Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

ગુજરાતમાં દિવાળી પહેલા ચૂંટણીની તારીખોનું થઇ શકે છે એલાન

૧૫ ઓકટોબરની આસપાસ ચૂંટણી તારીખ જાહેર થાય તેવી શક્‍યતા : ઓક્‍ટોબરમાં જાહેરાત નવેમ્‍બરમાં મતદાન, ડિસેમ્‍બરમાં પરિણામ આવશે

નવી દિલ્‍હી,તા. ૭ : ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં આ વર્ષના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવવાની છે. બંને જગ્‍યાએ ભાજપની સરકાર છે અને કોંગ્રેસ વિપક્ષમાં બેઠી છે. જયારે આમ આદમી પાર્ટી બંને રાજયોમાં પૂરા દમખમથી રણમેદાનમાં ઉતરી છે. ત્‍યારે સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ રહી છે કે ૧૫ ઓકટોબર સુધી વિધાનસભા ચૂંટણીનું એલાન થઈ શકે છે. નવેમ્‍બરમાં મતદાન યોજાઇ શકે છે.

ગુજરાતમાં ત્રિપાંખિયા જંગ વચ્‍ચે દિવાળી પહેલા રાજયમાં ચૂંટણીની તારીખની જાહેરાત થાય તેવી પૂરેપૂરી શક્‍યતાઓ છે. સૂત્રથી મળતી વિગત પ્રમાણે ૧૫ ઓક્‍ટોબરની આસપાસ ચૂંટણી તારીખ જાહેર થઇ શકે છે.નવેમ્‍બરના અંત કે ડિસેમ્‍બરની શરુઆતમાં મતદાન થશે જયારે ડિસેમ્‍બરના પહેલા અઠવાડિયામાં પરિણામ આવી શકે છે. મહત્‍વનું છે કે ગત ટર્મનાં ૨૫ ઓક્‍ટોબરે ચૂંટણીની જાહેરાત થઈ ગઈ હતી. આ વખતે દિવાળી પણ અગાઉના વર્ષ કરતાં વહેલી છે. જેને લઈ રાજકિય પંડિતો અનુમાન લગાવી રહ્યા છે કે ચૂંટણીની જાહેરાત દિવાળી પહેલા જ થઈ જશે. આ અંગે કેન્‍દ્રીય ચૂંટણી પંચે ગુજરાતની ચૂંટણી મુદ્દે સંકેત આપી દીધા છે અને પંચ હાલ તમામ તૈયારીઓમાં જોતરાઈ ગયું છે.

ચૂંટણીના આયોજનના ભાગરૂપે ચૂંટણીપંચે તૈયારીઓ તેજ કરી દીધી છે. બંને રાજયોના પ્રવાસ પણ ચૂંટણી પંચની ટીમો કરી ચૂકી છે. આયોગ હવે ચૂંટણી કાર્યક્રમને આખરી ઓપ આપવાની તૈયારી કરી રહ્યું છે. આ માટે બંને રાજયોમાં અનુકૂળ વાતાવરણ, શાળાની પરીક્ષાઓ, સ્‍થાનિક તહેવારો, ખેતી અને અન્‍ય આયોજનો પણ ચૂંટણીપંચે ધ્‍યાને લીધા છે. જેથી ચૂંટણી કાર્યક્રમો મતદારો અને મતદાનમાં ઉપયોગમાં લેવામાં આવનારી સરકારી મશીનોમાં કોઈ પણ ખામી ન સર્જાય.

(10:46 am IST)