Gujarati News

Gujarati News

News of Sunday, 7th August 2022

પંજાબમાં સાંબેલાધાર વરસાદ : ચક્કી નદીમાં પાણીનો પ્રવાહ વધતાં પઠાણકોટ એરપોર્ટ તરફ જતો રસ્તો ધોવાયો

આ વિસ્તાર હિમાચલ પ્રદેશ સરકાર હેઠળ આવે છે અને જિલ્લા પ્રશાસન આ મામલે કામ કરી રહ્યા છે : ડેપ્યુટી કમિશનર

 

 

પઠાણકોટ તા.07 : ભારતમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેની વચ્ચે ઉત્તર ભારતમાં અઠવાડિયાથી ભારે વરસાદ પડી રહ્યો છે.  જેમાં પાન ખાસ  કરીને પંજાબમાં મેઘરાજાએ પોતાનું રોદ્રરૂપ ધારણ કર્યું છે. જેમાં હિમાચલ પ્રદેશમાં એક રસ્તાને અડીને આવેલી ચક્કી નદીમાં પાણીના પ્રવાહમાં વધારો થવાને કારણે એક રસ્તો ધોવાઈ ગયો હતો. તે હિમાચલ અને પંજાબમાંથી વહે છે અને પઠાણકોટ નજીક બિયાસમાં જોડાય છે.

અહેવાલ છે કે, ભારે વરસાદ અને ચક્કી નદીમાં પાણીનો પ્રવાહ વધવાને કારણે પઠાણકોટ એરપોર્ટ તરફ જતો રસ્તો ધોવાઈ ગયો છે. પઠાણકોટના ડેપ્યુટી કમિશનર હરબીર સિંહે કહ્યું કે આ વિસ્તાર હિમાચલ પ્રદેશ સરકાર હેઠળ આવે છે અને જિલ્લા પ્રશાસને આ મામલો તેમની સાથે ઉઠાવ્યો છે અને તેઓ તેના પર કામ કરી રહ્યા છે.

હિમાચલમાં છેલ્લા કેટલાક સપ્તાહમાં ભારે વરસાદ થયો છે. ભારે વરસાદને પગલે પહાડીની ટોચ પરથી રોડ પર કાટમાળ જમા થવાને કારણે ચંદીગઢ-મનાલી નેશનલ હાઈવે પણ ટ્રાફિક માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. અવિરત વરસાદને કારણે ઉત્તર ભારતના ઘણા ભાગોમાં અનેક રસ્તાઓ અને હાઈવેને નુકસાન થયું છે.

આ પહેલા 30 જુલાઈએ ઉત્તરાખંડના લામ્બાગઢમાં ખાચરા નાળામાં પાણી વધવાને કારણે બદ્રીનાથ નેશનલ હાઈવે-7 (NH-7)નો એક ભાગ ધોવાઈ ગયો હતો. જેના કારણે હાઇવેની બંને તરફ યાત્રાળુઓ પણ ફસાયા હતા. એ જ રીતે શુક્રવારે નૈનીતાલમાં નૈનીતાલ ભોવાલી રોડ પર ભૂસ્ખલનથી રસ્તાને મોટું નુકસાન થયું હતું.

ભારતીય હવામાન વિભાગ (IMD) એ 29 જુલાઈથી આગામી ચાર દિવસ સુધી ભારે વરસાદની ચેતવણી આપી હતી. વિભાગે દેહરાદૂન, નૈનીતાલ, ટિહરી, પૌરી, ચંપાવત અને બાગેશ્વરમાં ભારે વરસાદની આગાહી કરી હતી. જો કે પંજાબમાં વરસાદની કોઈ શક્યતા નથી, પરંતુ હિમાચલ અને ઉત્તરાખંડમાં આગામી પાંચ દિવસ દરમિયાન ભારેથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે.

 

(9:16 pm IST)