Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

સ્‍કૂલમાં છોકરી ટકરાઇ છોકરાને : બંને પકડીને લઇ ગયા ટોઇલેટમાં : અંદર પૂરીને કર્યો ગેંગરેપ

દિલ્‍હીની કેન્‍દ્રીય વિદ્યાલય સંસ્‍થાનની શરમજનક ઘટના

નવી દિલ્‍હી તા. ૭ : દિલ્‍હી અને મુંબઈ જેવા મહાનગરોની સ્‍કૂલોમાં રેપની ઘટનાઓ વધી રહી છે. મુંબઈની સ્‍કૂલમાં પ્‍યૂનના રેપ બાદ હવે દિલ્‍હીની એક સરકારી સ્‍કૂલમાં પણ રેપની ઘટના સામે આવી છે. આ ઘટના જુલાઈમાં બની હતી પરંતુ પીડિતાએ હવે તેનો ખુલાસો કર્યો છે. પીડિતાને શિક્ષક દ્વારા આ ઘટનામાં મોં બંધ રાખવાની ચેતવણી અપાઈ હતી.

૧૧ વર્ષીય છોકરીએ પોલીસમાં લખાવેલી ફરિયાદમાં આ ઘટનાનો ઉલ્લેખ કર્યો છે. કેન્‍દ્રીય વિદ્યાલયની સ્‍કૂલમાં ૬ઠ્ઠા ધોરણમાં ભણતી એક છોકરી બે છોકરાઓ સાથે ભૂલમાં ટકરાઈ હતી. વિદ્યાર્થિનીના જણાવ્‍યા અનુસાર, તેણે છોકરાઓની માફી માંગી હતી, પરંતુ તેઓ તેને ગાળો આપવા લાગ્‍યા હતા અને તેને ટોઈલેટની અંદર લઈ ગયા હતા.વિદ્યાર્થિનીએ આરોપ લગાવ્‍યો છે કે, છોકરાઓએ શૌચાલયનો દરવાજો અંદરથી બંધ કરીને તેની સાથે બળાત્‍કાર ગુજાર્યો હતો.

પીડિતાએ એવું પણ જણાવ્‍યું કે તેણે જયારે આ ઘટનાની જાણ શિક્ષકને કરી ત્‍યારે તેને મોં બંધ રાખવાનું કહેવામાં આવ્‍યું હતું. શિક્ષકે કહ્યું હતું કે બન્ને છોકરાઓને કાઢી મૂકવામાં આવ્‍યાં છે અને ત્‍યાર બાદ આ મામલો દબાવવામાં આવ્‍યો હતો.

દિલ્‍હી મહિલા આયોગના વડા સ્‍વાતિ માલીવાલે ૧૧ વર્ષની બાળકી સાથે કથિત રીતે ગેંગરેપના મામલે દિલ્‍હી પોલીસ અને કેન્‍દ્રીય વિદ્યાલય સ્‍કૂલના પ્રિન્‍સિપાલને નોટિસ ફટકારી છે.

(4:16 pm IST)