Gujarati News

Gujarati News

News of Tuesday, 9th January 2018

મોદીની લોકપ્રિયતા અકબંધ પણ ઝાંખી પડી રહી છે ડાયનેમિક પીએમની ચમક? લોકોનો વિશ્વાસ ડગ્યો?

કન્સ્ટ્રકશનની ઝડપ ધીમી પડી, નિશ્ચિત રોકાણ દર ઘટયો, ફેકટરીઓ બંધ થઇ, બેકારી વધીઃ બે મોટા નિર્ણયોએ ગ્રોથને ધીમો પાડયોઃ નિકાસ ઘટી ગઇઃ અર્થતંત્રની ચાલ ધીમી પડી

નવી દિલ્હી તા. ૯ : ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રયિતા ઘણી વધારે છે. તેમને છેલ્લા ઘણા દાયકાના સૌથી ડાયનેમિક પ્રાઈમ મિનિસ્ટર માનવામાં આવે છે. તેમની ઓળખ હંમેશા બે બાબતોને લઈને રહી- પહેલી રાષ્ટ્રવાદ અને બીજી, દેશની અર્થવ્યવસ્થાને ઉંચાઈ પર લઈ જવાનો તેનું પાક્કું વચન. જોકે, બીજી ઓળખ હવે, ધીરે-ધીરે નબળી પડી રહી છે. છેલ્લા બે વર્ષોમાં ભારતના ગ્રાહકોના વિશ્વાસ ઘટ્યો છે. કન્સ્ટ્રકશનની ઝડપ ધીમી પડી છે. નિશ્વિત રોકાણનો દર ઘટ્યો છે, ઘણી ફેકટરીઓ બંધ થઈ ગઈ અને બેરોજગારીનો આંકડો વધતો ગયો.

મોદી સામે આંગળીઓ ઉઠવા લાગી છે. લગભગ બધા અર્થશાસ્ત્રીઓ એ વાતને લઈને સંમત છે કે વડાપ્રધાન તરફથી લેવાયેલા બે સૌથી મોટા નીતિગત નિર્ણયોએ ભારતના ગ્રોથને ધીમો કરી દીધો છે. પહેલા અચાનક નોટબંધી કરવામાં આવી અને પછી એક વર્ષની અંદર જ ટેકસને લઈને મોટું પગલું ઉઠાવાયું. જવાહર લાલ નહેરુ યુનિવર્સિટી નવી દિલ્હીમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર હિમાંશુ કહે છે કે, 'સ્થિતિ ખરાબ, ખરાબ અને વધુ ખરાબ થઈ રહી છે.' હજુ પણ અર્થવ્યવસ્થાની સ્થિતિ બરાબર નથી, પણ નિષ્ફળતાથી ઘણી દૂર છે. ન્યૂ યોર્ક ટાઈમ્સે મોદીની લોકપ્રિયતા અને તેમના નિર્ણયો પર લોકોના મતને લઈને એક રિપોર્ટ પ્રકાશિત કર્યો છે.

તે મુજબ, શેર માર્કેટ સતત વધી રહ્યું છે, દેશમાં ઘણા રેલવે, રોડ અને પોર્ટ પ્રોજેકટ્સ શરૂ થઈ રહ્યા ચે અને વિદેશી રોકાણ એપ્રિલથી સપ્ટેમ્બરની વચ્ચે ૨૦૧૬ના આ સમયગાળાની સરખામણીમાં ૧૭ ટકા વધ્યું છે. સરકારે શુક્રવારે અનુમાન વ્યકત કરતા કહ્યું કે, દેશનો જીડીપી ૨૦૧૭-૧૮ નાણાંકિય વર્ષમાં ૬.૫ ટકા રહેશે. જોકે, આ આંકડા સંતોષજનક ન કહી શકાય, કેમકે દેશના છેલ્લા ચાર વર્ષોના ઈતિહાસમાં સૌથી ઓછા છે. આ બધું એવા સમયે થઈ રહ્યું છે, જયારે ભારતની અર્થવ્યવસ્થા જેવી ઝડપ મેળવવાનું દુનિયાના ઘણા દેશોનું સપનું છે.

ખાસ વાત એ છે કે, મોદીની નીતિઓથી મોટી સંખ્યામાં ભારતીયો પર સકારાત્મક પ્રભાવ પડ્યો હોય એવું નથી લાગતું અને ગરબડો વધી છે. તેમાં પણ મોટો મુદ્દો છે સામાજિક તણાવ, ખાસ કરીને હિંદુઓ અને મુસલમાનોમાં મતભેદની દીવાલ ઊભી કરે છે. ઉચ્ચ અને નીચી જાતિને લઈને પણ સંઘર્ષ વધ્યો છે. આશંકા એ વાતની છે કે, પીએમ મોદી પણ પોતે હિંદુ રાષ્ટ્રવાદ પર વધુ ભાર આપવા લાગ્યા છે અને બીજી ઓળખની ચમક ઝાંખી પડવા લાગી છે.

૧.૩ અબજની વસ્તી સાથે ભારત દુનિયાનું સૌથી મોટું લોકતંત્ર છે. ૧૦ વર્ષોમાં આર્થિક જાણકારોએ અનુમાન લગાવ્યું છે કે, ભારતની અર્થવ્યવસ્થા દુનિયાની ત્રીજી સૌથી મોટી ઈકોનોમી બની જશે. ભારત માત્ર અમેરિકા અને ચીનથી પાછળ હશે. ભવિષ્યમાં શું થાય છે, એ તો મહત્વપૂર્ણ છે પણ દેશની અંદર વિશ્વાસ નબળો થઈ રહ્યો છે.

ગુજરાત, જે મોદીનો ગઢ મનાય છે, અહીંના પણ ઘણા લોકો માને છે કે, તેમની સાથે દગો થયો છે, જયારે તેમાંથી ઘણા લોકો મોદીના ચાહક છે. સુરતમાં કાપડ ઉઘોગ ઘણી રાજગારી આપે છે. હજારો સાલોથી તેનો ગૌરવશાળી ઈતિહાસ રહ્યો છે, અહીંથી મોટા પ્રમાણમાં નિકાસ થઈ રહી છે, પરંતુ આજે સ્થિતિ એ છે કે, નિકાસ લગભગ અડધી થઈ ગઈ છે. તેની અસર રોજગારી પર પડી છે અને મોટી સંખ્યામાં બેરોજગારી વધી છે.

ઘણા ઔદ્યોગિક ક્ષેત્રોમાં જે વેપારી ખુશી-ખુશી માલ લોડ કરતા હતા, આજે મુશ્કેલ સ્થિતિમાં છે. ડિસેમ્બરમાં રાજયમાં ચૂંટણી થઈ, જેના પર દેશ જ નહીં, સમગ્ર દુનિયાની નજર હતી. આ ચૂંટણીને મોદીના ગવર્નન્સ પર જનમત સંગ્રહ તરીકે માનવામાં આવતી રહી હતી. ગુજરાતના મતદારોએ નવી સ્ટેટ એસેમ્બલી માટે વોટ કર્યો. મોદીની પાર્ટીને બહુમતી તો મળી, પણ તેને ૧૬ બેઠકોનું નુકસાન થયું.

સંદેશ સ્પષ્ટ હતો- મોદીની પાર્ટી ભાજપ નંબર ૧ તો છે, પરંતુ હવે પહેલા જેવો જાદુ નથી દેખાતો. કાપડની ફેકટરી ચલાવતા મનીષ પટેલ કહે છે કે, 'મોદીએ અમારા બિઝનેસને નુકસાન પહોંચાડ્યું અને અમે બતાવવા ઈચ્છતા હતા કે અમે પણ નુકસાન પહોંચાડી શકીએ છીએ.' તેમનો ઈશારો ચૂંટણી મળેલી ઓછી બેઠકો તરફ હતો. પટેલે ફરિયાદ કરી કે, મોદીના શાસનમાં એવું જ થયું, જેમકે પહેલા અમે ફર્સ્ટ કલાસમાં હતા અને હવે અમે ૧૦માં ધોરણમાં પહોંચી ગયા છીએ. તેમણે જણાવ્યું કે, 'જીવનમાં પહેલી વખત મેં કોંગ્રેસને વોટ આપ્યો, મોદીની પાર્ટી ભાજપને નહીં.'

(9:21 am IST)