Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

ઉત્તરાખંડમાં બરફના તોફાનમાં

એવરેસ્‍ટ સર કરનાર સવિતા મેડમ - નૌમી મેડમ સહિત ૧૯ના મોત : ભાવનગરના અર્જુનસિંહ ગોહિલ સહિત ૮ ગુમ

રાજકોટના ભરતસિંહ પરમાર સહિતના મહામુસીબતે તોફાનમાંથી બહાર નીકળી શક્‍યા : NDRF, આર્મી, એરફોર્સ સહિતની ટીમો બચાવ કાર્યમાં

 (વિજય વસાણી દ્વારા) આટકોટ તા. ૭ : ઉત્તરાખંડમાં ૧૬૬૦૦ ફુટની ઉંચાઇ પર પર્વતારોહણ માટે ગયેલા કુલ ૫૩ પર્વતારોહકો ગત તા. ૪ના રોજ આવેલા એવલાંક (બરફનું તોફાન)માં ફસાઇ જતા ૧૯ પર્વતારોહકોના મોત થયા છે. જ્‍યારે હજુ ૮ ગુમ છે તેમને શોધવા માટે એન.ડી.આર.એફ., આર્મી, એરફોર્સ સહિતની ટીમો યુધ્‍ધના ધોરણે કામગીરી કરી રહી છે. હજુ જેમની ભાળ મળી નથી તેમાં ભાવનગરના અર્જુનસિંહ ગોહિલનો પણ સમાવેશ થાય છે.
આ અંગે આ કેમ્‍પમાં જોડાયેલા રાજકોટના ભરતસિંહ પરમારે ટેલીફોનિક વાતચીતમાં દિલધડક અને દરેક પળે મોતનો સામનો કરી મહામુસીબતે આ તોફાનમાંથી બહાર આવી ઉત્તરકાશી બેઝ કેમ્‍પમાં રોકાઇ માહિતી આપતા જણાવ્‍યું હતું કે, ગત ૨૩ તારીખે ઇન્‍સ્‍ટ્રકટરની આગેવાની હેઠળ ૩૪ તાલીમાર્થી સહિત ૫૩ લોકો જેમાં મહિલાઓ પણ હતા તેઓ ૧૭ હજારથી વધુ ફૂટની ઉંચાઇએ આવેલા દ્રૌપદી કા દંડા નામે ઓળખાતી જગ્‍યા ઉપર જવા નિકળ્‍યા.
૧૧૫૦૦ ફુટની ઉંચાઇ ઉપર બનાવવામાં આવેલા બેઝ કેમ્‍પમાં ૬ દિવસ રોકાયા ત્‍યાંથી ૧૪૫૦૦ ફુટની ઉંચાઇ પર એડવાન્‍સ બેઇઝ કેમ્‍પ પર ગત તા. ૨૯એ પહોંચ્‍યા બાદ તા. ૩૦ના રોજ ૧૬૬૦૦ ફુટની ઉંચાઇએ કેમ્‍પ વન પહોંચ્‍યા.
તા. ૪ના રોજ ૧૭૭૦૦ ફુટની ઉંચાઇએ પહોંચવા બધા વહેલી સવારે સવા ત્રણ આસપાસ નિકળ્‍યા, પોણા આઠ વાગ્‍યા આસપાસ અચાનક એવલાંચ (બરફનું તોફાન) શરૂ થયું. બે કલાક સુધી ચાલેલા આ તોફાને બધાને વેર-વિખેર કરી નાખ્‍યા.
આ દરમિયાન સાથે રહેલા સેટેલાઇટ ફોન અને બીજા માધ્‍યમોથી બચાવ માટે તંત્રને કહેવામાં આવ્‍યું. પરંતુ તંત્ર પહોંચે એ પહેલા અંદાજે ૧૦.૪૫ વાગ્‍યે અત્રે બચી ગયેલા લોકોએ જ બચાવ કામગીરી શરૂ કરી દીધી અને અમુક લોકોને બચી ગયેલા લોકોએ જીવ જોખમમાં મુકી બચાવ્‍યા.
બાદમાં બપોરે ૨.૩૦ આસપાસ એનડીઆરએફની ટીમ સૌ પ્રથમ બેઝ કેમ્‍પ ઉપર પહોંચી વાતાવરણ ખરાબ હોય તેઓ પહોંચી ન શકયા. સાંજે સાડા ચાર વાગ્‍યા આસપાસ સૈન્‍યના ચેતક હેલીકોપ્‍ટર કે જે આવા વાતાવરણમાં ઉડાન ભરી શકે છે તેઓ પણ બહુ ખરાબ વાતાવરણ હોય રેસ્‍કયુ બરાબર ન કરી શકયા.
બીજા દિવસથી એનડીઆરએફ, આર્મી અને એરફોર્સ દ્વારા સંયુકત બચાવ કામગીરી હાથ ધરાઇ હતી. જેમાં ફસાયેલા લોકોને રેસ્‍કયુ કરી બચાવી લેવાયા હતા. જ્‍યારે પર્વતારોહકો અને ઇન્‍સ્‍ટ્રકટરના મૃતદેહો બહાર કાઢવામાં આવ્‍યા હતા. જેમાં એવરેસ્‍ટ સર કરી વર્લ્‍ડ રેકોર્ડ બનાવનાર ઉત્તરાખંડના સવિતા મેડમ અને બીજા નૌમી મેડમ કે જેઓ પણ ઉત્તરાખંડના છે તેઓનો સમાવેશ થાય છે.
ઉત્તરકાશી બેઝ કેમ્‍પમાં રોકાયેલા ભરતસિંહ પરમારે ‘અકિલા'ને જણાવ્‍યું હતું કે ૧૯ મૃતદેહો હાથ લાગ્‍યા છે. જ્‍યારે હજુ ૮ ને શોધવા માટે તંત્ર દ્વારા બચાવ કામગીરી સતત ચાલુ છે. જેમાં ભાવનગરના અર્જુનસિંહ ગોહિલનો પણ સમાવેશ થાય છે.
ગુમ થયેલા ૮ સાહસિકોના વાલીઓ હાલ ઉત્તરકાશી પહોંચી ગયા છે તેમજ ગુજરાત સરકાર દ્વારા પણ સ્‍વામિ વિવેકાનંદ માઉન્‍ટેનીંગ ઇન્‍સ્‍ટીટયૂટના ઉચ્‍ચ અધિકારીઓને ઉત્તરાખંડ મોકલ્‍યા છે.
ભરતસિંહ પરમારના જણાવ્‍યા મુજબ ઉત્તરાખંડ સરકારી તંત્ર દ્વારા અને કેન્‍દ્ર સરકારની બચાવ ટુકડીઓ દ્વારા યુધ્‍ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરી દીધી છે જે આજે પણ ચાલુ છે. તેમણે જણાવ્‍યું હતું કે, સ્‍થાનિક રાજ્‍ય સરકાર દ્વારા પૂરતો સહયોગ મળી રહ્યો છે.
જો કે હાલ બચી ગયેલા સાહસીકો પણ ભારે દુઃખી છે. તેમની નજર સામે જ તેમના સાથીદારો દુર થઇ ગયા હતા. જો કે સલામત બચેલા બાકીના લોકોએ તોફાન સમી ગયા બાદ તુરંત જ બચાવ કામગીરી હાથ ધરી એકબીજાને મદદરૂપ થયા હતા.
આ તોફાનમાં આજ સુધીમાં ૧૯ મૃતદેહો હાથ લાગ્‍યા છે. જ્‍યારે ૮ ગુમ થયા છે. તેમની શોધખોળ ચાલુ છે.

 

(10:33 am IST)