Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

રાહુલ ગાંધી યાત્રામાં વ્‍યસ્‍ત : પ્રિયંકાની ભૂમિકા વધશે : ગુજરાત-હિમાચલમાં કમાન સંભાળશે

પ્રિયંકાની સાથે કોંગ્રેસના નવા અધ્‍યક્ષ બંને રાજયોમાં ચૂંટણીમાં મુખ્‍ય પ્રચારક રહેશેᅠ

નવી દિલ્‍હી તા. ૭ : હિમાચલ પ્રદેશ અને ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાની ભૂમિકા વધી શકે છે. પ્રિયંકા ગાંધી આ બે રાજયોની ચૂંટણીમાં ચૂંટણી પ્રચાર સંભાળશે. કારણ કે, પાર્ટીના પૂર્વ અધ્‍યક્ષ રાહુલ ગાંધી આ દિવસોમાં ભારત જોડી યાત્રામાં વ્‍યસ્‍ત છે. પ્રિયંકા ગાંધીની સાથે કોંગ્રેસના નવા અધ્‍યક્ષ પણ બંને રાજયોની ચૂંટણીમાં મુખ્‍ય પ્રચારક હશે.
પ્રિયંકા ગાંધી વાડ્રા ટૂંક સમયમાં હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર શરૂ કરી શકે છે. તેમના ગુજરાત ચૂંટણી પ્રચાર કાર્યક્રમને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જુન મોથવાડિયાનું કહેવું છે કે પ્રિયંકા ગાંધી ચૂંટણી પ્રચાર કરશે. તે ટૂંક સમયમાં પ્રચાર માટે ગુજરાત આવશે.
વરિષ્ઠ નેતા વીરભદ્ર સિંહના નિધન બાદ હિમાચલ પ્રદેશમાં આ પ્રથમ વિધાનસભા ચૂંટણી છે. પાર્ટીએ વીરભદ્ર સિંહની પત્‍ની અને ત્રણ વખત સાંસદ રહી ચૂકેલા પ્રતિભા સિંહને પ્રદેશ અધ્‍યક્ષ પદની જવાબદારી સોંપીને આ અંતર ભરવાનો પ્રયાસ કર્યો છે. ભ્રષ્ટાચાર, બેરોજગારી અને સરકારની નબળી કામગીરી રાજયમાં મહત્‍વના મુદ્દા છે. પાર્ટી આ મુદ્દાઓને પૂરા જોશ સાથે ઉઠાવી રહી છે.
પાર્ટીના એક વરિષ્ઠ નેતાના જણાવ્‍યા અનુસાર રાહુલ ગાંધી હિમાચલ પ્રદેશ અને ગુજરાત વિધાનસભા ચૂંટણી પ્રચારમાં ભાગ લેશે. જે દિવસે તેને પ્રચાર માટે જવું પડશે તે દિવસે કોઈ યાત્રા નહીં થાય. આવી સ્‍થિતિમાં એવું માનવામાં આવે છે કે યાત્રાની રજાના દિવસે રાહુલ આ રાજયોમાં પ્રચારમાં ભાગ લેશે. વર્ષ ૨૦૧૭ની ચૂંટણીમાં રાહુલ ગાંધીએ ગુજરાતમાં ઘણો સમય વિતાવ્‍યો હતો.
કોંગ્રેસ અધ્‍યક્ષ પદ માટેની ચૂંટણી અંતિમ તબક્કામાં છે. આ મહિનાના અંત સુધીમાં નવા પ્રમુખ પોતાની જવાબદારી સંભાળશે. પાર્ટીના એક નેતાના જણાવ્‍યા અનુસાર પાર્ટીના નવા અધ્‍યક્ષ ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં પ્રચાર કરશે. નવા પ્રમુખની ચૂંટણી બાદ તેમનો કાર્યક્રમ નક્કી કરવામાં આવશે. નવા અધ્‍યક્ષ સાથે પણ પ્રિયંકા અને રાહુલ ગાંધી સભાને સંબોધિત કરી શકે છે.

 

(11:24 am IST)