Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

ઓલિમ્પિકમાં ચોથા સ્થાને રહી ખુશ થવું મુશ્કેલ : ભારતીય મહિલા ગોલ્ફર અદિતિ અશોક

ભારતીય મહિલા ગોલ્ફર સહેજમાં બ્રોન્ઝ મેડલ ચૂકી ગઈ : મેં ગોલ્ફ રમવાનું શરૂ કર્યુ હતું ત્યારે ક્યારેય વિચાર્યુ નહોતુ કે હું ઓલિમ્પિકમાં ભાગ લઈશ : ભારતીય મહિલા ગોલ્ફર અદિતિ અશોક

ટોક્યો, તા. : ટોકિયો ઓલિમ્પિકમાં મેડલની આશા જગાડનાર ગોલ્ફ પ્લેયર અદિતિ અશોક સ્હેજ માટે બ્રોન્ઝ મેડલથી દૂર રહી ગઈ છે. આમ છતા તે આખા દેશમાં તે રાતોરાત સ્ટાર બની ગઈ છે. જોકે તે પોતે પોતાના દેખાવતી ખુશ નથી.અદિતિ ત્રણ અન્ડર ૬૮નો સ્કોર કરીને ચોથા સ્થાને રહી હતી અને બે સ્ટ્રોકથી મેડલ ચૂકી ગઈ હતી.

માત્ર ૨૩ વર્ષ ગોલ્ફની પોસ્ટર ગર્લ બનનાર અદિતિ આજે ચોથા રાઉન્ડની શરુઆતમાં બીજા ક્રમે હતી પણ પાછળથી તે ચોથા નંબર પર ગઈ હતી. પછી અદિતિએ મીડિયા સાથે વાતચીતમાં કહ્યુ હતુ કે, આજે જે રીતે મારે બોલને ડ્રાઈવ મારવાની હતી તે વાગી શકી નહોતી.મને લાગતુ હતુ કે, હું આજે જે દેખાવ કર્યો છે તેના કરતા વધારે સારો દેખાવ કરી શકી હોત.

અદિતિએ બાદમાં કહ્યુ હતુ કે, બીજી કોઈ ટુર્નામેન્ટમાં ચોથા સ્થાન પર રહીને દુખ ના થયુ હોત પણ તો ઓલિમ્પિક હતી.ચોથા ક્રમે રહીને ખુશ થવુ મુશ્કેલ છે.મેં મારો ૧૦૦ ટકા પ્રયાસ કર્યો હતો.

જોકે હજી કેટલાક ખેલાડીઓ સારુ પ્રદર્શન કરશે તો રમતમાં લોકોનો રસ વધશે અને વધારે લોકો ગોલ્ફ રમવા માંડશે.

બીજી તરફ અદિતિ અશોકને દેશવાસીઓએ ગોલ્ફમાં જોરદાર દેખાવ બદલ અભિનંદન આપ્યા છે અને પીએમ મોદીએ પણ કહ્યુ હતુ કે, વેલ પ્લેડ અદિતિ, તમે ટોકિયો ઓલિમ્પિકમાં જબરદસ્ત સ્કિલ દર્શાવી છે અને કોઈ પણ ભારતીય ખેલાડી કરતા રમતમાં તમે આગળ નિકળ્યા છો.ભવિષ્યના પ્રયાસો માટે તમને શુભેચ્છાઓ.

એક પ્રશ્નના જવાબમાં અદિતિએ કહ્યુ હતુ કે, મેં જ્યારે ગોલ્ફ રમવાનુ શરુ કર્યુ હતુ ત્યારે ક્યારેય વિચાર્યુ નહોતુ કે હું ઓલિમ્પિકમાં ભાગ લઈશ.પણ આકરી મહેનત અને રમતની મજા લઈને હું જગ્યાએ પહોંચી છું.

(8:52 pm IST)