Gujarati News

Gujarati News

News of Sunday, 7th January 2018

વાજપેયી, પ્રણવ, મનમોહનને બંગલાઓને ખાલી કરવા પડશે

સુબ્રમણ્યમનની ભલામણ સ્વીકારાશે તો બંગલા ખાલી : તર્કદાર દલીલો કરવામાં આવ્યા બાદ ૧૬ જાન્યુઆરીએ મામલાની સુનાવણી : રાજકીય વર્તુળોમાં નવી ચર્ચાઓ

નવીદિલ્હી,તા. ૭ : પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ, પ્રણવ મુખર્જી, પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ અને અટલ બિહારી વાજપેયીને લૂટિયંસ ઝોનમાં સ્થિત પોતાના સરકારી આવાસો ખાલી કરવા પડી શકે છે. પૂર્વ સોલીસીટર જનરલ ગોપાલ સુબ્રમણ્યમની ભલામણોને જો સુપ્રીમ કોર્ટ સ્વીકારી લેશે તો દેશના સર્વોચ્ચ હોદ્દા પર રહી ચુકેલા આ લોકોને પોતાના આવાસ ખાલી કરવા પડશે. ગયા વર્ષે ૨૩મી ઓગસ્ટના દિવસે એનજીઓ લોકપ્રહરી તરફથી જારી કરવામાં આવેલી અરજી ઉપર જસ્ટિસ રંજન ગોગોઈ અને નવીન સિંહાની બનેલી બેંચે ગોપાલ સુબ્રમણ્યમને આ મામલામાં એમિકસક્યુરી તરીકે નિમ્યા હતા. આ એનજીઓએ ઉત્તર પ્રદેશ સરકાર તરફથી પૂર્વ મુખ્યમંત્રીના બંગલાની ફાળવણીના સંદર્ભમાં પડકાર ફેંકીને જાહેરહિતની અરજી દાખલ કરી હતી. આની સુનાવણી ચલાવતી વેળા બેંચે કહ્યું હતું કે, આ અરજીમાં ઉઠાવવામાં આવેલા મુદ્દા પ્રજાના મહત્વના છે. સાથે સાથે તમામ લોકો સાથે જોડાયેલા મુદ્દા છે. આ પ્રશ્ન અન્ય રાજ્યો અને કેન્દ્રો માટે પણ લાગૂ થાય છે. આ મામલામાં ગંભીરતાપૂર્વક વિચારણા કરવાની જરૂર છે. તમામ સંબંધિત પક્ષોના સંદર્ભમાં વિચારણા કરવાની જરૂર છે. સુબ્રમણ્યમે અભિપ્રાય વ્યક્ત કરતા કહ્યું હતું કે, ટોચના હોદ્દા પર રહ્યા બાદ આ લોકો હવે સામાન્ય વ્યક્તિ બની ગયા છે. આવી સ્થિતિમાં તેમને સત્તાવાર આવાસ ખાલી કરી દેવા જોઇએ. સુબ્રમણ્યમના આ અભિપ્રાય સરકારી બંગલામાં રહેતા પૂર્વ વડાપ્રધાન અને પૂર્વ રાષ્ટ્રપતિ ઉપરાંત મૃત નેતાઓના આવાસને મેમોરિયલમાં ફેરવી કાઢવા માટે વિચારવાની દ્રષ્ટિએ પણ મહત્વપૂર્ણ છે. છ કૃષ્ણનનમેનન માર્ગ સ્થિત બંગલામાં બાબુ જગજીવનરામ રહેતા હતા. હવે તે મેમોરિયન બનનાર છે. આવી જ રીતે જવાહરલાલ નહેરુ, લાલ બહાદુર શાસ્ત્રી અને ઇન્દિરા ગાંધીના મેમોરિયલ પણ તૈયાર થયા છે. સુબ્રમણ્યમનો અભિપ્રાય છે કે, એક વખતે જ્યારે પૂર્વ વડાપ્રધાન અથવા તો પૂર્વ રાષ્ટ્રપતિ પોતાના હોદ્દા છોડી દે છે ત્યરો સત્તાવાર આવાસ પણ ખાલી કરવા જોઇએ. હોદ્દો છોડી દીધા બાદ આવા લોકો પણ દેશના સામાન્ય લોકોની જેમ મુખ્ય પ્રવાહમાં પ્રવેશ કરે છે. હોદ્દાને છોડી દીધા બાદ તેઓ સામાન્ય નાગરિક હોય છે. તેમને લઘુત્તમ પ્રોટોકોલ, પેન્શન અને પોસ્ટ રિટાયર્ડમેન્ટ સેવાઓ ઉપરાંત વધારાના કોઇ લાભ આપવા જોઇએ નહીં. જસ્ટિસ ગોગોઇ અને આર ભાનુમતી દ્વારા આ મામલાની સુનાવણી કરતી વેળા વધુ સુનાવણી ૧૬મી જાન્યુઆરીના દિવસે હાથ ધરવાનો નિર્ણય કર્યો હતો.

(8:10 pm IST)