Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

રાજસ્થાનના દૌસામાં મોટા ષડયંત્રનો પર્દાફાશ:વડાપ્રધાન મોદીની મુલાકાત પહેલા ઝડપાયું એક હજાર કીલો વિસ્ફોટક

વિસ્ફોટકો સાથે પોલીસે 65 ડેટોનેટર પણ જપ્ત કર્યાં:40 પેટી વિસ્ફોટમાં કામમાં લેવાતી સામગ્રી પણ જપ્ત

રાજસ્થાનના દૌસામાં એક મોટા ષડયંત્રને પોલીસે નિષ્ફળ બનાવ્યું છે. દૌસા પોલીસે અહીં મોટા પ્રમાણમાં વિસ્ફોટકો પકડી પાડ્યું છે. ગેરકાયદેસર રીતે લઈ જવાઈ રહેલા વિસ્ફોટકો સાથે પોલીસે 65 ડેટોનેટર પણ જપ્ત કર્યાં છે. આ ઉપરાંત પોલીસે 40 પેટી વિસ્ફોટમાં કામમાં લેવાતી સામગ્રી પણ જપ્ત કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે દૌસામાં 12મીએ વડાપ્રધાન મોદી દિલ્હી -મુંબઈ એક્સપ્રેસના પ્રથમ ફેઝનું ઉદઘાટન કરવા આવી રહ્યા છે. પીએમના પ્રવાસને ધ્યાનમાં રાખી જિલ્લા વહીવટીતંત્ર તથા પોલીસ એલર્ટ પર છે. પોલીસની નાકાબંધી સમયે દૌસામાંથી મોટા પ્રમાણમાં વિસ્ફોટક મળી આવ્યા હતા..

દૌસા પોલીસે 1 હજાર કિલો વિસ્ફોટક સાથે ઈલેક્ટ્રિક ડેટોનેટર, વિસ્ફોટક શેલ, કનેક્ટિંગ વાયર પણ મેળવ્યા છે. તેમાં 65 ડેટોનેટર, 360 વિસ્ફોટક ગુલ્લા અને 13 કનેક્ટિંગ વાયરનો સમાવેશ થાય છે. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ કાર્યવાહી કાર્યસ્થળથી આશરે 30થી 40 કિંમીના અંતરે કરવામાં આવી હતી.

વડાપ્રધાન  મોદી ઉપરાંજ રાજ્યના મુખ્યમંત્રી અશોક ગહલોત અને હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર પણ દૌસા પહોંચવાના છે. પોલીસે કહ્યું કે કાર્યવાહીમાં આશરે 1000 કિલો વિસ્ફોટક જપ્ત કરવામાં આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે ભાંકરી રોડ પર આ કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે દૌસાના રાજેશ મીણા નામની વ્યક્તિની ધરપકડ પણ કરી છે

(10:46 pm IST)