Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

કોરોના મહામારી વચ્ચે મુંબઇની ફાર્ર્માસ્યુટિકલ કંપની લુપિન ઉપર સાયબર એટેક

મુંબઇ,તા. ૭: કોરોના મહામારીના ખાત્મા માટે વિશ્વભરની કંપનીઓ અત્યારે વેકસીન બનાવવાની તૈયારીઓ કરી રહી છે. અનેક કંપનીઓએ તો વેકસીનના અંતિમ તબક્કાનું ટ્રાયલ પણ શરૂ કરી દીધુ છે. જો કે જેમ-જેમ આ વેકસીન પર કામ આગળ વધી રહ્યું છે, તેમ-તેમ અનેક ફાર્મા કંપનીઓ પર સાયબર એટેકનું જોખમ વધી રહ્યું છે.

હેકર્સના નિશાના પર હવે ભારતીય ફાર્મા કંપનીઓ  છે. ૧૫ દિવસ પહેલા જ ડો રેડ્ડીઝ લેબ  પર સાયબર એટેક કરવામાં આવ્યો હતો. હવે મુંબઈની ફાર્માસ્યૂટિકલ કંપની લુપિન  પર પણ આજ પ્રકારનો એટેક કરવામાં આવ્યો છે.

ફાર્મા સેકટર સાથે સંકળાયેલા અધિકારીઓએ જણાવ્યું કે, વેકસીનને લઈને જે સાયબર એટેક અત્યાર સુધી પશ્ચિમી દેશો પૂરતા સિમિત હતા, તે હવે મહામારી કરવા સાથે સમગ્ર વિશ્વમાં ફેલાઈ રહ્યાં છે. ભારતની ફાર્માં કંપનીઓ હાલના સમયમાં કોરોના વેકસીનના ગ્લોબલ સપ્લાય ચેનનો એક ભાગ છે. એવામાં હેકર્સે તેના પર ટાર્ગેટ કરવાનો પૂરો પ્રયત્ન કરી રહ્યાં છે. એકસપર્ટના જણાવ્યા મુંજબ, આવા સાયબર હુમલા આગળ પણ થઈ શકે છે.

એવું માનવામાં આવી રહ્યું છે કે, વેકસીન  અને તેના સપ્લાયની ચેનની જાણકારી મેળવવા માટે હૈકર્સ સાયબર એટેકને અંજામ આપી રહ્યાં છે.

ભારતની એક વેકસીન ફર્મના અધિકારીના જણાવ્યા પ્રમાણે, દેશની મોટાભાગની ફાર્મા કંપનીઓ પોતાના ડોકયુમેન્ટ અને ઉત્પાદન પ્રક્રિયા સાથે સંકળાયેલા ડેટા ગત દાયકામાં ડિજિટલ સ્પેસમાં નાખી ચૂકી છે. ગત વર્ષે જ આ ડિજિટલાઈઝેશનનું જોખમ ઉઠાવવામાં આવ્યું હતું. તે વખતે સાયબર સિકયોરિટીની સર્વિસ પૂરી પાડતી સંસ્થા કાસ્પરસ્કાઈએ સાયબર એટેક માટે ભારતને વિશ્વમાં સૌથી વધું સંવેદનશીલ દેશ ગણાવ્યો હતો અને કહ્યું હતું કે, અહીં દવા બનાવનારી કંપનીઓ સાયબર એટેકરના ટાર્ગેટમાં છે.

કેટલાક એકસપર્ટનું માનવું છે કે, ભારતની ફાર્મા કંપનીઓ કોરોના વાઈરસના કપરા કાળમાં સસ્તી કિંમતે મોટા પાયે દવાઓ પૂરી પાડવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. આથી આવી કંપનીઓ પણ હેકર્સની રડારમાં છે. વિશ્વભરની મોટી કંપનીઓ સાથે ભારતીય ફાર્મા કંપનીઓ પર સાયબર એટેક  વધવાનો અર્થ છે કે, ભારત એવા દેશોની યાદીમાં સામેલ છે, જે જીવલેણ કોરોના વાઈરસની કારગર વેકસીન બનાવવાની રેસમાં આગળ છે.

જણાવી દઈએ કે, ડોકટર રેડ્ડીઝ લેબ ઉપર પણ સાયબર એટેક થયો હતો. જયારે કંપનીને ભારતમાં રશિયાની કોરોના વેકસીન સ્પૂતનિક-વીના બીજા અને અંતિમ તબક્કાનું ટ્રાયલ કરવાની મંજૂરી મળી હતી. આ એટેક બાદ કંપનીએ પોતાના ડેટા સેન્ટર અને અન્ય સેવાઓ અલગ કરી લીધી હતી.

જો કે ડોકટર રેડ્ડીઝ લેબની જેમ લુપિન કોઈ વેકસીન ટ્રાયલનું કામ નથી કરી રહી. અત્યાર સુધી બન્ને કંપનીઓએ સ્પષ્ટ કર્યું છે કે, સાયબર એટેકના કારણે તેમના રૂટિન કામમાં કોઈ અસર નથી થઈ.

(3:26 pm IST)