Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

દિલ્હી- NCRમાં સતત ત્રીજા દિવસે હવા ઝેરીલી :ગુરુગ્રામમાં AQI 500ની નજીક

દિલ્હી, નોઇડા, ગુરુગ્રામ, ગાજીયાબાદ અને ફરિદાબાદમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 400થી ઉપરનોંધાયો

નવી દિલ્હીઃ દિલ્હી-એનસીઆરમાં કોરોનાના કહેરની સાથે-સાથે હવા પ્રદૂષણનું સ્તર ઘાતક બની રહ્યુ છે. ત્રીજા દિવસે દિલ્હી, નોઇડા, ગુરુગ્રામ, ગાજીયાબાદ અને ફરિદાબાદમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 400થી ઉપર નોંધાયો છે. 401થી 500 AQI સુધી હવાને ગંભીર માનવામાં આવે છે. શિયાળાની શરૂઆત થઇ ચૂકી છે અને દિવાળી પણ નજીક છે, એવામાં હવા વધુ ઝેરીલી બનવાની આશંકા છે.

દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણ રોકવા માટે એક સમિતી બનાવાઇ છે. ઉપરાંત દિલ્હીમાં ફટાકડા ફોડવા પર 30 નવેમ્બર સુધી પ્રતિબંધ મૂકાયો છે. નિયમ ભંગ કરનારને એક લાખ રૂપિયાનો દંડ કરવાની જોગવાઇ છે. 'સફર' એ દિલ્હી- એનસીઆરમાં પ્રદૂષણને હોટસ્પોર્ટ્સનો અંદાજ એક દિવસ પહેલા જ જારી કરવાની શરૂઆત કરી દીધી છે. તેનાથી તંત્રને એ વિસ્તારમાં ધ્યાન કેન્દ્રિત કરવાનો સંકેત મળશે.

કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના ડેશબોર્ડ મુજબ દિલ્હીનો કોઇ વિસ્તાર એવો નથી જ્યાં AQI 430થી નીચે હોય. એટલે કે દરેક સ્થળે હવા ઝેરીલી છે. દિલ્હીની હવામાં PM10 કણોનું પ્રમાણ સૌથી વધારે છે.

દિલ્હી જેવી જ સ્થિતિ નજીકના નોઇડામાં પણ છે. ત્યાં CPCBના ચારેય મીટરો 400ની ઉપર AQI દેખાડી રહ્યા છે. ગુરુવારે નોઇડા જ એનસીઆરનો સૌથી પ્રદૂષિત વિસ્તાર રહ્યો હતો. ધુમ્મસને કારણ શહેરમાં વિઝિબિલિટી સતત ઘટી રહી છે.

15 ઓક્ટોબરથી GRAP લાગુ છે. તે દિવસથી લઇને 4 નવેમ્બર (21 દિવસ) સુધીના આંકડા જોઇએ તો ગૌત્તમ બુદ્ધ નગર એનસીઆરમાં અન્ય જિલ્લાઓની તુલનાએ 13 દિવસમાં સૌથી વધારે પ્રદૂષિત રહ્યુ હતુ. ગ્રેનોનોં પ્રદૂષણ ગ્રાફ સૌથી ઉંચો રહ્યો છે.

(10:20 am IST)