Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

હું આ આરોપોથી ખુબ દુઃખી છું, આરોપોમાં મારી સાથે મારા પરિવારને પણ જોડવામાં આવ્‍યો તેથી હું જવાબ આપુ છું: પત્‍ની શાલિની સિંહના આક્ષેપો સામે હનીસિંહનું નિવેદન

મને કાયદા ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે, સત્‍ય જલ્‍દી લોકોની સામે આવશે

નવી દિલ્હીઃ છેલ્લા ઘણા દિવસથી બોલીવુડ રેપર હની સિંહ ચર્ચામાં છે. તેની પત્ની શાલિની સિંહે સિંગર અને તેના પરિવાર પર અનેક ગંભીર આરોપ લગાવ્યા છે. હવે આ મામલામાં હની સિંહનું  નિવેદન સામે આવ્યું છે. તેણે પત્નીના આરોપોને ખોટા ગણાવતા એક નિવેદન જાહેર કર્યુ છે.

હની સિંહે સ્ટેટમેન્ટ જાહેર કર્યુ

હાલમાં હની સિંહે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોતાનું નિવેદન જાહેર કર્યુ છે. આ સ્ટેટમેન્ટમાં તેણે કહ્યુ- મારી પત્ની શાલિની સિંહ દ્વારા લગાવવામાં આવેલા બધા આરોપ સંપૂર્ણ રીતે જૂઠ્ઠા છે. હું આ આરોપોથી ખુબ દુખી છું. મેં આ પહેલા ક્યારેય જાહેર નિવેદન આપ્યું નથી. મારા લિરિક્સથી લઈને મારી હેલ્થને લઈને પહેલા અનેક પ્રકારની વાતો સામે આવી છે, પરંતુ મેં તે મામલામાં ક્યારેય ટિપ્પણી કરી નથી. પરંતુ આ વખતે મેં નિવેદન આપવુ જરૂરી સમજ્યુ કારણ કે આ આરોપોમાં મારી સાથે-સાથે મારા પરિવારજનોને સામેલ કરવામાં આવ્યા છે. મારી પત્ની દ્વારા લગાવેલા બધા આરોપ પાયાવિહોણા છે.

સત્યની થશે જીત

હની સિંહે આગળ લખ્યુ- હું આ ઇન્ડસ્ટ્રીમાં છેલ્લા 15 વર્ષથી જોડાયેલો છું. આ ઇન્ડસ્ટ્રીથી જોડાયેલા ઘણા આર્ટિસ્ટ, મ્યૂઝિશિયન મારા ખાસ મિત્ર છે. તે બધાને ખ્યાલ છે કે મારો સંબંધ પત્ની સાથે કેવો છે. હું શાલિની દ્વારા લગાવવામાં આવેલા બધા આરોપોને પાયાવિહોણા ગણુ છું. હવે આ મામલે તેનાથી વધુ કંઈ કહીશ નહીં. મામલો કોર્ટમાં છે અને મને કાયદા પર સંપૂર્ણ રીતે વિશ્વાસ છે. સત્ય જલદી લોકોની સામે આવશે.

ફેન્સને કરી અપીલ

હની સિંહે ફેન્સને અપીલ કરતા કહ્યુ- હું મારા બધા ફેન્સને અપીલ કરુ છું કે કંઈ જાણ્યા વગર કોઈ મામલાના પરિણામ પર ન પહોંચે. મને વિશ્વાસ છે કે ન્યાય જરૂર મળશે અને સત્યની જીત થશે.

શું છે મામલો

તમને જણાવી દઈએ કે હની સિંહ  પર થોડા દિવસ પહેલા તેની પત્ની શાલિની તલવારે ઘરેલૂ હિંસાનો આરોપ લગાવતા કેસ દાખલ કરાવ્યો છે. દિલ્હીની તીસ હજારી કોર્ટમાં 120 પેજની દાખલ કરેલી અરજીમાં શાલિનીએ અનેક ખુલાસા કર્યા છે. શાલિનીએ હની જ નહીં તેની અરજીમાં સાસુ ભૂપિંદર કૌર, સસરા સરબજીત સિંહ અને ભાભી સ્નેહા સિંહનું પણ નામ લીધુ છે.

(4:47 pm IST)