Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

અદાણી જૂથની મીડિયા ક્ષેત્રે થનારી એન્ટ્રીને વિલંબના વાદળો ઘેરી વળ્યા ?

ટોચના ઇન્વેસ્ટમેન્ટ બેંકરે મીડિયા વર્તુળો સાથેની વાતચીતમાં સ્વીકાર્યું કે 'અદાણી જૂથનું મીડિયા પ્રકલ્પ ધીમુ ચાલી રહ્યું છે' : વિદેશી રોકાણને લઇને વિદેશી કંપની સાથે થયેલી વાટાઘાટોમાં ભાગીદારી અદાણી જૂથના પક્ષે ફાયદાકારક ન હોવાથી નિર્ણય લેવામાં વાર : હાલમાં 5G સ્પેકટ્રમ બેન્ડવિડથ હરાજીમાં ભાગ લીધા બાદ : અદાણી સમૂહ ટેલિકોમ ક્ષેત્રે તેની તમામ તાકાત લગાવી દેવા માંગતું હોય, મીડિયા પ્રકલ્પ હાલ પૂરતો મહત્વનો નથી ? : વૈશ્વિક મંદીના પડઘમને ધ્યાને લઇને અદાણી સમૂહ મીડિયા પ્રકલ્પ મુદ્દે છાશ પણ ફૂંકી ફૂંકીને પી રહ્યાનું વ્યાવસાયિકો જણાવે છે

ન્યુયોર્ક / અમદાવાદ - ગાંધીનગર / રાજકોટ તા. ૮ : સપ્ટેમ્બર ૨૦૨૧માં અદાણી જૂથે જયારે સંજય પુગલીયાને તેમના મીડિયા પ્રકલ્પનું સુકાન સાંભળવા જૂથમાં મેનેજમેન્ટ કક્ષાએ ભેળવ્યા ત્યારે, એક વાત ચોક્કસ થઈ ગઈ હતી કે અદાણી જૂથ મીડિયા ક્ષેત્રે ગમે ત્યારે પ્રવેશ કરશે.

ત્યારબાદ રાઘવ બહલની આગેવાની હેઠળનાં મીડિયા સમૂહ કિવન્ટીલોન મીડિયામાં હિસ્સેદારી ખરીદી હોવાનાં સમાચાર મળતા એ વાત સ્પષ્ટ થઈ ગઈ હતી કે અદાણી જૂથ મીડિયા ક્ષેત્રે અને તેમાં પણ ખાસ કરીને બિઝનેસ ન્યુઝ ક્ષેત્રે બહુ મોટા પાયે આવી રહ્યું છે.

વિશ્વાસપાત્ર સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે અદાણી જૂથનાં અનેકો અનેક ટોચનાં અધિકારીઓએ અમેરિકા સ્થિત ન્યુઝ અને ડેટા સર્વિસીઝમાં અગ્રેસર સ્થાન ધરાવતી સંસ્થા સાથે સંખ્યાબંધ મિટિંગોનો દૌર ચલાવ્યો હતો.

છેલ્લે જાણવા મળતી વિગતો મુજબ જે અમેરિકી વિદેશી ન્યુઝ અને ડેટા સંસ્થા સાથે અદાણી કંપનીની વાટાઘાટો ચાલુ હતી અને એક જોઈન્ટ વેન્ચર કંપનીની તૈયારી સાથે જયારે બન્ને જૂથ વાટાઘાટો આગળ વધારી રહ્યા હતા ત્યારે એ જોઈન્ટ વેન્ચર કંપનીમાં વિદેશ નિવેશ (ફોરેન ડાયરેકટ ઈન્વેસ્ટમેન્ટ અર્થાત એફ.ડી.આઈ.) મુદ્દે બંને કંપનીઓ તેમની હિસ્સેદારી સંદર્ભે એકમત ન થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.

અમેરિકી ન્યુઝ અને ડેટા સંસ્થા તેમની હિસ્સેદારી ૭૬% રાખવા મક્કમ હતી અને સામે પક્ષે અદાણી જૂથને ૨૪% હિસ્સેદારી આપવા તૈયાર હતી.

'કંપની અને કોર્પોરેટ લો માં રહેલી જોગવાઈઓ મુજબ કોઈ કારણોસર કોઈ મુદ્દે ૨૪% હિસ્સેદારી સાથે અદાણી જૂથ કોઈપણ સંજોગોમાં કોઈ કંપની રિસોલ્યુશનનો પણ વિરોધ ન કરી શકે, પરંતુ એ હિસ્સેદારી જો ૨૪%થી વધારીને ૨૬% કરી દેવામાં આવે તો એ વ્યાવસાયિક ગઠબંધન માટેની વ્યવસ્થા અદાણી જૂથને મંજુર હતી, પરંતુ સામે પક્ષે એ તૈયારી ન હોવાથી, હાલ અદાણી જૂથનું મીડિયા પ્રકલ્પ ધીમું ચાલી રહ્યાની વાતને સમર્થન મળ્યું છે,' તેવું ટોચનાં એક ઈન્વેસ્ટમેન્ટ બેંકર જેઓ આ સોદાબાજીની પ્રક્રિયા સાથે જોડાયેલા હતા તેમણે મીડિયા સંલગ્ન વર્તુળો સાથેની વાતચીતમાં સ્વીકાર્યું છે.

તદુપરાંત હાલમાં તાજેતરમાં જ અદાણી જૂથે ૫ઞ્ સ્પેકટ્રમની હરાજીમાં હિસ્સો લીધેલો હોય અને ઈન્ડસ્ટ્રીયલ એપ્લિકેશન મુદ્દે પુરી તાકાત સાથે ટેલિકોમ ક્ષેત્રે કૂદવા માંગતા હોવાથી પણ કયાંક હાલમાં મીડિયા પ્રકલ્પ સંદર્ભે અદાણી જૂથ ધીમું જઈ રહ્યાની વાત પણ સામે આવી રહી છે.

મીડિયા ક્ષેત્રે જે પ્રકારે હાલનો માહોલ છે તેમાં આવનારી વૈશ્વિક મંદીનાં પડઘમ જયારે સર્વત્ર વાગી રહ્યા છે, ત્યારે એ મુદ્દે પણ અદાણી જૂથમાં ઘણું આંતરિક મનોમંથન કરવામાં આવ્યા બાદ મીડિયા પ્રકલ્પ મુદ્દે છાશ પણ ફૂંકી ફૂંકીને પીવી એવી સ્ટ્રેટેજી અપનાવાઈ હોવાનું અદાણી જૂથ સાથે વ્યવસાયિક રીતે સંકળાયેલા પ્રોફેશનલ્સએ પણ સ્વીકાર્યું છે.

જે પ્રકારે ભૂતકાળમાં અદાણી જૂથ મુદ્દે ફંડ કંપનીઝનાં શેર તેમજ સંલગ્ન સોદાઓ પર સંલગ્ન સંસ્થાનો દ્વારા તેમનાં ખાતા ફ્રીઝ કરીને રોક લગાવવામાં આવી હતી જેને કારણે માત્ર એક જ દિવસમાં અદાણી જૂથનાં માર્કેટકેપમાં અંદાજે આશરે રૃપિયા સિંતેર હજાર કરોડનું ધોવાણ થયું હતું.

માત્ર બે ટોચનાં મીડિયા સંસ્થાનોએ આ સમાચારો રિપોર્ટ કર્યા બાદ અદાણી જૂથ દ્વારા કરવામાં આવેલા ખુલાસાઓમાં એ ફલિત થયું હતું કે આ ફંડ કંપનીઓનાં એકાઉન્ટ  બીજા અન્ય કારણોસર ફ્રીઝ કરવામાં આવ્યા હતા અને નહિ કે અદાણી જૂથ સાથેનાં શેરોની લેતી દેતી કે વ્યવહારને કારણે.       

ત્યારબાદ વ્યાવસાયિક, બજારી અને મીડિયા વર્તુળોમાં એ વાત સર્વત્ર ચર્ચાઈ રહી હતી કે હવે અદાણી જૂથ મીડિયા ક્ષેત્રે જંપલાવશે અને આખરે થયું પણ એવુજ, પણ હાલમાં અદાણી જૂથમાં મીડિયા સંલગ્ન પ્રવૃત્ત્િ।ઓ ધીમી પડી હોવાની પણ વાત સ્પષ્ટપણે સામે આવી રહી છે.

(3:51 pm IST)