Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

યુપીમાં મદરેસાઓનો સર્વે પૂર્ણ :25મીએ રાજ્ય સરકારને 11 પોઈન્ટનો અહેવાલ સુપરત કરાશે

રિપોર્ટમાં મદરેસાઓના શિક્ષણ અભ્યાસક્રમ, વિદ્યાર્થીઓની સંખ્યા, તેમની વર્તમાન સ્થિતિ અને આવકની વિગતો શામેલ

યોગી આદિત્યનાથ સરકાર ઉત્તર પ્રદેશની સરકારી મદરેસાઓને લઈને સતત ગંભીર છે. આ પ્રકરણમાં રાજ્યની યોગી સરકારે મદરેસાઓનો સર્વે કર્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે 5 ઓક્ટોબરે પૂરા થયેલા સર્વેનો રિપોર્ટ ત્રણ દિવસ પછી એટલે કે 10 ઓક્ટોબરે જિલ્લા અધિકારીઓને અને પછી 25 ઓક્ટોબરે યુપી સરકારને સોંપવામાં આવશે.

સરકાર દ્વારા માંગવામાં આવેલા આ 11-પોઇન્ટના સર્વે રિપોર્ટમાં મદરેસાઓના શિક્ષણ અભ્યાસક્રમ, વિદ્યાર્થીઓની સંખ્યા, તેમની વર્તમાન સ્થિતિ અને આવકની વિગતો શામેલ છે. જયારે બીજી તરફ મુસ્લિમ ધર્મગુરુઓએ રિપોર્ટમાં પારદર્શિતાની માંગ કરી છે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ વિપક્ષી પાર્ટીઓ અને મુસ્લિમ ધાર્મિક નેતાઓએ ઉત્તર પ્રદેશની મદરેસાઓને લઈને સવાલો ઉઠાવ્યા હતા. જે બાદ યુપીની યોગી સરકારે મદરેસાઓના કલ્યાણની વાત કરીને સર્વે શરૂ કર્યો. જેનો રિપોર્ટ ટૂંક સમયમાં સરકાર સમક્ષ મૂકવામાં આવશે. હાલમાં રાજ્યના મદરેસાઓ અંગે સરકારે દાવો કર્યો છે કે સર્વેમાં અમાન્ય મદરેસાઓની માહિતી મળતા જ તેની સ્થિતિ પર વિચાર કરવામાં આવશે અને તેને યોજનાઓ સાથે જોડવામાં આવશે.

યોગી સરકાર સતત મદરેસાઓને પ્રાથમિકતામાં લઈ રહી છે. મદરેસામાં વિદ્યાર્થીઓના શિક્ષણ પર પણ સતત ધ્યાન આપવામાં આવે છે. યુપી સરકારે તાજેતરમાં મદરેસાઓના ટાઈમ ટેબલમાં ફેરફાર કર્યો હતો. જે અંતર્ગત મદરેસામાં છ કલાક અભ્યાસ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સાથે જ મુસ્લિમ ધર્મગુરુઓએ પણ સરકારના આ નિર્ણયની પ્રશંસા કરી હતી. મદરેસાઓના ટાઈમ ટેબલમાં એક કલાકનો વધારો થવાથી વિદ્યાર્થીઓના અભ્યાસ પર વધુ ધ્યાન આપવામાં આવશે, આને ધ્યાનમાં રાખીને સરકારે ફેરફારો કર્યા છે. ઉત્તર પ્રદેશ મદરેસા એજ્યુકેશન કાઉન્સિલ દ્વારા બહાર પાડવામાં આવેલા નવા ટાઈમ ટેબલ મુજબ, રાજ્યમાં 14,513 માન્ય મદરેસાઓ છે. જો કે હજુ સુધી માન્યતા વિનાના મદરેસાઓના આંકડા જાહેર થયા નથી

(12:29 am IST)