Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

આખરે પાનીપતે પાણી દેખાડી દીધું : પીએમ મોદીએ નીરજ ચોપડાને ફોન કરીને અભિનંદન આપ્યા

મોદીએ નીરજને કહ્યું કે તેઓ 15 ઓગસ્ટે નીરજને મળવા ઘણા ઉત્સુક છે

નવી દિલ્હી : વડાપ્રધાન મોદીએ નીરજ ચોપડાને ફોન કરીને અભિનંદન આપ્યા હતા પીએમ મોદીએ કહ્યું કે દેશને તમારી પર ગૌરવ છે. તમે બધાને ખૂબ ખુશ કરી દીધા છે. મોદીએ નીરજના સંઘર્ષ અંગે પણ વિસ્તારથી વાત કરી. વાતચીત દરમિયાન નીરજના વખાણ કરતા તેમણે કહ્યું કે તેઓ ક્યારેય પણ પ્રેશર લેતા નથી. આ તેમની તાકાત છે. મોદીએ કહ્યું કે જ્યારે મેં તમારા અહિંથી જતા પહેલા વાત કરી ત્યારે તમે શાંત દેખાતા હતા, કોઈ પ્રેશરમાં લાગતા નહોતા. તમારો આત્મવિશ્વાસ અલગ સ્તરે હતો.

નીરજે પણ પ્રધાનમંત્રી મોદીને જણાવ્યું કે મેં મારા તરફથી મારુ 100 ટકા આપ્યું છે. મારે તો બસ દેશ માટે ગોલ્ડ લાવવો હતો. પીએમ મોદીએ એવું પણ કહ્યું કે તેમને પૂરો ભરોસો છે કે નીરજના આ શાનદાર પ્રદર્શન બાદ યુવા પેઢી પણ મોટિવેટ થશે અને રમતોમાં વધારે દિલચસ્પી લેશે.

વાતચીત દરમિયાન પીએમ મોદીને ફોજી નીરજ ચોપડા પણ યાદ આવ્યાં. મોદીએ નીરજને કહ્યું કે તમે તો એક ફોજી છો. તેથી નવી પેઢીના બાળકોને તમે સારી ટ્રેનિંગ આપી શકશો. તમારા માર્ગદર્શનમાં તેઓ કમાલ કરી શકશે. અંતમાં પીએમ મોદીએ કહ્યું કે તેઓ 15 ઓગસ્ટે નીરજને મળવા ઘણા ઉત્સુક છે.

હરિયાણાના પાણીપત શહેરના રહેવાશી 23 વર્ષીય નીરજ ચોપડાએ પોતાનો ગોલ્ડ મેડલ દિગ્ગજ એથલેટ મિલ્ખા સિંહને સમર્પિત કર્યો છે. તેમણે કહ્યું કે હું મેડલ સાથે તેમને મળવા  માગતો હતો. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં કોરોનાને કારણે અવસાન પામેલા દિગ્ગજ એથ્લેટ મિલ્ખાસિંહનું સપનું હતું કે કોઈ ભારતીય ટ્રેક અને ફિલ્ડમાં ઓલિમ્પિકમાં મેડલ જીતે

(11:53 pm IST)