Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

ભાજપમાં જોડાવવા અંગે ગાંગુલીએઆપ્યો સ્પષ્ટ જવાબ : દાદાએ કહ્યું- મને માત્ર સ્પોર્ટ્સને લગતા સવાલ કરજો

ગાંગુલીએ કહ્યું કે દરેક વ્યક્તિ દરેક રોલમાં ફિટ બેસી શકે નહીં

કોલકતા :ક્રિકેટરમાંથી BCCIના અધ્યક્ષ બનેલા સૌરવ ગાંગુલી ઉર્ફે દાદાએ ભાજપ કે રાજકારણમાં જોડાવવા અંગે સ્પષ્ટ જવાબ આપી દીધો, જે સમજનારા સમજી જશે. ગાંગુલીના કહેવા મુજબ ‘દરેક વ્યક્તિ દરેક રોલમાં ફિટ બેસી ન શકે’.જીવને અનેક અવસર આપ્યા,જોઇએ શું થાય છે

પશ્ચિમ બંગાળમાં વિધાનસભાના ચૂંટણી જંગ વચ્ચે ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ રાજકારણ પ્રવેશ અંગે પોતાનું મૌન તોડ્યું. એક ખાનગી ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં ગાંગુલીએ કહ્યું કે દરેક વ્યક્તિ દરેક રોલમાં ફિટ બેસી શકે નહીં. પોતાના આ જવાબ (Saurav Ganguly Reply)થી દાદાએ નજીક ભવિષ્યમાં રાજકારણમાં જોડાવવાનો તેમનો કોઇ ઇરાદો નહીં હોવાનું સ્પષ્ટ કરી દીધું.

હંમેશથી પોતાને એક ક્રિકેટર તરીકે પ્રોજેક્ટ કરનારા સૌરવ ગાંગુલીએ આગળ પણ આ જ રોલમાં રહેવાનો સંકેત આપ્યો છે. BCCIના પ્રમુખ બન્યા બાદથી ગાંગુલીના રાજકારણ ખાસ કરીને ભાજપમાં પ્રવેશ અંગેની અટકળો થઇ રહી હતી.

મીડિયા રિપોર્ટમાં તો ઓવું પણ આવી ગયું હતું કે 7 માર્ચની પીએમ મોદીની રેલીમાં ગાંગુલીની હાજરીની શક્યતા છે. દરમિયાન ગાંગુલીના મિત્ર અને સીપીએમ નેતા અશોક ભટ્ટાચાર્યે કહ્યું કે“દાદા રાજકારણમાં નહીં આવે. થોડા દિવસ પહેલાં પશ્ચિમ બંગાળના ગવર્નર જગદીપ ધનખડ સાથે મુલાકાત બાદ ગાંગુલીને આવેલા એટેક અંગે અશોક ભટ્ટાચાર્યે જ કહ્યું કે રાજકારણમાં આવવા દબાણને કારણે જ દાદાને હાર્ટ એટેક આવી ગયો.

અત્યારે પણ સૌરવ ગાંગુલી સાથે વાતચીત અંગે માહિતી આપી. તેમણે જણાવ્યું કે,“સૌરવ ગાંગુલીનો આજે મને કોલ આવ્યો હતો. તેમણે કહ્યું કે હું તેની સાથે જોડાયેલો રહીશ, જેની સાથે જોડાયેલો છું. હું રાજકારણમાં આવવા માગતો નથી.

 

જ્યારે પશ્ચિમ બંગાળના ભાજપના પ્રવક્તા શામિક ભટ્ટાચાર્યે કહ્યું કે સૌરવ ગાંગુલી સામાન્ય ગતિવિધિઓમાં પરત ફરી ગયા છે. જો તેઓ આવે છે તો લોકો પસંદ કરશે. પરંતુ અમે જાણતા નથી કે તેમનો નિર્ણય શું છે. આ અંગેનો નિર્ણય તેમણે જ લેવાનો છે.

આ ઇન્ટરવ્યૂમાં ગાંગુલીએ કોઇ રેલીમાં સામેલ થવાના આમંત્રણ અંગે કોઇ વાત કરી નહીં. પરંતુ એ જરુર સ્પષ્ટ કર્યું કે તેઓ એક સ્પોર્ટસ પર્સન છે. તેમની સાથે માત્ર સ્પોર્ટ સંબંધિત સવાલો જ કરવામાં આવે.

પશ્ચિમ બંગાળમાં તાજેતરમાં ક્રિકેટર અશોક ડિંડા ભાજપમાં તો મનોજ તિવારી તૃણમુલ કોંગ્રેસમાં જોડાયા હતા. જ્યારે ગઇ કાલે અભિનેતા મિથુન ચક્રવર્તી ભઆજપમાં સામેલ થયા હતા

(7:34 pm IST)