Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

કોરોના વેકસીનને લઇને ભારતીયો સૌથી વધુ ઉત્સાહિત : અનેક દેશોમાં રસીકરણની અનિચ્છા

૭૨ ટકા લોકો રસી લગાવવાની તરફેણમાં : સર્વે

નવી દિલ્હી,તા. ૭:કોરોના વાયરસથી ત્રસ્ત દુનિયા હવે વેકસીનની આતુરતાથી રાહ જોઈ રહ્યું છે. એક સર્વેના જણાવ્યા પ્રમાણે કોરોના વેકસીનને લઈને ભારતીયો સૌથી વધારે આતુર છે. ભારતીયો જેવી વેકસીન આવશે તે સાથે જ તેને લગાવવા માટે તૈયાર છે. બીજી તરફ સર્વેમાં સામેલ મોટા ભાગના દેશોના લોકો વેકસીન લગાવવાને લઈને ઉદાસીન જોવા મળ્યા છે અને તેમણે વેકસીન લેવા સામે અનિચ્છા વ્યકત કરી છે. ૧૫મીથી ૧૦ દેશોના લોકોમાં વેકસીન લગાવવાને લઈને અનિચ્છા વધી રહી છે.

વર્લ્ડ ઈકોનોમિક ફોરમ/ઈપ્સોસ સર્વેમાં ઘણી વાતો સામે આવી છે. ૧૫ દેશોના ૧૮,૫૨૬ પુખ્ત વયના લોકો પર આ સર્વે કરવામાં આવ્યો હતો. મોટા ભાગના લોકોને લાગે છે કે કોરોનાની વેકસીન ૨૦૨૧ના મધ્ય પહેલા આવે તેમ નથી. જયારે તેમાંથી ફકત અડધા લોકોએ જણાવ્યું હતું કે તેઓ વેકસીન આવ્યાના ત્રણ મહિનાની અંદર જ તે લઈ લેશે. સર્વેમાં જાણવા મળ્યું છે કે, ભારતમાં ૮૭ ટકા લોકો કોવિડ-૧૯ના વેકસીન લેવા ઉત્સુક છે. જયારે ચીનમાં ૮૫ ટકા, સાઉથ કોરિયામાં ૮૩, બ્રાઝિલમાં ૮૧ અને ઓસ્ટ્રેલિયામાં ૭૯ ટકા લોકો વેકસીન લેવા તૈયાર છે. યુકે, મેકિસકો અને કેનેડામાં આ ટકાવારી અનુક્રમે ૭૯, ૭૮ અને ૭૬ છે.

આ સર્વેમાં જાણવા મળ્યું છે કે ભારત, ચીન, બ્રાઝિલ અને અમેરિકા જેવા દેશોમાં ચારમાંથી એક વ્યકિતને આશા છે કે વેકસીન આ વર્ષના અંત સુધીમાં ઉપલબ્ધ થઈ જશે. જયારે અડધા લોકોનું માનવું છે કે વેકસીન ૨૦૨૧ સુધીમાં આવશે. ઓગસ્ટથી લઈને ૧૦ દેશોમાં વેકસીન લેવાની તૈયારીમાં ૧૦ ટકાનો દ્યટાડો નોંધાયો છે. જે લોકો વેકસીન લેવા ઈચ્છતા નથી તેમાં મુખ્ય બે કારણો છે. જેમાં આ વેકસીનની આડઅસર અને તેની વિશ્વસનીયતા સામે શંકા છે. વેકસીન તૈયાર કરવા માટે જે ઝડપથી ટ્રાયલ્સ થઈ રહ્યા છે તેની સામે લોકો શંકા વ્યકત કરી રહ્યા છે. ભારતના ૩૪ ટકા લોકોનું કહેવું છે કે તેઓ વેકસીનની આડઅસરથી ચિંતિત છે જયારે ૧૬ ટકા લોકો તેની ઝડપી ટ્રાયલ્સને લઈને ચિંતિત છે.

આ સર્વેમાં લોકોને તે પણ પૂછવામાં આવ્યું હતું કે કોરોનાની વેકસીન જયારે ઉપલબ્ધ થશે ત્યારપછી કેટલા સમયમાં લોકો સુધી પહોંચી જશે. તેમાં અડધા લોકોએ જણાવ્યું હતું કે કોવિડ-૧૯ની વેકસીન આવ્યા બાદ ત્રણ મહિનાની અંદર તે ઉપલબ્ધ થશે. વર્લ્ડ ઈકોનોમિક ફોરમ ખાતે શેપિંગ ધ ફ્યુચર ઓફ હેલ્થ એન્ડ હેલ્થકેરના વડા આર્નોડ બર્નાર્ટે જણાવ્યું હતું કે, લોકોનો વેકસીનમાંથી વિશ્વાસ ઘટી રહ્યો છે અને આ ઘણો દુઃખદ ટ્રેન્ડ છે કેમ કે આપણે હવે વેકસીન બજારમાં ઉપલબ્ધ કરાવવાની ઘણા નજીક છીએ.

(10:46 am IST)