Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

ચીનને વધુ એક ઝટકો : ભારત હવે અમેરિકા સહીત અન્ય દેશો સાથે મળીને વિકસાવશે 5જી ટેકનોલોજી

સિલિકોન વેલી, બેંગ્લુર અને તેલ અવીવના આઇટી હબ પારસ્પરિક સહયોગ વિકસાવશે.

વોશિંગ્ટનઃ ચીનને વધુ એક ઝાટકો આપતા ભારત, અમેરિકા , ઇઝરાયેલે મળીને 5જી ટેકનોલોજીને વિકસાવવાનો નિર્ણય લીધો છે. આ માટે સિલિકોન વેલી, બેંગ્લુર અને તેલ અવીવના આઇટી હબ પારસ્પરિક સહયોગ વિકસાવશે. આ ટેકનોલોજીનો વિકાસ થયા પછી તેને ત્રીજા વિશ્વના દેશોને પણ પૂરી પાડવામાં આવશે.

 આ મહત્ત્વના ઘટનાક્રમ પર જાણકારી આપતા યુએસ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ (USAID)ના નાયબ વહીવટકર્તા બોની ગ્લિકે જણાવ્યું હતું કે આગામી સમયમાં આ દેશો વચ્ચેનો સહયોગ વધતો જશે. ત્રણેય દેશ મળીને ભાવિ ટેકનોલોજીઓ પર રિસર્ચ ડેવલપમેન્ટ કરશે

 

એક વર્ચ્યુઅલ સમિટમાં બોલતા બોની ગ્લિકે જણાવ્યું હતું કે જુલાઈમાં 5જી ટેક્નોલોજી પર કોન્ફરન્સ થઈ હતી. આ કોન્ફરન્સમાં ભારત અને ઇઝરાયેલના નિષ્ણાતોએ બાગ લીધો હતો. તેમા આ વાત પર ચર્ચા કરવામાં આવી હતી કે બેંગ્લુરુ, સિલિકોન વેલી અને તેલ અવીવના શહેરોએ ટેકનોલોજીના વિકાસમાં ખાસ્સી ખ્યાતિ મેળવી છે. આવામાં આ જગ્યાઓના નિષ્ણાતો 5જી અને બીજી ટેકનોલોજીના વિકાસ માટે જો જોડાય તો સમગ્ર વિશ્વને તેનો ફાયદો થશે.

તેમણે જણાવ્યું હતું કે આ ત્રણેય દેશ મળીને કામ કરશે તો વિશ્વને વિશ્વસનીય અને સલામતી 5જી ટેક્નોલોજી પૂરી પાડવામાં મહત્ત્વની ભૂમિકા અદા કરશે. ચીન પર પરોક્ષ રીતે નિશાન સાધતા બોની ગ્લિકે જણાવ્યું હતું કે આ ટેક્નોલોજી પર કોઈ એક દેશનો એકાધિકાર રહેવા નહી દઇએ અથવા તો બીજા દેશોને દબાવવાનો અધિકાર ન આપવા દઇએ. તેમણે જણાવ્યું હતું કે ત્રણેય દેશો વચ્ચે સંરક્ષણ અને આર્થિક સહયોગ પહેલેથી જ છે. આવામાં ટેક્નોલોજીના ક્ષેત્રમાં મળીને કામ કરવાથી તે વિશ્વના લોકોનું જીવન બદલી શકે છે.

ત્રણેય દેશને એકજોડે લાવવાની આ પહેલ કરનારા એમ આર રંગાસ્વામીએ જણાવ્યું હતું કે ત્રણેય દેશ જોડે મળીને કામ કરશે તો આપણે એક સુરક્ષિત વિશ્વ બનાવી શકીશું. આના લીધે ત્રીજા વિશ્વના દેશોને પણ આગળ વધવાની તક મળશે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીના 2017ના ઇઝરાયેલ પ્રવાસ દરમિયાન રંગાસ્વામીએ જ તેમની સામે અમેરિકા અને ઇઝરાયેલની સાથે મળીને ટેકનોલોજી વિકાસના ક્ષેત્રમાં આગળ વધવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, આ સંદર્ભમાં બધુ ધીમે-ધીમે આગળ વધી રહ્યું છે.

(6:23 pm IST)