Gujarati News

Gujarati News

News of Friday, 8th January 2021

ડોકટરની પત્‍નીએ રસીને જવાબદાર ઠેરવી

ફાઇઝરની કોરોના વેકસીન લીધાના ૧૬ દિવસ બાદ સ્‍વસ્‍થ ડોકટરનું મોત થતા ખળભળાટ

ફાઇઝરની કોરોના વેકસીનની કથિત આડઅસરનો બીજો કિસ્‍સો સામે આવ્‍યો

વોશિંગ્‍ટન ૮ : અમેરિકાના મિયામી શહેરમાં ફાઇઝર કોરોના વાયરસની રસી લગાડ્‍યાના ૧૬ દિવસ પછી ડોક્‍ટર ગ્રેગરી માઇકલ (૫૬) નું મોત નીપજયું છે. ડો. ગ્રેગરીની પત્‍ની હેઇડી નેકલેમેને જણાવ્‍યું હતું કે, ૧૮ ડિસેમ્‍બરના રોજ કોરોના વેક્‍સીન લેતા પહેલા તેમના પતિ સંપૂર્ણ રીતે સ્‍વસ્‍થ અને એક્‍ટિવ હતા. એટલું જ નહીં, ડોક્‍ટરને કોઈ બીમારી પણ નહોતી. પત્‍નીએ કહ્યું કે રસી લીધા બાદ તેમના પતિના લોહીમાં રહસ્‍યમય ગડબડ થઈ હતી.

ડોક્‍ટર ગ્રેગરીનું રવિવારે સવારે અચાનક રોગપ્રતિકારક સંબંધી એક અસાધારણ બીમારી બાદ હાર્ટ એટેકથી અવસાન થયું હતું. ડો.ગ્રેગરીની પત્‍નીનું માનવું છે કે ફાઈઝરની કોરોના રસીના કારણે ક્‍યાંકને ક્‍યાંકથી આ બીમારી થઈ. હેઇડી નેકેલમેને ડેઇલીમેલને કહ્યું, ‘હું માનું છું કે ડો. ગ્રેગરીનું મૃત્‍યુનો સીધો સંબંધ વેક્‍સીન સાથે છે. એનું બીજું કોઈ અર્થઘટન થઈ શકે નહીં.'

હેઇડીએ કહ્યું, ‘ડો. ગ્રેગરી સંપૂર્ણ સ્‍વસ્‍થ હતા. તેઓ સિગારેટ પણ નહોતા પીતા. ભાગ્‍યે જ તેઓ દારૂ પીતા હતા. તેણે યોગ કરતા અને દરિયામાં ડાઇવ કરતા. મારા પતિની દરેક રીતે તપાસ કરવામાં આવી છે. એટલું જ નહીં, કેન્‍સરની પણ તપાસ કરવામાં આવી છે પરંતુ કઈ સામે આવ્‍યું નથી. બીજી તરફ, ડોક્‍ટરના મૃત્‍યુ પર ફાઇઝર કંપનીએ કહ્યું છે કે તેઓ ડો. ગ્રેગરીના ‘ખૂબ જ અસામાન્‍ય' મૃત્‍યુથી વાકેફ છે અને તેઓ તેની વધુ તપાસ કરી રહ્યા છે.

કંપનીના પ્રવક્‍તાએ કહ્યું, ‘આ સમયે અમે માનતા નથી કે ડો. ગ્રેગરીના મોત સાથે આ રસીનો કોઈ સીધો સંબંધ છે.' એવું કહેવામાં આવી રહ્યું છે કે રસી આપવામાં આવ્‍યા પછી ડોક્‍ટર ગ્રેગરીની અંદર કોઈ તાત્‍કાલિક આડઅસર જોવા મળી ન હતી. જો કે, ૩ દિવસ પછી જયારે ડોક્‍ટર સ્‍નાન કરી રહ્યા હતા, તે સમયે તેમણે જોયું કે હાથ અને પગ પર લોહી જેવી લાલ ફોલ્લીઓ છે. જયારે તેમણે જાતે જ તેમના માઉન્‍ટ સિનાઇ મેડિકલ સેન્‍ટરમાં તપાસ કરાવી ત્‍યારે અન્‍ય ડોકટરોને જાણવા મળ્‍યું કે તે પ્‍લેટલેટની તીવ્ર ઉણપથી પીડાઈ રહ્યા છે. આ જ હોસ્‍પિટલમાં ડોક્‍ટર ગ્રેગરીને રસી આપવામાં આવી હતી.

હેઇદીએ કહ્યું, ‘પ્‍લેટલેટ સિવાય તમામ બ્‍લડ ટેસ્‍ટ સામાન્‍ય હતા. પ્‍લેટલેટ્‍સ શૂન્‍ય સુધી પહોંચી ગઈ હતી. ડોક્‍ટર ગ્રેગરીને પ્રથમ વખત તપાસ કરતા ડોક્‍ટરોએ વિચાર્યું કે તે ભૂલથી થયું છે. તેથી જયારે તેઓએ બે વાર તપાસ કરી, ત્‍યારે ફક્‍ત એક પ્‍લેટલેટ દેખાઈ. આ પછી પણ, ડો. ગ્રેગરી સામાન્‍ય હતા અને ઉર્જાથી ભરપુર હતા. ડોકટરોએ ગ્રેગરીને ઘરે ન જવાની સલાહ આપી કારણ કે જોખમ વધારે હતું. જણાવી દઈએ કે, પ્‍લેટલેટ સામાન્‍ય રીતે ૧૫૦,૦૦૦થી ૪૫૦,૦૦૦ની વચ્‍ચે હોય છે.

(11:07 am IST)