયોઃ માત્ર વધારાનું બાંધકામ કરનાર અને હેતુફેરવાળી મિલ્કતોમાં જ વેરો વધશેઃ ૪ દાયકા જૂની આકારણી પધ્ધતિને તિલાંજલીઃ કાર્પેટથી ભ્રષ્ટાચાર ઘટશેઃ ચેરમેન પુષ્કર પટેલ, નિતીનભાઇ ભારદ્વાજ, કમલેશ મીરાણીએ વિસ્તૃત વિગતો રજૂ કરી

રાજકોટ તા. ૮ : આજે વિશ્વ 'મહિલા દિને' મળેલી સ્ટેન્ડીંગ કમિટિમાં ગૃહિણીઓને રાહત આપતો કાર્પેટ વેરા પધ્ધતિથી મકાનવેરાની આકારણીના ભારાંક દર અને નિયમોને મંજુર કર્યો છે. આ નિર્ણયને ઐતિહાસિક ગણાવતા ચેરમેન પુષ્કર પટેલ, સિનીયર કોર્પોરેટર અને પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારદ્વાજ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, સ્ટેન્ડીંગ કમિટિના પૂર્વ ચેરમેન કશ્યપભાઇ શુકલે આ તકે જણાવ્યું હતું કે, આ નિર્ણયથી શહેરની ૮૫ ટકા જેટલી મિલ્કતોનો વેરો ઘટશે અને લોકો પોતાનો વેરો જાતે જ ગણતરી કરી શકે તેટલી હદે સરળ અને પારદર્શક રહેશે.

આ તકે સ્ટેન્ડીંગ કમિટિ પુષ્કર પટેલે વિસ્તૃત વિગતો આપતા જણાવેલ કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગામી નાણાકીય વર્ષથી વેરા વસૂલાતની કામગીરી કાર્પેટ એરિયા પદ્ઘતિ મુજબ કરવામાં આવનાર છે. મ્યુનિસિપલ કમિશનરશ્રી દ્વારા  કાર્પેટ એરિયા પદ્ઘતિ લાગુ કરવા માટે દરખાસ્ત રજુ કરવામાં આવેલ જે પરત્વે ગહન ચર્ચાવિચારણા તથા પૂરતો અભ્યાસ કરી સ્થાયી સમિતિ દ્વારા પ્રજાલક્ષી નિર્ણય કરવામાં આવેલ છે. કમિશનરશ્રી દ્વારા  પોશ વિસ્તાર માટે ૨.૭૫નો ભારાંક સૂચવવામાં આવેલ જેમાં અંશતઃ વધારો કરી, સ્થાયી સમિતિ દ્વારા ૩.૨૫ કરવામાં આવેલ છે. જયારે સારા વિસ્તાર માટે ૨.૫નો ભારાંક યથાવત રાખવામાં આવેલ છે અને મધ્યમ વિસ્તાર માટે ૨.૦૦નો ભારાંક સૂચવવામાં આવેલ તેમાં ઘટાડો કરી, સ્થાયી સમિતિ દ્વારા ૧.૭૫ કરવામાં આવેલ છે અને પછાત વિસ્તારનો ભારાંક ૧.૨૫ રાખવામાં આવેલ છે.

વિશેષમાં, મિલકતની ઉંમરનું પરિબળ ધ્યાને લઇ, ભારાંક નક્કી કરવામાં ૧૦ વર્ષ સુધીની મિલકતો માટે ૧.૦૦નો ભારાંક સૂચવવામાં આવેલ. જે સ્થાયી સમિતિ દ્વારા ૧.૨૦ મુજબ રાખવામાં આવેલ, જયારે ૧૦ થી ૨૦ વર્ષ સુધીની જૂની મિલકતો માટે સૂચવવામાં આવેલ ૦.૮૦ મુજબનો ભારાંક યથાવત રાખવામાં આવેલ છે. જૂની મિલકતો ઉપર વેરાનું વધુ ભારણ ન આવે તે બાબત ધ્યાને રાખી, ૨૦ થી ૩૦ વર્ષ જૂની મિલકતોનો ભારાંક ૦.૬ થી ઘટાડી ૦.૫ તથા ૩૦ વર્ષથી વધુ જૂની તમામ મિલકતો પરનો ભારાંક ૦.૬૦ થી ઘટાડી ૦.૨૫ મુજબ રાખવામાં આવેલ છે.

ઉપરાંત કમિશનરશ્રી દ્વારા આર.સી.સી. બાંધકામ માટે ૧.૦૦ ભારાંક સુચવેલ હતો જે સમગ્ર પરિસ્થિતિ ધ્યાને લઇ, ૧.૫૦ કરવામાં આવેલ છે. જયારે કાચા મકાનો માટે ૦.૫૦ ભારાંક સૂચવવામાં આવેલ હતો, જે ૧.૦૦ કરવામાં આવેલ છે.

જ્યારે કાર્પેટ એરિયા પધ્ધતિમાં શહેરની તમામ રહેણાંક મિલકતો માટે સૂચવવામાં આવેલ ૧.૦૦ ભારાંક સામે ૧.૫૦નો ભારાંક રાખવામાં આવેલ છે. જયારે કોમર્શિયલ મિલકતો માટે ૪.૦૦ તથા ઇન્ડસ્ટ્રીયલ મિલકતો માટે ૨.૫૦નો ભારાંક સૂચવવામાં આવેલ, જે યથાવત રાખવામાં આવેલ છે. અન્ય મિલકતોમાં નીચેની વિગતે ભારાંક રાખવામાં આવેલ છે.

તથા મ્યુનિસિપલ કમિશનરશ્રી દ્વારા, મિલકત ધારકોની પોતાની માલિકીની મિલકતો માટે ૧.૦૦ તથા ભાડાની મિલકતો માટે ૨.૦૦નો ભારાંક સૂચવવામાં આવેલ, જે યથાવત રાખવામાં આવેલ છે. આ ઉપરાંત, રહેણાંકના પ્લોટ પર ૦.૭૫ અને કોમર્શિયલ પ્લોટ માટે ૧.૦૦ ભારાંક સૂચવવામાં આવેલ. પરંતુ ટી.પી. શાખા દ્વારા પ્લોટ પરનો ટેક્ષ વસુલવામાં આવતો હોવાથી આ ભારાંક શૂન્ય કરેલ છે.

પુષ્કરભાઇ પટેલે આ તકે ખાસ નોંધ્યું હતું કે, કમિશનરશ્રી દ્વારા નિયમ ૮-ગ(૨) મુજબ આર.સી.સી. સિવાયના બાંધકામ માટે ૭૫% કાર્પેટ ગણવાનું સૂચવવામાં આવેલ, જે સ્થાયી સમિતિ દ્વારા માન્ય રાખવામાં આવેલ છે. જયારે નિયમ ૮-ગ(૩) મુજબ ખુલ્લી જમીન માટે ૫૦% કાર્પેટ ગણવાનું સૂચવવામાં આવેલ, જે સ્થાયી સમિતિ દ્વારા રદ કરવામાં આવેલ છે.

આમ, ઉપરોકત વિગતો મુજબના ફેરફારો કરવાથી, સમગ્ર શહેરની કુલ મિલકતો પૈકી, ૮૫ ટકા  મિલકતોની મિલકત વેરાની રકમમાં ઘટાડો થશે અને ખુબ ઓછી મિલકતોના મિલકત વેરાની રકમમાં નજીવો વધારો થશે. જે મિલકતોમાં વેરાની રકમમાં નજીવો વધારો થનાર છે તે પૈકી, મોટા ભાગની મિલકતોમાં વધારાનું બાંધકામ થયેલ હોય તેનો જ વેરો વધશે.

આ ઉપરાંત જે મિલકતોની ખુબ જૂની લમ-સમ આકારણી થયેલ હોય તેવી મિલકતોના મિલકત વેરામાં નજીવો વધારો થશે.

કાર્પેટ એરિયા પધ્ધતિ ખુબ પારદર્શક તથા સચોટ હોઈ, મિલકત ધારક પોતે પોતાની મિલકતના ટેક્ષની ગણતરી જાતે કરી શકશે જેથી આ પધ્ધતિ મોટાભાગના શહેરીજનો માટે ફાયદાકારક નીવડશે તેવી આશા શાસક પક્ષ ભાજપે વ્યકત કરી છે.(૨૧.૨૯)

ખાનગી હોસ્પીટલો, ખાનગી સ્કુલો અને શોપીંગ  મોલના કમિશ્નરે સુચવેલા દરો નામંજુરઃ ઘટાડો મંજુરઃ મોબાઇલ ટાવરના ભારાંક દર સૌથી વધુ રૂપીયા પ૦

રાજકોટ, તા., ૮: આજે મળેલી સ્ટેન્ડીંગ કમીટીમાં કાર્પેટ વેરા પધ્ધતીનાં દર-નિયમો મંજુર કરવાના ઐતિહાસિક નિર્ણય લેવાયો હતો. જેમાં તગડો ચાર્જ વસુલતી ખાનગી કોર્પોરેટ પ્રકારની હોસ્પીટલો, શોપીંગ મોલ, ખાનગી સ્કુલો-હોસ્ટેલો અને સિનેમા ઘરો માટે મ્યુ. કમિશ્નરે રૂ. ૧ર થી ૪ નો ભારાંક સુચવેલ જેને સ્ટેન્ડીંગ કમીટીએ ફગાવીને આ ભારાંકનો દર ઘટાડી રૂ. ૮ થી રૂ. ૧ જેટલો જ કરી નાખ્યો છે. જયારે એક માત્ર મોબાઇલ ટાવરનો ભારાંક જે કમિશ્નરે રૂ. ૧૫નો સુચવેલ તેમાં ધરખમ વધારો કરી રૂ. પ૦ નો કરવા સ્ટેન્ડીંગ કમીટીએ નિર્ણય લીધો છે. (૪.૧૫)

કાર્પેટ વેરો ગણવાની પધ્ધતિ

રાજકોટ : કાર્પેટ મુજબ મિલ્કતોની વેરા આકારણી માટે જે નિયમ બનાવાયા છે તે મુજબ મિલ્કતનો કુલ કાર્પેટ (ચો.મી.) * વેરાદર * મિલ્કત કયા વિસ્તારમાં છે તેની કેટેગરીનો દર (એબીસીડી) * મિલ્કતની ઉપરનો દર (કેટલા વર્ષ જુની) * મકાનના પરિબળનો દર (કાચુ, પાકુ) * વપરાશનો હેતુદર (રહેણાંક, કોમર્શિયલ) દા.ત. : ૫૦ (કાર્પેટ) * ૧૧ (રહેણાંક મકાનદર) * ૩.૨૫ (વિસ્તારની કેટેગરી 'એ') * ૦.૮૦ (મિલ્કતની ઉપરનો દર) * ૧.૫૦ (પાકુ મકાન) * ૧ (માલિકીના મકાનનો દર) = કુલ મકાન વેરો.

કયા પ્રકારની મિલ્કતનો કેટલો વેરા દર?

મિલકતનો પ્રકાર

સુચવેલ ભારાંક

મંજુર થયેલ ભારાંક

હોસ્પિટલ

૪.૦૦

૨.૫૦

ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવતી હોસ્પિટલ

૧.૦૦

૧.૦૦

મેરેજ/કોમ્યુનિટી હોલ (ખાનગી)

૪.૦૦

૨.૦૦

મેરેજ/કોમ્યુનિટી હોલ (ટ્રસ્ટની માલિકીના)

૧.૦૦

૧.૦૦

શૈક્ષણિક સંસ્થાઓ/હોસ્ટેલ (ખાનગી)

૪.૦૦

૨.૦૦

શૈક્ષણિક સંસ્થાઓ/હોસ્ટેલ (ટ્રસ્ટની માલિકીના)

૧.૦૦

૧.૦૦

ચેરિટેબલ ટ્રસ્ટ

૦.૦૦

૦.૭૫

સિનેમા હોલ/મોલ

૧૨.૦૦

૮.૦૦

બેંક/ફાય. ઇન્ટી./પબ્લિક લિ. કંપની વિ.

૧૨.૦૦

૧૦.૦૦

ગેરેજ/સર્વિસ સ્ટેશન વિ.

૨.૫૦

૨.૦૦

પાર્ટી પ્લોટ

૪.૦૦

૬.૦૦

ઓડીટોરીયમ

૧૦.૦૦

૧૦.૦૦

મોબાઈલ ટાવર

૧૫.૦૦

૫૦.૦૦

પેટ્રોલ પમ્પ

૧૦.૦૦

૧૦.૦૦

ધાર્મિક સ્થળો, સ્મશાનગૃહ વિ.

૦.૦૧

૦.૦૧

પ્રાર્થના હોલ, સંત નિવાસ વિ.

૦.૨૫

૦.૧૦

(3:10 pm IST)