Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

બ્રિટનના સ્ટડી પ્લેસમેન્ટ હબ માટે ભારતની પણ પસંદગી

બ્રિટનના ૪૦,૦૦૦ વિદ્યાર્થી વિદેશમાં શિક્ષણ અને કામ કરી શકશે: બ્રિટને નિર્ધારિત કરેલા આવા ૧૫૦ આંતરરાષ્ટ્રીય પ્લેસમેન્ટ સ્થળોમાં ભારતનો પણ સમાવેશ

લંડન: બ્રિટિશ સરકારની નવી 'ટ્યુરિંગ સ્કીમ' હેઠળ બ્રિટનના ૪૦,૦૦૦ વિદ્યાર્થી વિદેશમાં શિક્ષણ અને કામ કરી શકશે. બ્રિટને નિર્ધારિત કરેલા આવા ૧૫૦ આંતરરાષ્ટ્રીય પ્લેસમેન્ટ સ્થળોમાં ભારતનો પણ સમાવેશ થાય છે. બ્રિટનની આ નવી વૈશ્વિક સ્કીમ બ્રેક્ઝિટનું પરિણામ છે. તે યુરોપિયન યુનિયન માટેની ખાસ ઇરેસ્મસ સ્કીમનું સ્થાન લેશે. નવી 'ટ્યુરિંગ સ્કીમ' બ્રિટનના વિદ્યાર્થીઓને વિદેશમાં પ્લેસમેન્ટ માટે ૧૧ કરોડ પાઉન્ડના ભંડોળમાંથી યુનિવર્સિટી અને સ્કૂલ માટેની સહાય પૂરી પાડશે

  ડિપાર્ટમેન્ટ ફોર એજ્યુકેશન (ડીએફઇ)એ બુધવારે જણાવ્યું હતું કે, યુનિવર્સિટી પ્લેસમેન્ટની ન્યૂનતમ મર્યાદા ઘટાડીને ચાર સપ્તાહ કરવામાં આવી છે, જે ઇરેસ્મસ સ્કીમ હેઠળ ત્રણ મહિનાની હતી. નવી સ્કીમનો હેતુ નબળી આર્થિક સ્થિતિ ધરાવતા લોકોના ઓછામાં ઓછા ૪૮ ટકા પ્લેસમેન્ટને ટાર્ગેટ કરવાનો છે.

બ્રિટનના શિક્ષણ સચિવ ગેવિન વિલિયમ્સને જણાવ્યું હતું કે, 'ટ્યુરિંગ સ્કીમ બ્રેક્ઝિટ પછી વિશ્વની ઉત્કૃષ્ટ શૈક્ષણિક સંસ્થાઓ સાથે અમારી ભાગીદારીને મજબૂત બનાવવાના બ્રિટિશ સરકારના વિઝનનો ભાગ છે. તેની મદદથી નવી પેઢી યુરોપ સિવાયના દેશોમાં પણ વિપુલ તકોને ઝડપી શકશે.' તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 'ઘરથી દૂર હોય એવા દેશમાં ભણવાની અને શિક્ષણ મેળવવાની તક જીવનમાં એક વખત મળતી હોય છે. તે વિચારોનો વ્યાપ વિસ્તારે છે, નિપુણતા વધારે છે અને વધુ સારા પરિણામ આપે છે. જોકે, અત્યાર સુધી આ તક માત્ર સમૃદ્ધ પરિવારોના વિદ્યાર્થીઓને જ મળતી હતી.'

ચાલુ સપ્તાહે બ્રિટનની ૧૨૦ યુનિવર્સિટી, શાળાઓ અને ઉચ્ચ અભ્યાસ માટેની કોલેજોને ટ્યુરિંગ સ્કીમની સહાય અંગે તેમની બિડનું પરિણામ જાણવા મળશે. બિડિંગ માર્ચમાં ખૂલ્યું હતું. ડીએફઇ દ્વારા જણાવાયું હતું કે, 'આ શૈક્ષણિક યોજના દ્વારા અમે આંતરરાષ્ટ્રીય તકોની ઉપલબ્ધતાને સુધારવાનો પ્રયાસ કર્યો છે. જેમાં મુસાફરી તેમજ પાસપોર્ટ, વિઝા જેવા ખર્ચ અને ગુજરાન ખર્ચ માટેની સહાયનો સમાવેશ થાય છે. વિદેશમાં ભણવા જતા ઘણા વિદ્યાર્થીઓને આ સમસ્યાનો સામનો કરવો પડે છે.'

બ્રિટિશ સરકારની યોજનામાં પ્લેસમેન્ટનું સ્થળ વિદ્યાર્થીની જરૂરિયાતો સાથે અનુકૂળ છે કે નહીં એ જાણવા માટે કરાયેલા જે તે સ્થળના મુસાફરી ખર્ચનો પણ સમાવેશ કરાયો છે. બ્રિટનની યુનિવર્સિટીના મંત્રી મિશેલ ડોનેલેને જણાવ્યું હતું કે, 'અમારી શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઝે આ કાર્યક્રમને સફળ બનાવવા અથાક પ્રયાસ કર્યા છે. હું તેમનો અને તેમના વૈશ્વિક ભાગીદારોનો આભારી છે. તેમણે આંતરરાષ્ટ્રીય જોડાણની આ તકને સાચા અર્થમાં વધાવી લીધી છે

(12:58 pm IST)