Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

સ્ટીલના ભાવમાં પ્રતિટન રૂ. ૧૨૦૦નો વધારો

જુલાઈ મહિનાથી અત્યાર સુધીમાં સ્ટીલ કંપનીઓએ એચઆરસીના ભાવમાં ટનદીઠ રૂ. ૮૦૦૦-૮૫૦૦ વધારી દીધા છે

કોલકાતા, તા. ૭: સ્ટીલ કંપનીઓએ ૧ નવેમ્બરથી સ્ટીલના ભાવમાં ટનદીઠ રૂ. ૧૨૦૦નો વધારો કર્યો છે. આ વધારાને પગલે હોટ રોલ્ડ કોઈલ (એચઆરસી)ના ભાવ વધીને રૂ. ૪૫૦૦૦ થયા છે. ગેલ્વેનાઈઝડ પ્રોડકટસ અને કલરેકાટેડ શીટના ભાવમાં આનાથી મોટો વધારો કરાયો છે, પણ તે એકસરખો નથી, વત્ત્।ો'ઓછો છે.

જેએસપીએલના મેનેજિંગ ડિરેકટર વી. આર. શર્માએ કહ્યું હતું કે અમે ભાવમાં ટનદીઠ રૂ. ૧૦૦૦-૧૨૦૦નો વધારો કર્યો છે. આ સાથે જુલાઈ મહિનાથી અત્યારસુધીમાં સ્ટીલ કંપનીઓએ એચઆરસીના ભાવમાં ટનદીઠ રૂ. ૮૦૦૦-૮૫૦૦ વધારી દીધા છે.

ઈક્રાના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ જયંત રોયે કહ્યું કે 'એચઆરસીના સ્થાનિક ભાવમાં છેલ્લાં બે વર્ષમાં ભારે અફરાતરફી જોવાઈ છે. બે વર્ષ પહેલાં નવેમ્બર ૨૦૧૮માં સ્ટીલનો ભાવ રૂ. ૪૬૫૦૦ હતો. ત્યારપછી તે ઘટતો ઘટતો નવેમ્બર ૨૦૧૯ સુધીમાં રૂ. ૩૨૨૫૦ના તળિયે ગયો અને ત્યાંથી પાછો ફરીને હાલના રૂ. ૪૪૫૦૦ સુધી પહોંચ્યો. સ્થાનિક સ્ટીલના હાલના ભાવ આંતરરાષ્ટ્રીય બજારને અનુરૂપ છે.'

દરમિયાન સ્ટીલના એક ઉત્પાદકે કહ્યું હતું કે નફાનો આટલો મોટો ગાળો અમે દ્યણા વખતથી જોયો નથી. હાલનો નફાનો ગાળો અભૂતપૂર્વ તો નથી, પણ તેની લગોલગ તો છે. ખનિજ લોખંડના ભાવ પણ હાલ ઊંચા છે, પરંતુ કોકિંગ કોલસાના ભાવ ઘટવાથી તે કંઈક અંશે સરભર થઈ જાય છે. સ્ટીલનો ભાવવધારો મહદંશે માગમાં થયેલા વધારાને આભારી છે. ખાસ કરીને વાહન ઉદ્યોગ, ઉપકરણ ઉત્પાદકો અને ગ્રામ વિસ્તારો મોટા પાયે સ્ટીલ ખરીદી રહ્યા છે. શર્માએ કહ્યું કે સરકારી પ્રોજેકટોની માગ પણ વધી રહી છે. સપ્ટેમ્બરમાં સ્ટીલનો સ્થાનિક વપરાશ ઓગસ્ટના કરતાં ૩.૭૪ ટકા વધ્યો. જોકે, ગયા વર્ષના સપ્ટેમ્બર કરતાં તે ૦.૮ ટકા ઓછો હતો.

સ્થાનિક ઉપાડ વધતાં કંપનીઓ નિકાસ ઘટાડી રહી છે.લોકડાઉનના પ્રારંભના મહિનાઓમાં સ્ટીલ કંપનીઓએ મોટા ભાગનું ઉત્પાદન પરદેશ ચડાવ્યું હતું. કેટલીક કંપનીઓએ ૭૦-૮૦ ટકા ઉત્પાદન નિકાસ કરી નાખ્યું હતું.

જોકે, છેલ્લા કેટલાક મહિનાથી નિકાસ સતત દ્યટી રહી છે. સ્ટીલની તૈયારી ચીજોની નિકાસ જુલાઈમાં ૧૩.૭૬ લાખ ટન હતી તે ઓગસ્ટમાં ઘટીને દસેક લાખ ટન થઈ અને સપ્ટેમ્બરમાં ૮.૬૪ લાખ ટન હતી જે વર્ષાનુવર્ષ ૧૯ ટકાનો ઘટાડો દર્શાવે છે. તેથી વિરુદ્ઘ જુલાઈમાં સ્ટીલની નિકાસ વર્ષાનુવર્ષ ૧૨૮ ટકા વધી ગઈ હતી.

(10:47 am IST)