Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

CAPF કર્મચારીઓ દેશની રક્ષા માટે દિલ્હીથી દૂર ફરજ બજાવી રહ્યા છે અને તેમના પરિવારોને તમે ક્વાર્ટર ખાલી કરવાનું કહો છો ? : જાનના જોખમે ફરજ બજાવતા સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સના આ કર્મચારીઓના પરિવારો શું ફૂટપાથ ઉપર રહેવા જશે ? : કર્મચારીઓના દિલ્હી સ્થિત પરિવારોને ક્વાર્ટર ખાલી કરવા નોટિસ અપાતા હાઇકોર્ટ જજ ખફા

ન્યુદિલ્હી : દિલ્હીથી દૂર જુદા જુદા રાજ્યોની બોર્ડર ઉપર ફરજ બજાવતા સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સના ( CAPF ) ના દિલ્હી સ્થિત પરિવારોને ક્વાર્ટર ખાલી કરવા નોટિસ અપાતા દિલ્હી હાઇકોર્ટ જજ ખફા થયા હતા.તથા ક્વાર્ટર ખાલી કરવા નોટિસ આપનાર જનરલ પુલ રેસીડન્શીઅલ એકોમોડેશન  (GPRA) ને વેધક સવાલો પૂછ્યા હતા.

નામદાર જજે જણાવ્યું હતું કે CAPF કર્મચારીઓ દેશની રક્ષા માટે દિલ્હીથી દૂર ફરજ બજાવી રહ્યા છે અને તેમના પરિવારોને  તમે ક્વાર્ટર ખાલી કરવાનું કહો છો ? જાનના જોખમે ફરજ બજાવતા સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સના આ કર્મચારીઓના પરિવારો શું ફૂટપાથ ઉપર રહેવા જશે ?

CAPF કર્મચારીઓ વતી દાખલ કરાયેલી પિટિશનમાં જણાવાયું હતું કે અમે પરિવારથી દૂર છીએ.તથા દેશની રક્ષા માટે જુદા જુદા રાજ્યોની બોર્ડર ઉપર કઠોર ફરજ બજાવીએ છીએ.તેવા સંજોગોમાં અમારા પરિવાને ક્વાર્ટર ખાલી કરવાનો આદેશ અમાનવીય છે.

સામે પક્ષે GPRAના એડવોકેટે જણાવ્યું હતું કે આ કર્મચારીઓ દિલ્હીમાં ફરજ બજાવી રહ્યા હતા ત્યારે તેમને ક્વાર્ટર અપાયા હતા. હવે ત્રણ વર્ષ દિલ્હીમાં ફરજ બજાવ્યા બાદ તેઓની બદલી થતા નિયમ મુજબ ક્વાર્ટર ખાલી કરવા નોટિસ આપી છે.

જેના અનુસંધાને નામદાર જજે જણાવ્યું હતું કે શું તમને ખબર છે કે આ કર્મચારીઓને ક્વાર્ટર ખાલી કરવા નોકરીમાંથી રજા પણ મળતી નથી.તેઓ પાસે ક્વાર્ટર ખાલી કરાવવા હોય તો તેઓને શહેરની અન્ય કોઈ જગ્યા કે જ્યાં આરોગ્ય તથા શિક્ષણની સુવિધા હોય ત્યાં સવલત આપવી જોઈએ.

ઉપરોક્ત સંજોગોને ધ્યાને લઇ નામદાર જજે GPRA ને 17 સપ્ટેમ્બર સુધીમાં જવાબ આપવા આદેશ કર્યો હતો તેવું એલ.એલ.એચ.દ્વારા જાણવા મળે છે.

(1:50 pm IST)