Gujarati News

Gujarati News

News of Monday, 8th January 2018

દરેક વર્ગ માટે સરકાર લાવશે સામાજીક સુરક્ષા યોજના

સરકારે શ્રમિકો માટે તૈયાર કરી બ્લુપ્રિન્ટઃ અસંગઠીત ક્ષેત્રમાં કામ કરતા શ્રમિકોને મળશે સુરક્ષા કવચઃ યોજનામાં અનિવાર્ય પેન્શન, વિકલાંગતા અને મૃત્યુનો વિમો, વૈકિલ્પક ચિકિત્સા, માતૃત્વ અને બેરોજગારીનું કવરેજ સામેલ છે

 

નવી દિલ્હી તા.૮ : કેન્દ્ર સરકાર શ્રમિકો માટે યુનિવર્સલ સોશ્યલ સિકયુરીટી સ્કીમ (સામાજીક સુરક્ષા યોજના)નું માળખુ તૈયાર કરી રહી છે જેનો હેતુ અસંગઠીત ક્ષેત્રમાં કામ કરતા શ્રમિકોને સામાજીક સુરક્ષા આપવાનો છે. શ્રમ અને રોજગાર મંત્રાલયે સામાજીક સુરક્ષા કોડનો મુસદો તૈયાર કરી લીધો છે જેમાં ઇપીએફઓ અને ઇએસઆઇસીના દાયરામાં ન આવતા લોકોને પણ સામેલ કરવામાં આવશે. આ યોજનામાં અનિવાર્ય પેન્શન, વિકલાંગતા અને મૃત્યુનો વિમો, વૈકિલ્પક ચિકિત્સા, માતૃત્વ અને બેરોજગારીનું કવરેજ સામેલ છે.

આ યોજનામાં ભાગીદારી માટે રાજયો સાથે વાત કરવામાં આવી રહી છે. આ યોજના ર૦૧૯ની લોકસભાની ચુંટણી પહેલા લોન્ચ કરવામાં આવશે. એક વરિષ્ઠ અધિકારીએ કહ્યુ છે કે ઇપીએફઓ અને ઇએસઆઇસીમાં માલિક જેટલી રકમનો ફાળો આપે એટલી જ રકમ કર્મચારી આપતા હોય છે. જો આવી યોજનાઓમાં સમગ્ર વસ્તીને લાવવામાં આવતી હોય તો એક વર્ગ એવો પણ હશે કે જે આના માટે સહમત નહી હોય. હવે ગરીબી રેખા નીચે રહેતા લોકો માટે સરકાર આ યોજના બનાવી રહી છે જે રાજયો સાથે મળીને અમલી બનશે. આ પ્રસ્તાવ મંત્રાલયો અને રાજયો વચ્ચે સરકયુલેટ થઇ ગયો છે. હાલ આ અંગેના ફન્ડીંગ ઉપર વાત ચાલી રહી છે.

સામાજીક સુરક્ષા માટે ફંડ કેન્દ્ર તરફથી આવે છે પરંતુ તેમાં રાજયની પણ ભાગીદારી હોય છે દા.ત. સરકાર ઓલ્ડ ઇઝ પેન્શન માટે મહિને રૂ.૩૦૦ આપે છે તો રાજય તેમાં વધુ રકમ જોડી વધુ પેન્શન આપે છે. કયાંક ૧૦૦૦ રૂપિયા છે. વિમા યોજનાઓ, વિકલાંગતા લાભ, માતૃત્વ લાભ જેવી યોજનાઓ પણ ચાલી રહી છે.

ર૦૧૪માં સત્તા ઉપર આવ્યા બાદ એનડીએ સરકાર ૪૪ શ્રમ કાનુનો મજબુત કરવાની જાહેરાત કરી હતી. જેમાં વેતન, સામાજીક સુરક્ષા, સ્વાસ્થ્ય, ઔદ્યોગિક સંબંધ વગેરેનો સમાવેશ થાય છે. (૩-૪)

(10:51 am IST)