Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

ઝારખંડના હજારીબાગમાં જંગલી હાથીએ સજર્યો મોતનો તાંડવઃ પાંચને કચડી નાખ્‍યાઃ બેના મોત

હાથીના ભયાનક હુમલાથી સમગ્ર હજારીબાગમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે

હજારીબાગ,તા. ૯: ઝારખંડના હજારીબાગ શહેરમાં ટોળાથી અલગ થયેલા એક જંગલી હાથીએ તબાહી મચાવી હતી. મંગળવારની મોડી રાતથી બુધવારે સવાર સુધી તેણે પાંચ લોકોને કચડી નાખ્‍યા હતા. જેમાં બે લોકોના ઘટનાસ્‍થળે જ મોત થયા હતા. જયારે ત્રણ અન્‍ય ઘાયલ થયા હતા. જેમાં બેની હાલત ગંભીર છે. જેમને સારવાર માટે હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યા છે. મહત્ત્વનું છે કે હાથીએ ઘરની બાઉન્‍ડ્રી વોલ તોડી નાખી અને એક કારને નુકસાન પહોંચાડ્‍યું હતું. જોકે હાથીના હુમલાથી ગુસ્‍સે ભરાયેલા લોકોએ હજારીબાગ શહેરમાં ખિરગાંવ મૈલાતંડ પાસે હજારીબાગ-ચતરા રોડ બ્‍લોક કરી દીધો હતો. જામ કરી રહેલા લોકો મૃતકોના પરિવારજનોને વળતરની માંગ કરી રહ્યા હતા.

હુમલામાં મૃત્‍યુ પામેલાઓમાં દામોદર સાવ અને ધનેશ્વર સાવનો સમાવેશ થાય છે. આ બંને ખિરગાંવના રહેવાસી હતા. ઘાયલોમાં રિંકી કુમારી, પ્રમિલા કુમારી અને અન્‍યનો સમાવેશ થાય છે. તો બીજી તરફ હજારીબાગના બરકાગાંવમાં અન્‍ય હાથીએ ખુશ્‍બુ કુમારી નામની છોકરીને કચડી નાંખી છે. જેને ગંભીર હાલતમાં આરોગ્‍યમ હોસ્‍પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્‍યા છે. એવું કહેવામાં આવ્‍યું હતું કે મોડી રાતથી બુધવારે સવાર સુધી હાથીએ શહેરના રેલ્‍વે સ્‍ટેશન નજીક કુડ-રેવાલીમાં અને પછી ખીરગાંવ અને કુમ્‍હારટોલી વિસ્‍તારમાં તબાહી મચાવી હતી.

વન વિભાગના અધિકારીઓનું કહેવું છે કે હાથી ટોળાથી અલગ થયા બાદ ગામમાં આવ્‍યો છે. તેને શહેરની હદમાંથી બહાર કાઢી જંગલ તરફ મોકલવાના પ્રયાસો ચાલુ છે. જો તમે જુઓ તો આ પહેલીવાર નથી કે જયારે હજારીબાગ અને આસપાસના વિસ્‍તારોમાં હાથીએ આતંક મચાવ્‍યો હોય. પરંતુ બે વર્ષ પહેલા ડેમોટાંડમાં કેન્‍દ્રીય મંત્રી યશવંત સિંહાના ઘરની નજીક અને શહેરને અડીને આવેલા દારૂ-ઝુમરામાં પણ રખડતા હાથીના કારણે અનેક લોકોના મોત નીપજયા હતા.

(10:18 am IST)