Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

મુકેશ અંબાણી સિંગાપોરમાં ફેમિલી ઓફિસ શરૂ કરશે

ઘણા ઉદ્યોગપતિઓ હવે આગળ વધવા માટે સિંગાપોરને પસંદ કરી રહ્યા છે : રિલાયન્‍સમાં મોટા ફેરફારની તૈયારી ફેમિલી ઓફિસ માટે સિંગાપોર વધારે સુરક્ષિત છેઃ ટેક્‍સના દર પણ નીચા છે

નવી દિલ્‍હી, તા.૭: ભારતના ટોચના ઉદ્યોગપતિ અને રિલાયન્‍સ ઈન્‍ડસ્‍ટ્રીઝ (RIL)ના ચેરમેન મુકેશ અંબાણી ભારતમાં મોટા ભાગના બિઝનેસમાં છવાઈ ગયા છે. હવે તેમણે ગ્‍લોબલ બજાર પર નજર કરી છે. આ માટે તેઓ સિંગાપોરમાં એક ફેમિલી ઓફિસ શરૂ કરવા જઈ રહ્યા છે. એશિયામાં બીજા ક્રમના સૌથી ધનિક ગણાતા મુકેશ અંબાણીએ ફેમિલી ઓફિસ માટેની જગ્‍યા નક્કી કરી લીધી છે અને મેનેજર પણ નિયુક્‍ત કરી દીધા છે. આ ઓફિસ માટે સ્‍ટાફની ભરતી શરૂ થઈ ગઈ છે. સૂત્રોએ જણાવ્‍યું કે મુંબઈ સ્‍થિત મુકેશ અંબાણીએ નવી એન્‍ટીટી માટે મેનેજર પસંદ કર્યા છે. તેમણે સિંગાપોરમાં રિયલ એસ્‍ટેટ પણ ખરીદી લીધી છે.

ઘણા મોટા ઉદ્યોગપતિઓ પોતાની ફેમિલી ઓફિસ સ્‍થાપવા માટે સિંગાપોરને પસંદ કરી રહ્યા છે. તેમાં હવે મુકેશ અંબાણીના નામનો પણ સમાવેશ થાય છે જેઓ ૮૩.૭ અબજ ડોલરની નેટવર્થ ધરાવે છે. સુપર-રિચ લોકો પોતાના પરિવારની તમામ સંપત્તિના મેનેજમેન્‍ટ અને નવા ઈન્‍વેસ્‍ટમેન્‍ટ માટે ફેમિલી ઓફિસ શરૂ કરતા હોય છે. અગાઉ અબજોપતિ ફંડ મેનેજર રે ડેલિયો અને Googleના સહસ્‍થાપક સર્ગેય બ્રિને પણ આવી ફેમિલી ઓફિસ શરૂ કરી છે.

દુનિયાભરના ધનિક લોકો આગળ જતા સિંગાપોરમાં પણ પોતાની ફેમિલી ઓફિસ શરૂ કરે છે. તેનું કારણ છે કે સિંગાપોર વધારે સુરક્ષિત લાગે છે અને ત્‍યાં ટેક્‍સના દર નીચા છે. મોનેટરી ઓથોરિટી ઓફ સિંગાપોર પ્રમાણે ૨૦૨૧માં લગભગ ૭૦૦ ફેમિલી ઓફિસ હતી જ્‍યારે અગાઉ આ આંકડો માત્ર ૪૦૦નો હતો. સિંગાપોર વિશ્વમાં સૌથી સ્‍વચ્‍છ, સૌથી સારી હેલ્‍થ સુવિધા ધરાવતા અને મોંઘા દેશમાં સ્‍થાન પામે છે. ત્‍યાં ભ્રષ્ટાચારનું પ્રમાણ પણ લગભગ શૂન્‍ય છે. ધનિક લોકોના આગમનના કારણે સિંગાપોરમાં કાર, હાઉસિંગ અને બીજી ચીજવસ્‍તુઓના ભાવ વધી રહ્યા છે. સિંગાપોરના વડાપ્રધાને તાજેતરમાં જાહેરાત કરવી પડી હતી કે તેમણે કદાચ ધનિક લોકો પર વધારે ટેક્‍સ ઝીંકવો પડશે.

રિટેલથી લઈને ટેલિકોમ અને રિફાઈનરી સુધીના બિઝનેસ સાથે સંકળાયેલા મુકેશ અંબાણી હવે ભારત બહાર એસેટ્‍સ ખરીદવા વિચારે છે. ૨૦૨૧માં તેમણે Aramcoના ચેરમેનને રિલાયન્‍સના બોર્ડમાં સમાવ્‍યા હતા ત્‍યારે જ તેમણે કહ્યું હતું કે રિલાયન્‍સ જૂથના ઈન્‍ટરનેશનલાઈઝેશનની શરૂઆત થઈ ગઈ છે. તે સમયે તેમણે કોઈ ફોડ પાડ્‍યો ન હતો. પરંતુ એટલું જ કહ્યું હતું કે, આપણી ઈન્‍ટરનેશનલ યોજનાઓ અમલમાં મુકવાનો સમય આવી ગયો છે.ૅ એ-લિ ૨૦૨૧માં તેમણે ૭૯ મિલિયન ડોલરમાં લંડનમાં સ્‍ટોક પાર્કની મહેલ જેવી ઈમારત ખરીદી હતી જ્‍યાં જેમ્‍સ બોન્‍ડની ફિલ્‍મો શૂટ થઈ છે. ત્‍યાર બાદ જાન્‍યુઆરીમાં તેમણે ન્‍યૂયોર્કમાં ૯.૮૧ કરોડ ડોલરમાં Mandarin Orientalમાં ૭૩ ટકા હિસ્‍સો ખરીદ્યો હતો. દુબઈમાં તેમણે આઠ કરોડ ડોલરમાં બિચ પરનો વિલા ખરીદ્યો હતો.

(3:32 pm IST)