Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

ભારતીય સેના સરહદ પર 5G નેટવર્ક સ્થાપિત કરશે : યુદ્ધના મેદાનમાં વધુ સારા સંકલન સાથે સૈન્ય કાર્યવાહી કરી શકશે

ચીની સેનાએ પહેલાથી જ વાસ્તવિક નિયંત્રણ રેખા પર 5G નેટવર્ક સ્થાપિત કરવાનું શરૂ કરી દીધું : નેટવર્ક ઓછી લેટન્સી સાથે કનેક્ટિવિટી પ્રદાન કરશે

નવી દિલ્લી તા.07 : ભારતીય સેના હવે સરહદ પર ટેક્નોલૉજીનો ઉપયોગ કરી વધુ શુંસજ્જ બની છે. ત્યારે હવે ભારતીય સેના પરસ્પર સંચાર અને હાઇ-સ્પીડ ડેટા નેટવર્ક માટે સરહદ પર 5જી નેટવર્ક સ્થાપિત કરશે. તેનાથી તે યુદ્ધના મેદાનમાં વધુ સારા સંકલન સાથે સૈન્ય કાર્યવાહી કરી શકશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, 5G નેટવર્ક ઉચ્ચ બેન્ડવિડ્થ અને ઓછી લેટન્સી સાથે કનેક્ટિવિટી પ્રદાન કરે છે.

ઉલ્લેખનીય છે કે, ચીની સેનાએ પહેલાથી જ વાસ્તવિક નિયંત્રણ રેખા પર ફાઈવ-જી નેટવર્ક સ્થાપિત કરવાનું શરૂ કરી દીધું છે. હવે ભારતીય સરહદ પર 5જી નેટવર્કનો ઉપયોગ સૈનિકો દ્વારા ઓપરેશન દરમિયાન મિશન-ક્રિટીકલ સંપર્ક અને સંચાર માટે કરી શકાય છે. આવનારા સમયમાં યુદ્ધના મેદાનમાં તેનો ઉપયોગ વધશે. સંરક્ષણ સેવાઓમાં 5G ના ઉપયોગને સમજવા માટે સંયુક્ત સેવાઓ અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. આર્મીના સિગ્નલ કોર્પ્સ દ્વારા આ અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો અને રોડમેપ તૈયાર કર્યો હતો. તે જણાવે છે કે સંરક્ષણ દળો માટે 5Gને આર્મીમાં કેવી રીતે સામેલ કરી શકાય.

(11:48 pm IST)