Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

અમેરિકાના જુદા-જુદા રાજ્‍યોમાં ઇલેકટોરલ વોટની ગણતરી માટે અલગ-અલગ કાયદા હોવાથી અને મતગણતરી માટે અલગ-અલગ તારીખો નક્કી કરી હોવાથી પરિણામમાં વિલંબ

અમેરિકન રાષ્ટ્રપતિ પદની ચૂંટણીના ત્રણ દિવસ બાદ પણ અંતિમ પરિણામ સામે નથી આવી શક્યા. જો કે ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બિડેન જીતના જાદૂઈ આંકડાની નજીક પહોંચી ચૂક્યાં છે. જ્યાં તેમની જીત લગભગ નક્કી માનવામાં આવી રહી છે.

બિડેને પોતાના હરિફ રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પને ઘણાં પાછળ છોડી દીધા છે. બિડેનને અત્યાર સુધી 264 ઈલેક્ટોરલ વોટ મળી ચૂક્યાં છે. જ્યારે રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પના ફાળે 214 વોટ જ છે. એવામાં સ્વાભાવિક રીતે પ્રશ્ન થાય કે, આખરે ચૂંટણી પરિણામો આવવામાં આટલો વિલંબ કેમ થઈ રહ્યો છે?

ઈલેક્ટોરલ વોટની ગણતરી માટે રાજ્યોના અલગ કાયદા

હકીકતમાં રાષ્ટ્રપતિ ચૂંટણી દરમિયાન અમેરિકામાં ઈલેક્ટોરલ વોટની ગણતરી માટે રાજ્યોના પોતાના અલગ-અલગ કાયદા છે. દરેક રાજ્યોમાં મતગણતરી માટે અલગ-અલગ તારીખો નક્કી કરવામાં આવી છે. આ મામલે રાજ્યોને છૂટ આપવામાં આવી છે.

અમેરિકાના અનેક રાજ્યો મતદાનના દિવસે જ ચૂંટણીના પરિણામ જાહેર કરી દે છે. જ્યારે કેટલાક રાજ્યોમાં વૉટિંગના થોડા દિવસ બાદ મતગણતરી હાથ ધરી શકે છે. નોર્થ કેરોલિના, એરિઝોના, જ્યોર્જિયા, નેવાડા અને પેન્સિલવેનિયા એવા રાજ્યોમાં સામેલ છે. જ્યાં મતગણતરી એક અઠવાડિયા સુધી ચાલી શકે છે.

રાજ્યો પાસે મતપત્રક પ્રાપ્ત કરવા અંગે પણ અલગ-અલગ સમય મર્યાદા છે. ખાસ કરીને સૈન્ય કે વિદેશી નાગરિકો તરફથી આવનારા મતપત્રકો માટે.

મેલ-ઈન વૉટિંગ પ્રક્રિયાને પગલે ચૂંટણી પરિણામોમાં થયો વિલંબ

કોરોના મહામારીના કારણે આ વખતે અમેરિકન રાષ્ટ્રપતિ ચૂંટણી ઐતિહાસિક છે. મેલ ઈન વૉટિંગના કારણે અમેરિકન રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં રેકોર્ડ બ્રેક મતદાન થયું છે.

મેલ ઈન વૉટિંગ થકી દસ કરોડથી વધુ લોકોએ આ મતદાન પ્રક્રિયામાં ભાગ લીધો હતો. જેના પગલે મતગણતરીના કાર્યમાં વાર લાગી રહી છે. જે રાજ્યમાં મેલ ઈન વૉટિંગ વધારે થયો છે, ત્યાં મત ગણતરીમાં વિલંબ થઈ રહ્યો છે. જેથી ચૂંટણીનું પરિણામ આવવામાં વાર લાગી રહી છે.

હકીકતમાં મેલ ઈન વૉટિંગથી નાંખવામાં આવેલ મત પત્રકોની ઝીણવટ પૂર્વક તપાસ કરવામાં આવે છે. તમામ મતોને મતદાતાના ઓળખ કાર્ડ સાથે મેચ કરવામાં આવે છે. જે બાદ જ તેનો મત માન્ય ગણાય છે. આ પ્રક્રિયા ઘણી જ જટિલ અને વધારે સમય માંગતી હોવાના કારણે ચૂંટણીના પરિણામો પર અસર થઈ રહી છે.

(5:01 pm IST)