Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

કોરોના વાયરસ ગંભીર છાપ છોડી રહ્યો છે

કોરોનાથી સાજા થયેલાઓની 'મેમરી લોસ'ની ફરિયાદ

યાદશકિતને ગંભીર અસર જોવા મળી રહી છે : સતત થાક પણ વર્તાય છે

નવી દિલ્હી તા. ૭ : કોવિડ-૧૯થી રિકવર થયા બાદ પણ દર્દી પર તેની અસર જોવા મળી રહી છે. કેટલાક કિસ્સાઓ એવા સામે આવ્યા છે, જેમાં માત્ર મોટી ઉંમરના જ નહીં પરંતુ નાની ઉંમરના દર્દીઓ પોતાની યાદશકિત મહદ્દઅંશે ગુમાવી બેઠા હોય. અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં રહેતા ૭૫ વર્ષના અલ્કેશ કુમારની વાત કરીએ તો, તેમને કોઈનો ચહેરો જોયા બાદ તે વ્યકિતનું નામ યાદ કરવામાં તકલીફ પડે છે. આ સિવાય જયારે તેઓ માર્કેટમાં વસ્તુઓ ખરીદવા ગયા તો સાદો સરવાળો પણ ન કરી શકયા.

'કોવિડ-૧૯'ના કારણે ૧૪ દિવસ સુધી હોસ્પિટલમાં રાખ્યા બાદ કલ્પેશ કુમારને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. તેમનો મોન્ટ્રિયલ કોગ્નિટિવ એસેસમેન્ટ (MoCA)સ્કોર ૨૪ કરતાં નીચો હતો, જે ગ્રહણશકિતની સામાન્ય ક્ષતિ દર્શાવે છે. આ સિવાય તેમને થાક પણ વર્તાતો હતો. અમારી ભાષામાં આ સ્થિતિને વાયરલ એન્કેફલોપથી (મગજની બીમારી) કહેવાય છે', તેમ શહેરની ખાનગી હોસ્પિટલના ન્યૂરોલોજી ડિપાર્ટમેન્ટના હેડ ડો.અરવિંદ શર્માએ જણાવ્યું હતું.

જયાં એક તરફ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ કોવિડ-૧૯ના કેટલાક દર્દીઓના ફેફસામાં ફાઈબ્રોસિસ અને લોહીના પ્રવાહમાં થ્રોમ્બોસિસ નોંધાયું છે, ત્યાં બીજી તરફ શહેરના નિષ્ણાતોને ડિસ્ચાર્જ થયેલા દર્દીઓને ન્યૂરલ (મજ્જાતંતુ સંબંધી) અસર થતી હોવાનું પણ નોંધ્યું છે.

SVP હોસ્પિટલના કન્સલ્ટન્ટ ન્યૂરો ફિઝિશિયન ડો. શાલિન શાહે જણાવ્યું હતું કે, 'કોરોનાના ગંભીર સંક્રમણથી હાલમાં જ રિકવર થયેલા ૫૦ વર્ષના દર્દીને બોલતી વખતે શબ્દો શોધવામાં મુશ્કેલી પડી રહી છે. આ સિવાય તેમને માનસિક અસ્વસ્થતા અનુભવાય છે. જયારે પરિવારે કોઈ ચોક્કસ જગ્યાએ જવાનું નક્કી કર્યું હોય અથવા ચોક્કસ કામ કરવાનું નક્કી કર્યું હોય ત્યારે પણ તેઓ ભૂલી જતા હતા. અમે તેને એપિસોડિક મેમરી લોસ કહીએ છીએ.'

'અમારી એક પૂર્વ વિદ્યાર્થિની, કે જે હાલ એક જાણીતી ઈન્સ્ટિટ્યૂટમાં ફેકલ્ટી તરીકે કામ કરી રહી છે, તેને કોલેજનો રસ્તો શોધવામાં મુશ્કેલી પડી હતી-છેલ્લા બે વર્ષથી તે કેમ્પસમાં રહે છે તેમ છતાં,' તેમ IIPH-Gના ડિરેકટર પ્રો.દિલીપ માવલંકરે કહ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, તેમની વિદ્યાર્થિની હવે યાદશકિતને તેજ રાખવા માટે કેટલીક ગેમ્સ રમે છે.

શહેરના ન્યૂરો ફિઝિશિયન ડો.માલવ ગદાણીએ જણાવ્યું હતું કે, વાયરલ એન્કેફલોપથી ગંભીર રીતે સંક્રમિત થયેલા કોવિડ-૧૯ને ૪૦થી ૫૦ ટકા અસર કરે છે.

(10:44 am IST)