Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

ખો ખો, ગિલ્લીદંડા સહિતની ૭૫ દેશી રમતોને અભ્‍યાસક્રમમાં સ્‍થાન

જ્ઞાન સાથે ગમ્‍મત

નવી દિલ્‍હી, તા.૮: નવી શિક્ષણ નીતિ અંતર્ગત શાળાઓમાં ઉચ્‍ચ શિક્ષણના સ્‍તર સુધી પરંપરાગત તથા આધુનિક શિક્ષણ પ્રણાલી વચ્‍ચે જોરદાર તાલમેલની અદભૂત સંગતિ જોવા મળશે. શાળાઓમાં ક્ષેત્રીય ભાષાઓને પહેલેથી જ પ્રાથમિકતા આપવામાં આવેલી છે. હવે તેનાથી એક ડગલું આગળ વધીને દેશી રમતોને પણ રમતોના અભ્‍યાસક્રમનો મહત્‍વનો હિસ્‍સો બનાવવામાં આવશે.

કેન્‍દ્રીય શિક્ષણ મંત્રીએ જણાવ્‍યું કે, ખો ખો, ગિલ્લીદંડા, પતંગબાજી વગેરે દેશી રમતોને શાળાના અભ્‍યાસક્રમનો મુખ્‍ય હિસ્‍સો બનાવવામાં આવશે. ભારતના દરેક ઘર અને ગલીની ઓળખ સમાન આ રમતો દ્વારા બાળકોને ‘આવકવેરા'જેવા અઘરા અને જટિલ વિષયો સમજાવવામાં આવશે.

શિક્ષણ મંત્રાલયના મતે પરંપરાગત ભારતીય કલાઓમાં જ્ઞાન માટે પ્રેરિત કરવાની તથા સમર્પણની અદભૂત ક્ષમતા છે. તે આપણાં ચેતન મનને સુરક્ષિત કરીને માનવીય ભાવનાઓને જાગળત કરે છે. સાથે જ નવી પેઢીને આ ભારતીય રમતોનો રસાસ્‍વાદ ચખાડીને રમત-રમતમાં અભ્‍યાસનો ઉદ્દેશ્‍ય પાર પાડવામાં આવશે. આ કારણે ખો ખો, લંગડી જેવી ૭૫ દેશી રમતોને પ્રોત્‍સાહન આપવાનો નિર્ણય લેવામાં આવ્‍યો છે.

અખિલ ભારતીય તકનીકી શિક્ષા પરિષદ (એઆઈસીટીઈ)ના ઉપાધ્‍યક્ષ પ્રોફેસર એમપી પૂનિયાએ જણાવ્‍યું કે, ભારતીય રમતોને શાળાકીય સ્‍તરે સામેલ કરવાનો ઉદ્દેશ્‍ય શારીરિક શિક્ષણને પ્રોત્‍સાહન આપવાનો છે. ભારતીય રમતો દ્વારા વિદ્યાર્થીઓને તેમના મૂળ અને ભારતીય સાંસ્‍કળતિક પરંપરાઓ સાથે જોડવામાં મદદ મળશે.

આ અનોખી પહેલ દ્વારા વિદ્યાર્થીઓમાં ટેક્‍સ અંગેની સાક્ષરતા વધારવા માટે સરળ ભારતીય રમતોની મદદ લેવામાં આવશે. વિવિધ બોર્ડ ગેમ્‍સ, ઉખાણાંઓ તથા કોમિક્‍સ દ્વારા બાળકોને જટિલ કરવેરાઓની સરળ અને રોચક રીતે સમજ આપવામાં આવશે. સાપ-સીડીની રમત દ્વારા બાળકોને કરવેરા અંગે સમજાવવામાં આવશે. સીડીઓ વડે બાળકોની સારી આદતોને પ્રોત્‍સાહિત કરવામાં આવશે જ્‍યારે સાપની મદદથી તેમને ખોટી આદતોથી દૂર રહેતા શીખવાડાશે.

(3:19 pm IST)