Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

૪૦ લાખથી ઓછું ટર્નઓવર...ઓનલાઇન વેપાર કરવા GST નંબર લેવામાંથી મુકિત

બજેટમાં રાહત આપતો નિર્ણય કરવામાં આવતા નાના વેપારીઓને લાભ થશે : પહેલા ઓનલાઇન વેપાર કરવા માટે જીએસટી નંબર ફરજિયાત આપવો પડતો હતો

નવી દિલ્‍હી,તા. ૯ :  નાના વેપારીઓ સરળતાથી ઓનલાઇન વેપાર કરી શકે તે માટેનો નિર્ણય બજેટમાં કરવામાં આવ્‍યો છે. કારણ કે પહેલા નાના વેપારીઓએ ઓનલાઇન વેપાર કરવા માટે ફરજિયાત જીએસટી નંબર લેવો પડતો હતો. તેના બદલે હવે નાના વેપારીઓ જીએસટી નંબર લીધા વિના પણ ઓનલાઇન વેપાર કરી શકશે.

૪૦ લાખથી ઓછું ટર્નઓવર ધરાવનાર વેપારીઓને જીએસટી નંબર લેવામાંથી મુકિત આપવામાં આવી છે. કારણ કે જે વેપારીનું વાર્ષિક ટર્નઓવર ૪૦ લાખથી ઓછું હોય તેણે રિટર્ન ભરવાની પળોજણમાં નહીં પડવું પડે તે માટે આ નિયમ લાગુ કરવામાં આવ્‍યું છે, પરંતુ ઓનલાઇન વેપાર માટે તેઓએ ફરજિયાત જીએસટી નંબર લેવો પડતો હતો. તે માટેનું કારણ એવું છે કે ઓનલાઇન વેપાર કરવા માટે જે પણ સાઇટ પર રજિસ્‍ટ્રેશન કરાવે ત્‍યાં સૌથી પહેલા જીએસટી નંબર આપવો પડતો હતો. ત્‍યારબાદ જ તેઓની નોંધણી થઇ શકતી હતી. જ્‍યારે બજેટમાં તે નિયમને રદ કરીને ઓનલાઇન વેપાર કરનારાઓએ પોર્ટલ પર નોંધણી કરાવવા માટે જીએસટી નંબર આપવામાંથી મુકિત આપવામાં આવી છે. તેના લીધે નાના વેપારીઓને સૌથી વધુ રાહત થવાની છે.

ગૃહઉદ્યોગને પણ પ્રોત્‍સાહન મળશે

ગૃહઉદ્યોગ સાથે સંકળાયેલાઓએ ઓનલાઇન વેપાર કરવા માટે આ નિયમને કારણે ઘણી અડચણનો સામનો કરવો પડતો હતો. તેમજ તેઓના વેપારનો વ્‍યાપ પણ તેના કારણે વધતો નહોતો. કારણે કે જીએસટી નંબર લીધા બાદ દર મહિને અથવા તો દર ત્રણ મહિને જીએસટી રિટર્ન તો ભરવું જ પડતુ હોય છે. તેના લીધે ગૃહઉદ્યોગકારો સારી ચીજવસ્‍તુ બનાવતા હોવા છતાં તેઓનો વેપાર થોડાક વિસ્‍તાર પૂરતો જ સીમિત રહેતો હતો. જ્‍યારે હવેથી તેઓ ઓનલાઇન વેપાર કારણે દેશના કોઇ પણ વિસ્‍તારમાં પોતાની ચીજવસ્‍તુનું વેચાણ કરી શકશે.

(11:53 am IST)