Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

પંજાબ સરકારની મોટી જાહેરાત: ઓલિમ્પિક મેડલવિજેતાઓના નામ પરથી રસ્તા અને શાળાઓનું નામ રખાશે

ભારતને ગૌરવ અપાવનાર ખેલાડીઓને રાજ્યના રસ્તાઓ અને શાળાઓનું નામકરણ તેમની સિદ્ધિને સન્માનિત કરશે

પંજાબના શાળા શિક્ષણ અને જાહેર બાંધકામ વિભાગ (પીડબલ્યુડી) ના મંત્રી વિજય ઈન્દર સિંગલાએજણાવ્યું હતું કે, સરકારે રાજ્યના રસ્તાઓ અને શાળાઓનું નામ ઓલિમ્પિક મેડલ  વિજેતાઓના નામ પર રાખવાનું નક્કી કર્યું છે.

હોકીમાં 41 વર્ષ પછી ઐતિહાસિક ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ  જીતવા બદલ ટીમને અભિનંદન આપતાં કેબિનેટ મંત્રીએ જણાવ્યું હતું કે, ખેલાડીઓએ ભારતને ગૌરવ અપાવ્યું છે. આથી રાજ્યના રસ્તાઓ અને શાળાઓનું નામકરણ તેમની સિદ્ધિને સન્માનિત કરવા માટે આ એક પહેલ કરી છે.

 

સિંગલાએ જણાવ્યું હતુ કે, મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે  રસ્તાઓ અને શાળાઓના નામ બદલવાની મંજૂરી આપી દીધી છે અને સંબંધિત વિભાગના અધિકારીઓને આ બાબતે વહેલી તકે પ્રક્રિયા શરૂ કરવાનો નિર્દેશ પણ આપવામાં આવ્યો છે.

વધુ વિગતો આપતા સિંગલાએ ઉમેર્યું હતુ કે, સંબંધિત મેડલ વિજેતા ખેલાડીઓના વિસ્તારમાં રહેઠાણ અને શાળાને જોડતા રસ્તાનું નામ તેના નામ પરથી રાખવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આ પગલું યુવાનોને તેમના જીવનમાં ઇચ્છિત લક્ષ્‍યો હાંસલ કરવા માટે પ્રેરણા પુરી પાડશે

 

સિંગલાએ આપેલી માહતી મુજબ, હોકી ટીમમાં 11 ખેલાડીઓ પંજાબના હતા. જેમાં મનપ્રીત સિંહ, હરમનપ્રીત સિંહ, રૂપિંદરપાલ સિંહ, સિમરનજીત સિંહ, દિલપ્રીત સિંહ, મનદીપ સિંહ, ગુરજંત સિંહ, હાર્દિક સિંહ, સમશેર સિંહ, વરુણ કુમાર અને કૃષ્ણ પાઠકનો સમાવેશ થાય છે.

તેમણે જણાવ્યું હતુ કે, મહિલા હોકી ટીમ પણ ખૂબ જ સારી રીતે રમી હતી. પરંતુ કેટલાક પરિબળોને કારણે ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલને ચૂકી ગઇ હતી. આપને જણાવવું રહ્યું કે, ભારતીય મહિલા હોકી ટીમ બ્રિટન સામે 3-4ની સરસાઈથી હારી ગઇ હતી. ઉલ્લેખનીય છે કે, મહિલા હોકી ટીમમાં બે ખેલાડી પંજાબના હતા, જેમાં ગુરજીત કૌર અને રીના ખોખરનો સમાવેશ થાય છે.

 ઓલિમ્પિકમાં 41 વર્ષ બાદ ભારતને હોકીમાં ઐતિહાસિક બ્રોન્ઝ મેડલ મળ્યો છે. ઉપરાંત ભારતીય મહિલા હોકી ટીમે પણ બ્રિટનને ટક્કર આપી હતી, પરંતુ મેડલ મેળવવામાં મહિલા હોકી ટીમ ચુકી ગઈ હતી.

(1:07 pm IST)