Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

જમ્મુ-કાશ્મીરમાં આ વર્ષે આઝાદી બાદ સૌથી વધુ ૧.૬૨ કરોડ સહેલાણીઓ આવ્યા

સરકારે સત્તાવાર આંકડા જાહેર કર્યા

જમ્મુ, તા. ૭ : જાન્યુઆરી ૨૦૨૨થી અત્યાર સુધીમાં લગભગ ૧.૬૨ કરોડ પ્રવાસીઓ જમ્મુ અને કાશ્મીરની મુલાકાતે આવ્યા છે. કેન્દ્ર શાસિત પ્રદેશ સરકારે ગુરુવારે આ માહિતી આપી. સમાચાર એજન્સીના અહેવાલ મુજબ, જમ્મુ અને કાશ્મીર સરકારના સૂચના અને જનસંપર્ક નિર્દેશાલયએ કહ્યું કે આ વર્ષે કેન્દ્રશાસિત પ્રદેશમાં પ્રવાસીઓની સંખ્યા ભારતની આઝાદી પછી સૌથી વધુ છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિતભાઇ શાહે શ્રીનગરમાં આશરે રૃ. ૨ હજાર કરોડની કિંમતની ૨૪૦ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યાના એક દિવસ બાદ આ આંકડા બહાર પાડવામાં આવ્યા છે.

લગભગ ત્રણ દાયકા બાદ કાશ્મીર ફરી લાખો પ્રવાસીઓને આકર્ષી રહ્યું છે. પ્રવાસન અધિકારીઓનું કહેવું છે કે આ કાશ્મીર પર્યટનના સુવર્ણ યુગમાં પરત ફરવાનું છે. આ વર્ષે જમ્મુ અને કાશ્મીરની મુલાકાત લેતા પ્રવાસીઓની રેકોર્ડ સંખ્યા કેન્દ્રશાસિત પ્રદેશમાં થયેલા સમગ્ર વિકાસ અને પરિવર્તનની સાક્ષી આપે છે. જમ્મુ અને કાશ્મીરમાં પર્યટન એ રોજગારીનો સૌથી મોટો સ્ત્રોત છે અને જાન્યુઆરી ૨૦૨૨ થી અત્યાર સુધીમાં ૧.૬૨ કરોડ પ્રવાસીઓએ જમ્મુ અને કાશ્મીરની મુલાકાત લીધી છે, જે આઝાદીના ૭૫ વર્ષમાં સૌથી વધુ છે.

જમ્મુ અને કાશ્મીર ખીણ સહિત પુંછ, રાજૌરીના વિવિધ વિસ્તારોમાં પર્યટનથી મહત્તમ રોજગારી સર્જાઈ છે. છેલ્લા ૭૦ વર્ષથી લોકો જમ્મુ-કાશ્મીરથી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટની માંગ કરી રહ્યા હતા. આ  માંગને પૂર્ણ કરતા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ શ્રીનગરથી શારજાહની સીધી ફ્લાઈટ શરૃ કરી. અગાઉ શ્રીનગર અને જમ્મુથી નાઈટ ફ્લાઈટ ન હતી પરંતુ હવે જમ્મુથી શ્રીનગર માટે રાત્રે પણ ફ્લાઈટ ઉપલબ્ધ છે. અહીં પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે અન્ય ઘણા મોડલ અને યોજનાઓ પણ શરૃ કરવામાં આવી રહી છે.

આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૃપે, જમ્મુ અને કાશ્મીરમાં ૭૫ ઓફબીટ પ્રવાસન સ્થળો પણ વિકસાવવામાં આવી રહ્યા છે. આ વર્ષના પ્રથમ આઠ મહિનામાં ૩.૬૫ લાખ અમરનાથ યાત્રીઓ સહિત ૨૦.૫ લાખ પ્રવાસીઓએ રેકોર્ડબ્રેક કાશ્મીરની મુલાકાત લીધી હતી. પહલગામ, ગુલમર્ગ અને સોનમર્ગ જેવા પ્રવાસન સ્થળો તેમજ શ્રીનગરમાં હોટલ અને ગેસ્ટહાઉસમાં ૧૦૦ ટકા બુકીંગ જોવા મળ્યું છે.

(3:31 pm IST)