Gujarati News

Gujarati News

News of Friday, 9th February 2018

નોટબંધી બાદ વધુ રકમ જમા કરી છે તો આઈટીઆર જરૂરી

૩૧મી માર્ચ સુધી આઈટીઆર જમા કરવા આદેશ : ઇન્કમટેક્સ વિભાગની સંબંધિતોને ચેતવણી : દંડ તેમજ કેસનો સામનો પણ કરવો પડી શકે : ઇન્કમટેક્સ વિભાગ

નવીદિલ્હી, તા. ૯ : ઇન્કમટેક્સ વિભાગે આજે એવા લોકોને ૩૧મી માર્ચ સુધી ઇન્કમટેક્સ રિટર્ન દાખલ કરવા માટે કહ્યું છે જે લોકોએ નોટબંધી બાદ બેંકોમાં મોટી રકમ જમા કરી હતી. આવું નહીં કરવાની સ્થિતિમાં દંડ અને કેસનો સામનો કરવો પડી શકે છે. વિભાગે ટ્રસ્ટ, રાજકીય પક્ષો અને સંગઠનોને આજ સમય મર્યાદામાં આઈટીઆર દાખલ કરવા માટે સૂચના આપી છે. ઇન્કમ ટેક્સ વિભાગે આને લઇને તમામ મુખ્ય અખબારોમાં જાહેરાતો પણ પ્રકાશિત કરી દીધી છે જેમાં કહેવામાં આવ્યું છે કે, મૂલ્યાંકન વર્ષ ૨૦૧૬-૧૭ અને ૨૦૧૭-૧૮ માટે વિલંબ અથવા તો સુધારાવાળા આઈટીઆર ફાઇલ કરવાનો અંતિમ સમય છે. આમા એમ પણ જણાવવામાં આવ્યું છે કે, આ પ્રકારના કરદાતાઓ માટે આ અંતિમ તક છે. તેમને વધારે તક મળશે નહીં. જાહેરાતમાં જણાવવામાં આવ્યું છે કે, નોટબંધીવેળા બેંકમાં મોટી રકમ જમા કરી છે તો અથવા તો મોટી ટ્રાન્ઝિક્શન કરાયા છે તો આઈટીઆર ફાઇલ કરતી વેળા કેટલીક બાબતોને ધ્યાનમાં લેવી પડશે.

આઈટીઆર ફાઈલ નહીં કરવાની સ્થિતિમાં અથવા તો ખોટા આઈટીઆર દાખલ કરવાની સ્થિતિમાં દંડની સાથે સાથે કેસ થઇ શકે છે. આમા જણાવવામાં આવ્યું છે કે, તમામ કંપનીઓ અને ફર્મને આવું કામ કરવાની જરૂરીયાત દેખાઈ રહી છે. આ સમય મર્યાદા ટ્રસ્ટ, રાજકીય પક્ષો અને સંગઠનો માટે પણ છે.

(7:35 pm IST)