Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

બિહારમાં રાજકિય ગતિવિધિ તેજ બની : શાસક NDA ગઠબંધનના ઘટક JDUએ તેના તમામ સાંસદો, ધારાસભ્યોને પટના બોલાવ્યા

ભાજપના બે મોટા નેતાઓ બિહારથી દિલ્હી જવા રવાના થયા : BJP બિહારમાંથી ઉભી થયેલી રાજકીય સ્થિતિ પર ચર્ચા કરી શકે

પટના તા.08 : બિહારમાં ફરી એક વખત JDU-BJP ગઠબંધન તૂટી શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે 11 ઓગસ્ટ સુધી બંને અલગ થઈ શકે છે અને રાજ્યમાં ફરી JDU અને RJDની સરકાર બની શકે છે. મુખ્યમંત્રી નીતીશ કુમારે તેમના દરેક સાંસદ અને ધારાસભ્યને બે દિવસમાં પટના પટના બોલાવ્યા છે.

તેમને કોઈપણ ભોગે સાંજ સુધીમાં પટના પહોંચી જવા માટે કહેવામાં આવ્યું છે. જેડીયુના ઘણા નેતાઓએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે કંઈ પણ થઈ શકે છે. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ લલન સિંહે કહ્યું છે કે આરસીપી સિંહ એપિસોડ પછી ઉભી થયેલી સ્થિતિ પર વિચાર કરવા માટે દરેકને બોલાવવામાં આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે તેમની બેઠક મંગળવારે સીએમ આવાસ પર થવાની છે. ટીવી ચેનલોને આપેલા પોતાના નિવેદનમાં લાલન સિંહે ભાજપ પ્રત્યે પાર્ટીની નારાજગીને પણ જોરદાર રીતે ઉજાગર કરી છે.

આ દરમિયાન ભાજપના બે મોટા નેતાઓ બિહારથી દિલ્હી જવા રવાના થયા છે. ઉદ્યોગ મંત્રી શાહનવાઝ હુસૈન દિલ્હી જઈ રહ્યા છે. તેમની સાથે સાંસદ રવિશંકર પ્રસાદ પણ દિલ્હી જવા રવાના થયા છે. એવું માનવામાં આવે છે કે તેમને કેન્દ્રીય નેતૃત્વ દ્વારા બોલાવવામાં આવ્યા છે. બીજેપી બિહારમાંથી ઉભી થયેલી રાજકીય સ્થિતિ પર ચર્ચા કરી શકે છે. અહી સુત્રો પાસેથી એવી પણ માહિતી મળી રહી છે કે ભાજપની ટોચની નેતાગીરી તરફથી કહેવામાં આવી રહ્યું છે કે ગઠબંધનના મુદ્દે કોઈ નેતા વાત નહીં કરે. એવું પણ કહેવામાં આવ્યું છે કે આરસીપી સિંહ પણ એપિસોડ વિશે વાત કરશે નહીં, તેથી એવું લાગે છે કે બીજેપી કેન્દ્રીય નેતૃત્વ બિહારની નવીનતમ રાજકીય પરિસ્થિતિ પર નિર્ણય લેવાનું વિચારી રહ્યું છે.

બીજી તરફ આરજેડી દ્વારા એવો પણ સંકેત આપવામાં આવ્યો છે કે જો નીતિશ કુમાર ભાજપથી અલગ થઈ જશે તો રાજ્યને અસ્થિર થવા દેવામાં નહીં આવે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આરજેડી નેતા શિવાનંદ તિવારીએ સ્પષ્ટ કર્યું છે કે જો પાર્ટી ભાજપથી અલગ થશે તો નીતિશ કુમારને સમર્થન આપશે. અહીં નીતિશ કુમારે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે પણ વાતચીત કરી છે. જાણવા મળ્યું છે કે નીતિશ કુમારે સોનિયા ગાંધી સાથે ફોન પર વાત કરી હતી. જે બાદ કોંગ્રેસના તમામ ધારાસભ્યોને પટના બોલાવવામાં આવ્યા છે. પ્રદેશ અધ્યક્ષ મદન મોહન ઝાએ કહ્યું છે કે વર્તમાન રાજકીય પરિસ્થિતિને લઈને પાર્ટીના લોકોને પટના બોલાવવામાં આવ્યા છે.

(7:14 pm IST)