Gujarati News

Gujarati News

News of Sunday, 7th August 2022

ભારતે ચીનના જહાજના શ્રીલંકામાં રોકાવા સામે વાંધો ઉઠાવતા જાસૂસી જહાજ મામલે ચીનને 440 નો ઝટકો લાગ્યો

શ્રીલંકાએ ચીનને ઝટકો આપતા ભારતના વાંધાને ગંભીરતાથી લીધો, ચીનના જાસૂસી જહાજને હંબનટોટા બંદરે પહોંચવાની તારીખ લંબાવવા માટે કહ્યું

નવી દિલ્લી તા.07 : ભારતને કોઈ પણ રીતે પરેશાન કરવું એ ચીનનો એક મુદ્દાનો કાર્યક્રમ હોય તેમ લાગે છે. ત્યારે ચીનના અત્યાધુનિક જાસૂસી જહાજ યુઆંગ વાંગ-5ને શ્રીલંકાએ પોતાના હંબન ટોટા બંદર પર સ્ટોપેજ આપવાની ના પાડી દીધી છે. અગાઉના કાર્યક્રમ પ્રમાણે આ જહાજ હંબનટોટા બંદર પર ફ્યુલ ભરવા માટે 11 ઓગસ્ટે લાંગરવાનુ હતુ અને 17 ઓગસ્ટે તે હંબનટોટાથી રવાના થવાનુ હતુ.

ભારતના પાડોશી દેશ શ્રીલંકાને આપણે તેમના મુસીબતના સમયમાં મદદ કરી છે. તેવામાં હવે શ્રીલંકાએ ચીનને ઝટકો આપતા ભારતના વાંધાને ગંભીરતાથી લીધો છે. ભારતે ચીનના જહાજના શ્રીલંકામાં રોકાવા સામે વાંધો ઉઠાવ્યો હતો. તેથી આ નિર્ણયને ચીન માટે આંચકા તરીકે જોવામાં આવી રહ્યો છે.

વાસ્તવમાં ચીનનું જાસૂસી જહાજ યુઆન વાંગ 5 ઓગસ્ટે હંબનટોટા બંદર પહોંચવાનું હતું. આ જહાજ 17 ઓગસ્ટ સુધી અહીં જ રોકાત. ત્રીજી પેઢીનું આ આધુનિક જાસૂસી જહાજ શ્રીલંકામાં રોકાયા બાદ ભારતે તેને પોતાની સુરક્ષા માટે ખતરો માનીને વિરોધ નોંધાવ્યો હતો.

ભારતીય વિદેશ મંત્રાલયે ગયા અઠવાડિયે કહ્યું હતું કે, તેઓ ઘટનાક્રમ પર નજીકથી નજર રાખી રહ્યા છે. આનાથી ભારતની સુરક્ષા અને આર્થિક હિતો પર કોઈ અસર પડશે કે કેમ તેનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. જરૂર પડ્યે સુરક્ષા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવશે.

આ તરફ શ્રીલંકાના વિદેશ મંત્રાલયે કોલંબોમાં ચીની દૂતાવાસને પત્ર લખીને આગળના પરામર્શ સુધી જહાજના આગમનની તારીખ સ્થગિત કરવા વિનંતી કરી છે. તમને જણાવી દઈએ કે, શ્રીલંકાએ ચીનના જાસૂસી જહાજને 12 જુલાઈ 2022ના રોજ હમ્બનટોટા બંદરે આવવાની પરવાનગી આપી હતી.

ભારતના પાડોશી દેશ શ્રીલંકામાં આ દિવસોમાં સ્થિતિ ખૂબ જ ખરાબ છે. આર્થિક સંકટના કારણે લોકો માટે અહીં રોજબરોજની વસ્તુઓ એકઠી કરવી મુશ્કેલ બની ગઈ છે. લોકો પેટ્રોલ-ડીઝલ અને ખાદ્યપદાર્થો માટે પણ તલપાપડ છે. શ્રીલંકાની મદદ માટે માત્ર ભારત જ ખુલ્લેઆમ આગળ આવ્યું છે. આવી સ્થિતિમાં ચીનના જહાજને હંબનટોટા પોર્ટ પર રોકવાની મંજૂરી આપવી એ ભારત માટે મોટો આંચકો હતો. જોકે શ્રીલંકાના નવા નિર્ણયથી એવું લાગી રહ્યું છે કે તે વર્તમાન સમયે ભારતને નારાજ કરવા માંગતું નથી.

(9:15 pm IST)