Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

મહારાષ્ટ્ર બાદ હવે સતત વરસાદથી મધ્ય પ્રદેશ, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, બિહારમાં પુરની સ્થિતિઃ હજારો પરિવારો બેઘર થયાઃ ૩ લાખ લોકોને અસર

કાનપુરમાં યમુના કિનારે વસેલા ઍક ડઝન ગામમાં પાણી ભરાયાઃ પ્રયાગરાજમાં ૩૦૦૦ ઘર ડૂબવાનો ખતરો

નવી દિલ્હી: મહારાષ્ટ્ર બાદ હવે સતત વરસાદથી મધ્ય પ્રદેશ, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ અને બિહારમાં સ્થિતિ બગડતી જઇ રહી છે. હવામાન વિભાગે અનુમાન લગાવ્યુ છે કે મધ્ય પ્રદેશમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદ પડી શકે છે. ભારે વરસાદ સિવાય આ રાજ્યોમાં પૂરે પણ મુશ્કેલી વધારી દીધી છે. બંગાળમાં પૂરથી 3 લાખ લોકો પ્રભાવિત થયા છે. બીજી તરફ અન્ય રાજ્યમાં નીચાણવાલા વિસ્તારમાં રહેતા હજારો પરિવાર બેઘર થઇ ગયા છે.

ઉત્તર પ્રદેશ

પ્રયાગરાજમાં ગંગા અને યમુના નદીમાં જળસ્તર વધી રહ્યુ છે. બન્ને નદી ખતરાના નિશાનથી એક મીટરથી પણ ઓછા અંતરથી વહી રહી છે. કિનારા પાસેના કેટલાક વિસ્તારમાં પાણી ભરાઇ ગયુ છે. સિંચાઇ વિભાગ તરફથી જાહેર ચેતવણી અનુસાર, આજે સાંજ સુધી ગંગા અને યમુના ખતરાના નિશાન 84.734 મીટરને પાર કરી શકે છે, જે બાદ સ્થિતિ બગડી શકે છે. તંત્રએ આખા જિલ્લામાં 98 પૂર ચોકીઓને એલર્ટ કરી દીધી છે. પૂરના કહેરને કારણે કાનપુરમાં યમુના કિનારે વસેલા લગભગ એક ડઝન ગામમાં પાણી ભરાઇ ગયા છે. પ્રયાગરાજમાં આશરે 3000 ઘર ડૂબવાનો ખતરો છે.

રાજસ્થાન

રાજસ્થાનના બારાં અને કોટામાં વરસાદે કહેર મચાવ્યો છે. બન્ને ક્ષેત્રમાં આશરે 530 લોકોના ફસાયા હોવાના સમાચાર છે. રેસક્યૂ ઓપરેશન ચાલુ છે. કોટાની 25 નદીમાંથી 20 ઓવરફ્લો થઇને વહી રહી છે. કોટા શહેરમાં કેટલીક કોલોનીમાં હજુ પણ પાણી ભરાયેલા છે. અહી બચાવ કાર્યમાં સેનાની મદદ લેવામાં આવી છે. કોટામાં સેનાની એક ટુકડી મોડી રાત્રે સાંગોદ પહોચી હતી. રાજ્યના કોટા, બારાં, બૂંદી અને ઝાલાવાડ જિલ્લામાં છેલ્લા 8 દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે.

લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા પણ પૂરથી બગડેલી સ્થિતિની સમીક્ષા કરવા પહોચ્યા છે, તેમણે લોકોને રેસક્યૂ માટે વિશેષ હેલિકોપ્ટર મંગાવ્યુ છે. બિરલાના આદેશ પર એનડીઆરએફની ત્રણ ટીમ તૈનાત છે. તે સાંજે અધિકારીઓ સાથે બેઠક કરશે.

મધ્ય પ્રદેશ

શિવપુરી જિલ્લામાં આવતી કૂની અને સિંધ નદી ઓવરફ્લો થઇને વહી રહી છે. ચંબલ અને ગ્વાલિયરમાં ચાર દિવસથી આવેલા પૂરને કારણે ઓછામાં ઓછા 12 લોકોના મોત થયા છે. અશોકનગર જિલ્લામાં પૂરમાં ફસાયેલા આશરે 50 લોકોને બચાવવા માટે એનડીઆરએફની ટીમ ત્યા પહોચી હતી. રાજ્યના 6 જિલ્લા શિવપુરી, ભિંડ, શ્યોપુર, દતિયા, ગ્વાલિયરના ડાબરા-ભિતરવારમાં પૂરને કારણે કેટલાક ઘર નષ્ટ થઇ ગયા છે. આ વિસ્તારમાં આશરે 10 હજાર પરિવારના બેઘર થવાના સમાચાર છે.

બિહાર

બિહાર અને આસપાસના રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે વરસાદને કારણે નદીઓ ઓવરફ્લો થઇને વહી રહી છે. એવામાં કટિહારમાં ગંગાના કિનારે વસેલા વિસ્તારમાં કહેર ચાલુ છે. ભાગલપુરના રજનદીપુર પંચાયતના મોદી ટોળામાં ગંગાનું જળસ્તર વધવાની સાથે જ ગંગાનુ પાણી ગામમાં પ્રવેશ કરી ગયુ છે. ગામના રસ્તા પર જ્યા 2થી 3 ફૂટ પાણી ચાલી રહ્યુ છે. બીજી તરફ આસપાસના ખેતરમાં પણ પાણી ભરાઇ ચુક્યુ છે. મંગેરમાં ગંગાનું જળસ્તર 38.64 મીટર સુધી પહોચી ગયુ છે. જે ખતરાના નિશાનથી માત્ર 0.69 મીટર નીચે છે. જિલ્લાના કેટલાક નીચાણવાળા વિસ્તારમાં પૂરનું પાણી પ્રવેશી જવાને કારણે લોકો હવે પલાયન કરવા લાગ્યા છે. જિલ્લા તંત્ર દ્વારા કષ્ટહરણી ગંગા ઘાટને બંધ કરી દેવામાં આવ્યુ છે.

પશ્ચિમ બંગાળ

કોલકાતા સહિત રાજ્યના કેટલાક ભાગમાં ભારે વરસાદ પડ્યો છે. સતત વરસાદને કારણે પૂર્વથી પશ્ચિમી બર્ધમાન, બીરભૂમ, પશ્ચિમી મેદિનિપુર, હુગલી, હાવડા અને સાઉથ 24 પરગણા વિસ્તાર જળમગ્ન થઇ ગયા છે. દામોદર વેલી કોર્પોરેશનના બાંધમાંથી પાણી છોડવાને કારણે પૂર જેવી સ્થિતિ બની ગઇ છે.

(4:45 pm IST)