Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

બ્રિટીશ ભવિષ્યવકતાની ચેતવણી

ચીનથી આ વર્ષે આવશે નવો વાયરસ

આ વર્ષે કોરોના કાબુમાં આવી જશે : ઓકસફોર્ડની વેકસીન લાખો લોકોના જીવ બચાવશે

લંડન તા. ૯ : બ્રિટનના વિખ્યાત ભવિષ્યવેતા ક્રેગ હેમિલ્ટન પાર્કરે express.co.ukના હવાલાથી ભવિષ્યવાણી કરતા કહ્યું છે કે ૨૦૨૧માં કોરોના મહામારી પર નિયંત્રણ આવી જશે. આવો જાણીએ કે તેમણે પોતાની ભવિષ્યવાણીમાં વધુ કઇ કઇ વાતો જણાવી છે.

હેમિલ્ટન પાર્કરે કહ્યું છે કે મોટા પાયે રસીકરણને લીધે લોકો ફરી એકવાર પોતાની જૂની જિંદગીમાં પાછા ફરી શકશે. તેમણે આગળ જણાવ્યું કે, આ વર્ષનો ઉનાળો ખતમ થવા સુધીમાં આ મહામારીનો હલ મળી જશે, જો કે ત્રણ કડક પ્રતિબંધો સાથે આખુ યુનાઇટેડ કિંગડમ વાયરસની જકડમાં રહેશે, જ્યારે સ્કોટલેન્ડ પર ભારે સંકટ મંડરાયેલું રહેશે. પાર્કર અનુસાર યુકે ઓગસ્ટ સુધીમાં આ વાયરસની ચંગુલમાંથી આઝાદ થશે. રસી લેવાની ના પાડનાર લોકોએ આંતરરાષ્ટ્રીય પ્રવાસો દરમિયાન પ્રતિબંધોનો સામનો કરવો પડશે. પાર્કર અનુસાર, રસી આવ્યા પછી લાખો લોકોના જીવન બચી જશે. જેમાં ઓકસફર્ડની રસીની ભૂમિકા મહત્વની બનશે. ઓછી કિંમત અને સહેલાઇથી સ્ટોર થવાના કારણે આ રસી સૌનો વિશ્વાસ જીતશે.

પાર્કરે પોતાની ભવિષ્યવાણીમાં એમ પણ કહ્યું કે, રસીકરણ કોવિડ-૧૯ની મહામારીને સાવ ખતમ નહીં કરી શકે પણ તેનાથી આ વાયરસ એવા સ્વરૂપમાં પરિવર્તીત થઇ જશે પછી રસીની જરૂર જ નહીં પડે. જો કે એમેઝોન અને સાઇબેરીયા જેવા રિમોટ એરીયામાં આ વાયરસ કાયમ રહેશે.

હેમિલ્ટન પાર્કરે એક એવી ભવિષ્યવાણી પણ કરી છે કે કોરોનાનું તોફાન શમી ગયા પછી ચીનમાં એક નવો વાયરસ ઉત્પન્ન થશે. તેમણે એમ પણ કહ્યું કે તે વાયરસ સાર્સ ફેમીલીનો નહી હોય અને તે તબાહી મચાવે તે પહેલા જ તેના પર કંટ્રોલ આવી જશે. પણ તેના લીધે દુનિયાભરના લોકોનો ચીન પરનો રોષ વધશે. આ વાયરસની ઉત્પતિ અંગેની સચ્ચાઇ ૨૦૪૮ સુધી નહીં જાણવા મળે. તેમણે એમ પણ કહ્યું કે કોવિડ-૧૯નું જોખમ ટળી ગયા પછી દુનિયા વધારે સારી બનશે. મોટાભાગના લોકો આધ્યાત્મિક રીતે વિચારશે.

આ પહેલા નોસ્ટ્રાદેમસ અને બાબા વેંગા જેવા મોટા ભવિષ્યવેતાઓની ભવિષ્યવાણીમાં પણ આવી વાતો કહેવાઇ હતી. તેમની ભવિષ્યવાણીઓમાં પણ ૨૦૨૦માં કોઇ મહામારીનો પ્રકોપ થવાનો ઉલ્લેખ છે.

(1:06 pm IST)