Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

ઓરકેસ્ટ્રા, ડેકોરેશનના ભાવ વધતા નવરાત્રી મોંઘી

સિઝન પાસના દરો પાંચ હજાર રૃપિયાને પાર કરી જાય એવો આયોજકોનો મત : ગરબાના આયોજન માટે તમામ પર ભાવ વધારાના કારણે પાસના ભાવમાં ૨૦ ટકા વધશે

નવી દિલ્હી તા. ૮ : કોરોનાના કપરા કાળ બાદ પરિસ્થિતીમાં સુધારો થતા ચાલુ વર્ષે નવરાત્રિના આયોજકોની સાથે સાથે ખેલૈયાઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરંતુ ખેલેયાઓનો આવો ઉત્સાહ તેમને મોંઘો પડી જાય અને તે પુરો કરવા માટે તેમના ખિસ્સા ખાલી થઈ જાય એવી પરિસ્થિતી ઉભી થવાની છે. કારણ કે ચાલુ વર્ષે ઓરકેસ્ટ્રા, ડેકોરેશન. લાઇટીંગ સહિતના ખર્ચમાં ર૦ ટકાનો વધારો થવાના કારણે ગરબાના આયોજકો પર બેથી પાંચ કરોડનુ ભારણ આવવાનુ છે.

છેલ્લા ત્રણ વર્ષથી કોરોના વાઈરસની મહામારીને કારણે આયોજકો મોટા ગરબાનું આયોજન કરી નહોતા શકયા. કોરોનાના કેસ હળવા થતા રાજય સરકારે હવે નિયંત્રણો હટાવી લીધા છે. આવા સંજોગોમાં હવે શહેરમાં પાંચથી વધુ જગ્યા પર પ્રોફેશનલ આયોજન થવાની શકયતા હાલમાં દેખાઈ રહી છે. મોટા આયોજકો કહે છે કે ગરબા અને દાંડીયાના મોટા કાર્યક્રમો યોજવા માટે ફોટોગ્રાફી, લાઇટિંગ, ડેકોરેશન, ઓરકેસ્ટ્રા, સિકયુરિટી સહિતના ખર્ચા રહેતા હોય છે. તેના લીધે ચાલુ વર્ષે સીઝન પાસ પાંચ ચારથી પાંચ હજાર રુપિયાનો વેચાય એવી શકયતા હાલ જાણકારો વ્યકત કરે છે.

આ ખર્ચાઓમાં વધારો થયો

વિગત       પહેલા    અત્યારે

ફોટોગ્રાફી    ૫ લાખ   ૭ લાખ

લાઇટીંગ    ૩૫ લાખ  ૪૨ લાખ

સાઉન્ડ સિસ્ટમ         ૨૫ લાખ       ૩૦ લાખ

ટ્રાન્સપોર્ટેશન          ૭ લાખ        ૮.૪૦ લાખ

ઓરકેસ્ટ્રા    ૧ કરોડ   ૧.૨૦ કરોડ

પ્રિન્ટીંગ     ૮ લાખ   ૯.૬૦ લાખ

સિકયુરીટી   ૧૮ લાખ  ૨૦ લાખ

પાર્ટી પ્લોટ-ડોમ       ૧.૬૯ કરોડ     ૧.૮૦ કરોડ

ડેકોરેશન    ૩૫ લાખ  ૪૭ લાખ

વીજળી બિલ ૧૫ લાખ  ૨૦ લાખ

ખર્ચ વધતા પાસના ભાવમાં રૃપિયા ૧ હજાર સુધીનો વધારો થશે

આ વખતે અમે ગરબા અને દાડીયાના મોટા કાર્યક્રમનું આયોજન કરવા જઇ રહ્યા છીએ. પણ પાસના ભાવમાં રૃ. ૫૦૦થી ૧૦૦૦ સુધીનો વધારો કરવાની ફરજપડી છે, કારણકે ડોમનું ભાડું, ઓરકેસ્ટ્રા ફી, લાઇટિંગ. ડેકોરેશન, સિકયુરિટી. ટ્રાન્સપોર્ટેશન, સાઉન્ડ સિસ્ટમ, વીજળી બિલ અને જનરેટર સહિતના ખર્ચામાં ૨૦ ટકાનો વધારો જોવા મળ્યો છે.                             - આયોજક

ચાલુ વર્ષે પાસના ભાવમાં ર૦ ટકાનો વધારો કરવામાં આવશે

અમે પણ મોટા ગરબાનું આયોજન કરવાના છીએ. છેલ્લાં ત્રણ વર્ષમાં મોંઘવારી આસમાને પહોંચી છે. જેને કારણે ખર્ચાઓમાં ૨૦ ટકા સુધીનો વધારો જોવા મળ્યો છે અને તેને કારણે પાસના ભાવમાં વધારો કરવાની ફરજ પડી છે. ૯ દિવસના પાસપર ૧ હજાર, ડેઇલી પાસ પર ૨૦૦ અને વીક એન્ડ પાસ પર ૫૦૦ સુધીનો વધારો કરવાની ફરજ પડશે.                      - આયોજક

તમામ વસ્તુઓ મોંઘી થતા પાસના ભાવ વધારવામાં આવશે

ગરબા કે દાંડીયાના મોટા કાર્યક્રમનું આયોજન અમે પણ કરવાના છીએ. આ વખતે ખર્ચા વધારે જોવા મળ્યા છે. જેથી અમારા પાસના ભાવ ૫૦૦થી ૬૦૦ રૃપિયા આસપાસ વેચાશે. ખાસ કરીને લાઇટિંગ, ડેકોરેશન સહિતના ખર્ચામાં ખુબ જ વધારો જોવા મળ્યો છે.                                    - આયોજક

(1:08 pm IST)