Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

ન્યૂઝીલેન્ડમાં ભારતીય મૂળના પ્રથમ મંત્રી પ્રિયંકાએ સંસદમાં મલયાલમમાં આપ્યું ભાષણઃ કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ શેર કર્યો વીડિયો

જો કે વીડિયો ૨૦૧૭ની સાલનો છેઃ શશી થરુરે પણ અભિનંદન આપ્યા

નવી દિલ્હી, તા.૭: ન્યૂઝીલેન્ડની ભારતીય મૂળની પ્રથમ મંત્રી પ્રિયંકા રાધાકૃષ્ણનનો ત્યાંની સંસદને મલયાલમ ભાષામાં સંબોધિત કરતો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપસિંહ પુરીએ પણ શેર કર્યો છે. પુરીએ ટ્વીટર પર આ વીડિયો શેર કરતા લખ્યું છે કે, 'ભારતને ગૌરવાંતિત કરતા ન્યૂઝીલેન્ડમાં ભારતીય મૂળની મંત્રી પ્રિયંકાએ મલયાલમમાં પોતાના દેશને સંબોધન કર્યું છે.'

ઉલ્લેખનીય છે કે પ્રિયંકા રાધાકૃષ્ણનનો જે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે તે ૨૦૧૭ના વર્ષનો છે. પ્રિયંકા છેલ્લા ૧૭ વર્ષથી લેબર પાર્ટીની સભ્ય છે. ભારતમાં જન્મેલી ૪૧ વર્ષીય પ્રિયંકા રાધાકૃષ્ણને સિંગાપુરમાં અભ્યાસ કર્યો છે. જે બાદમાં વધુ અભ્યાસ માટે તેણી ન્યૂઝીલેન્ડ ચાલી ગઈ હતી. પ્રિયંકા પોતાના પતિ સાથે ઓકલેન્ડમાં રહે છે.

પ્રિયંકા રાધાકૃષ્ણનના ન્યૂઝીલેન્ડમાં મંત્રી બનવા પર કોંગ્રેસ નેતા શશિ થરૂરે આનંદ વ્યકત કર્યો હતો. થરૂરે પ્રિયંકાને શુભેચ્છા પાઠવતા લખ્યું કે, ન્યૂઝીલેન્ડમાં ભારતીય મૂળની પ્રથમ મંત્રી બનવા પર પ્રિયંકાને અભિનંદન. કેરળ માટે આ ગૌરવની વાત છે.

(2:48 pm IST)