Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

ગુજરાતમાં પોલીસ કસ્‍ટડી ડેથમાં ત્રણ વર્ષમાં વધારો

૨૦૧૯-૨૦માં ૧૨, ૨૦૨૦-૨૧માં ૧૭ અને ૨૦૨૧-૨૨માં ૨૪ લોકોના મોત

નવી દિલ્‍હી, તા.૯: કેન્‍દ્ર સરકારે રાજયસભામાં રજૂ કરેલા આંકડાઓ અનુસાર, છેલ્લા ત્રણ વર્ષમાં પોલીસ કસ્‍ટડી ડેથમાં સતત વધારો થયો છે.

એક પ્રશ્‍નના જવાબમાં સરકારે કહ્યું કે ગુજરાતમાં ૨૦૧૯-૨૦માં પોલીસ કસ્‍ટડીમાં ૧૨ મોત થયા હતા, જે ૨૦૨૦-૨૧માં વધીને ૧૭ અને ૨૦૨૧-૨૨માં ૨૪ પર પહોંચ્‍યા હતા. દેશભરની વાત કરવામાં આવે તો ૨૦૨૦-૨૧માં પોલીસ કસ્‍ટડીમાં ૧૦૦ લોકોનાં મોત થયા હતા અને ૨૦૨૧-૨૨માં ૧૭૫ મોત થયા હતા.

રાજયસભાના સભ્‍ય ફુલોદેવી નેતમ દ્વારા પ્રશ્‍ન પુછીને છેલ્લા પાંચ વર્ષમાં પોલીસ કસ્‍ટડીમાં થયેલ મોતની વિગતો માંગવામાં આવી હતી. તેમણે આ બાબતે થયેલ તપાસ અને મૃતકોને ચુકવાયેલ વળતરની વિગતો પણ માંગી હતી. આ ઉપરાંત કસ્‍ટોડીયલ ટોર્ચર અને ડેથને રોકવા માટે સરકારે લીધેલ પગલાની વિગતો પણ માંગી હતી.

તેના જવાબમાં કેન્‍દ્રના ગૃહ રાજયપ્રધાને કહ્યું કે ૨૦૧ કેસમાં અસરગ્રસ્‍તોના પરિવારોને ૫.૮૦ કરોડ રૂપિયા ચુકવવામાં આવ્‍યા હતા અને એક કેસમાં ખાતાકીય પગલાઓ લેવાયા હતા. તેમણે વધુમાં કહ્યું કે પોલીસ એ રાજયોનો વિષય છે અને કેન્‍દ્ર સરકાર માત્ર દિશા નિર્દેશો જ સમયાંતરે જાહેરાત કરતી હોય છે.

(11:47 am IST)