Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

બીડેન જીતની ખૂબ નજીકઃ જયોર્જિયા-પેન્સિલવેનિયામાં પણ ટ્રમ્પની આગળ

પેન્સિલવેનિયામાં, બીડને ટ્રમ્પ પર ૧૨,૦૦૦થી વધુ મતો મેળવ્યા છે

વોશિંગ્ટન, તા.૭: અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખ પદ માટે ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બાઇડન શુક્રવારે મહત્વપૂર્ણ રાજયો જયોર્જિયા અને પેન્સિલવેનિયા માં તેમના હરીફ ડોનાલ્ડ ટ્રમ્પને પાછળ છોડીને આગળ નીકળી ગયા છે. બાઇડન ખૂબ જ રસપ્રદ મુકાબલામાં ઐતિહાસિક વિજય હાંસલ કરવાની નજીક હોવાનું દેખાઇ રહ્યું છે. જયોર્જિયામાં બીજા તબક્કાની મતગણતરી બાદ બાઇડને ટ્રમ્પ કરતાં લીડ બનાવી લીધી છે. જણાવી દઈએ કે, જયોર્જિયા લાંબા સમયથી રિપબ્લિકન પાર્ટીનો ગઢ રહ્યો છે. બાઇડન હવે ૧૦૯૬ મતોથી આગળ છે.

પેન્સિલવેનિયામાં બાઇડને ટ્રમ્પ કરતાં ૧૨,૦૦૦થી વધુ મતો મેળવ્યા છે. બુધવારની રાત સુધીમાં આ રાજયમાં ટ્રમ્પ ૭૦,૦૦૦થી વધુ મતોથી આગળ ચાલી રહ્યા હતા. તો બાઇડન બીજા બે મહત્વપૂર્ણ રાજયો એરિઝોના અને નેવાડામાં મામૂલી સરસાઈથી આગળ છે. વ્હાઇટ હાઉસ સુધી પહોંચવા માટે ૫૩૮ 'ઇલેકટોરલ કોલેજ વોટ'માંથી ૨૭૦ મતો પ્રાપ્ત કરવા જરૂરી છે.

તાજા અનુમાન અનુસાર બાઇડનને ૨૫૩ 'ઇલેકટોરલ કોલેજ વોટ'મળ્યા છે જયારે ટ્રમ્પને ૨૧૩ વોટ મળ્યા છે. પરંતુ કેટલાક અમેરિકન માધ્યમોએ બાઇડેનને ૨૬૪ અને ટ્રમ્પને ૨૧૪ મત આપ્યા છે. તો ટ્રમ્પે વ્હાઇટ હાઉસ ખાતે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે તેઓ ચૂંટણીમાં થતી હેરાફેરીની વિરૂદ્ઘ કોર્ટમાં જશે. તેમણે ચૂંટણી ઉપર મોટા પાયે ધાંધલધમાલ કરવાનો આરોપ લગાવ્યો, જો કે તે પોતાના આક્ષેપોને સમર્થન આપવા માટે કોઈ પુરાવા રજૂ કરી શકયા નહીં.

ગુરુવારે, યુ.એસ.ની અનેક ન્યૂઝ ચેનલોએ ટ્રમ્પની પ્રેસ કોન્ફરન્સના લાઇવ ટેલિકાસ્ટને રોકી દીધું હતું. ટ્રમ્પની ઝુંબેશની ટીમે પેન્સિલવેનિયા, મિશિગન, જયોર્જિયા અને નેવાડામાં પહેલેથી જ કેસ નોંધાવ્યા છે. તેમણે વિસ્કોન્સિનમાં ફરી મતગણતરી કરવાની હાકલ કરી હતી. બાઇડનની ઝુંબેશની ટીમે આક્ષેપોને નકારી દીધી હતી. બાઇડને ડેલાવેયરમાં પત્રકારોને કહ્યું, 'જે રીતની વસ્તુઓ છે તેનાથી અમે ખૂબ જ સારું મહેસૂસ કરી રહ્યા છીએ. અમને કોઈ શંકા નથી કે ગણતરી પૂર્ણ થવા પર હું અને સેનેટર કમલા હેરિસ (ઉપરાષ્ટ્રપ્રમુખ પદ માટેના ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર) જીત પ્રાપ્ત કરીશું. કમલા હેરિસ પણ આ દરમિયાન બાઇડન સાથે હાજર હતા.

પૂર્વ ઉપરાષ્ટ્રપ્રમુખ બાઇડને મતની ગણતરી પૂર્ણ ન થાય ત્યાં સુધી લોકોને ધીરજ રાખવાની અપીલ કરી હતી. યુએસ પ્રમુખ ટ્રમ્પે દાવો કર્યો છે કે જો ફકત શ્નમાન્ય મતોલૃની ગણતરી થઇ હોત તો તેઓ કાંટાની ટક્કરવાળા રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં સરળતાથી જીતી ગયા હોત. વ્હાઇટ હાઉસ ખાતે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતા ટ્રમ્પે સંકેત આપ્યો હતો કે યુ.એસ. રાષ્ટ્રપ્રમુખ ચૂંટણીના પરિણામનો નિર્ણય આખરે સુપ્રીમ કોર્ટમાં લેવામાં આવશે.

આ દરમિયાન ટ્રમ્પના ચૂંટણી પ્રચાર અધિકારી મેટ મોર્ગને કહ્યું, ' આ ચૂંટણી હજી પૂરી થઈ નથી. જો બાઇડન ચાર રાજયોના પરિણામોના આધારે પોતાને વિજેતા તરીકે રજૂ કરી રહ્યા છે, પરંતુ અંતિમ પરિણામો હજી દૂર છે. જયોર્જિયા ફરીથી મતોની ગણતરી તરફ આગળ વધી રહ્યું છે, જેના વિશે અમને વિશ્વાસ છે કે રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ લીડ કરશે.

ફિલાડેલ્ફિયા પોલીસે કહ્યું કે, તેઓએ ગુરુવારે રાજય સંમેલન કેન્દ્ર નજીક બે લોકોની ધરપકડ કરી હતી અને તેમની પાસેથી એક બંદૂક મળી આવી હતી. પોલીસે કહ્યું કે, આ લોકોને શસ્ત્રો લઈ જવાની મંજૂરી નહોતી. આ કેન્દ્રમાં રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી માટેની મતની ગણતરી ચાલી રહી છે. પોલીસે જણાવ્યું હતું કે તેમને પહેલા જ માહિતી મળી હતી કે કારમાંથી કેટલાક લોકો હથિયારો સાથે ફિલાડેલ્ફિયા કેન્દ્ર તરફ જઈ રહ્યા છે. પોલીસે જણાવ્યું કે કારમાંથી બીજી બંદૂક પણ મળી આવી છે.

(11:30 am IST)