Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

દિલ્હીમાં કોરોનાનો હાહાકાર: છેલ્લા 24 કલાકમાં રેકોર્ડબ્રેક 7178 કેસ નોંધાયા :64 લોકોનો જીવ લીધો

દિલ્હીમાં વધી રહેલા કોરોના વાયરસના કેસ પાછળ પ્રદૂષણ જવાબદાર

 

નવી દિલ્હી : રાજધાની દિલ્હી હવે કોરોનાની પણ રાજધાની બની રહી છે. એકબાજુ દેશમાં કોરોના કેસમાં સતત વધી રહ્યા છે. બીજી તરફ દિલ્હીમાં કોરોના કેસમાં રેકોર્ડ વધારો થઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાએ દિલ્હીમાં અત્યાર સુધીનો રેકોર્ડ તોડ્યો છે. શુક્રવારે દિલ્હીમાં પહેલી વખત એવું બન્યું છે કે કોરોનાના 7 હજાર કેસ નોંધાયા છે. દિલ્હીના સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસના રેકોર્ડ 7178 કેસ સામે આવ્યા છે.

 છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે 64 લોકોના મોત થયા છે. તો 6121 લોકો સાજા થઇને ઘરે પરત ફર્યા છે. દિલ્હીમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 423831 લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે. જેમાંથી 377276 લોકો સાજા થયા છે, તો 6833 લોકોના મોત થયા છે. વર્તમાન સમયે 39722 લોકોના સારવાર ચાલી રહીં છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે હજુ ગઇ કાલે દિલ્હી હાઇકોર્ટે કોરોના વાયરસના ફેલાવાને લઇને દિલ્હી સરકારને ફટકાર લગાવી છે. હાઇકોર્ટે કહ્યુ કે દિલ્હી સરકારના દાવાઓ નિષ્ફળ થયા છે. તો બીજી તરફ નિષ્ણાંતો અને દિલ્હી સરકારનું કહેવું છે કે દિલ્હીમાં વધી રહેલા કોરોના વાયરસના કેસ પાછળ પ્રદૂષણ જવાબદાર છે.

 

(8:32 am IST)