Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

બળાત્કારનો ભોગ બનેલી પીડિતા વિષે માહિતી પ્રસિદ્ધ કરવા બદલ દિલ્હી હાઇકોર્ટે ટ્વીટર, ફેસબુક ,તથા યુટ્યૂબને નોટિસ આપી : હાથરસ કેસ મામલે દાખલ કરાયેલી જાહેર હિતની અરજી અનુસંધાને નામદાર કોર્ટનું પગલું

ન્યુદિલ્હી : બળાત્કારનો ભોગ બનેલી પીડિતા વિષે માહિતી પ્રસિદ્ધ કરવા બદલ દિલ્હી હાઇકોર્ટમાં કરાયેલી જાહેર હિતની અરજીના અનુસંધાને નામદાર કોર્ટએ ટ્વીટર,ફેસબુક ,તથા યુટ્યૂબને નોટિસ આપી છે.

પિટિશનમાં જણાવાયા મુજબ પીડિતાની તમામ માહિતી પ્રસિદ્ધ કરવી તે બાબત આઇપીસી ની કલમ 228 એ ના ભંગ સમાન છે.

જાહેર હિતની આ અરજીમાં હાથરસ બળાત્કાર કેસમાં પીડિતાને લગતી માહિતી પ્રસિદ્ધ કરનાર અન્ય મીડિયા માધ્યમો બુઝફીડ ,ધ સીટીઝન ,ધ ટેલિગ્રાફ ,આઇડીવા ,જનભારત ટાઈમ્સ ,ન્યુઝ 18 ,દૈનિક જાગરણ ,યુનાઇટેડ ન્યુઝ ઓફ ઇન્ડિયા ,બનસારી ટાઈમ્સ ,દલિત કેમેરા ,ધ મિલેનિયમ પોસ્ટ ,તથા વિકિફિડ નો ખુલાસો માંગવાની પણ અરજ કરાઈ છે.

જેના અનુસંધાને દિલ્હી હાઇકોર્ટના ચીફ જસ્ટિસ શ્રી ડી.એન.પટેલ તથા જસ્ટિસ શ્રી જ્યોતિ સિંઘની ખંડપીઠે ઉપરોક્ત માધ્યમોને તથા સોશિઅલ મીડિયા પ્લેટફોર્મ ,તેમજ દિલ્હી સરકારને ખુલાસો આપવા જણાવ્યું છે.

પિટિશનમાં જણાવાયા મુજબ ઉપરોક્ત તમામ માધ્યમોએ હાથરસ પીડિતાની તમામ માહિતી છતી કરી છે.જે  બદલ પગલાં લેવા જાહેર હિત હેઠળ અરજ ગુજારી છે.

સુનાવણી માટેની આગામી મુદત 5 ફેબ્રુઆરીના રોજ રાખવામાં આવી છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

 

(12:00 am IST)