Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

પાંચ વર્ષમાં પહેલીવાર જુલાઇમાં રેકોર્ડ બ્રેક કારનું વેચાણ

ગુજરાતીઓએ અષાઢી બીજ પર કારની ધૂમ ખરીદી કરી : કોરોનાને કારણે લોકો પોતાના વાહનમાં મુસાફરી કરવાનું વધુ પસંદ કરે છે

નવી દિલ્હી તા. ૭ : અન્ય વ્યવસાયોની જેમ ૨૦૨૦માં ઓટોમોબાઈલ ક્ષેત્ર પણ પ્રભાવિત થયુ હતું. પરંતુ જુલાઈ મહિનામાં રાજયમાં કારના વેચાણમાં ચોંકાવનારો વધારો જોવા મળ્યો હતો. ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ અસોસિએશનના ડેટા અનુસાર જુલાઈમાં રાજયમાં ૪૧,૨૬૨ કાર વેચાઈ હતી. પાછલા પાંચ વર્ષમાં આ સૌથી મોટો આંકડો છે. અહીં રસપ્રદ બાબત એ છે કે, ૭૦ ટકા કારનું વેચાણ ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં નોંધાયું છે.

ઉલ્લેખનીય છે કે અષાઢી બીજના શુભ દિવસે લોકો વાહન ઘરે લાવવાનું પસંદ કરતા હોય છે. જુલાઈ મહિનો જગન્નાથ રથ યાત્રાનો મહિનો હોવાને કારણે વેચાણમાં ૩૫.૧૭ ટકાનો વધારો જોવા મળ્યો હતો. વર્ષ ૨૦૧૭ પછી આ પહેલીવાર એવુ બન્યું છે કે રાજયમાં આટલી મોટી સંખ્યામાં કારનું વેચાણ થયું હોય. નોંધનીય છે કે કોરોના મહામારીને કારણે વર્ષ ૨૦૨૦માં વેચાણમાં ઘટાડો નોંધાયો હતો. પરંતુ હવે ફોર વ્હીલર્સની ખરીદીમાં તેજી આવવાને કારણે ઓટોમોબાઈલ ક્ષેત્રમાં આશા જાગી છે.

જો આ વર્ષની વાત કરવામાં આવે તો જાન્યુઆરી, ૨૦૨૧થી જુલાઈ સુધી સાત મહિનાના સમયગાળા દરમિયાન કુલ ૬.૬૩ લાખ કાર વેચાઈ છે. પાછલા પાંચ વર્ષમાં આ પણ એક મોટો આંકડો છે. વર્ષ ૨૦૨૧માં અત્યાર સુધી ૧,૮૯,૨૭૧ કારનું વેચાણ થયું છે. ૨૦૧૭થી અત્યાર સુધીની વાત કરીએ તો, ૨૦૧૮માં વેચાણનો આંકડો ૧,૯૩,૫૯૧ પર પહોંચ્યો હતો.

ઓટોમોબાઈલ ડીલર્સનું કહેવું છે કે, લોકો મહામારીના નુકસાનમાંથી બહાર આવી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. આ સિવાય લાગી રહ્યું છે કે કોરોના મહામારે ધ્યાનમાં રાખીને લોકો કારથી મુસાફરી કરવાને વધારે સુરક્ષિત માને છે. FADAના ચેરમેન પ્રણવ શાહ જણાવે છે કે, અમને આશા છે કે કારની ખરીદીનો ટ્રેન્ડ ચાલુ રહેશે. વેચાણ પરથી અનુમાન લગાવી શકાય કે અર્થવ્યવસ્થા સ્થિર થઈ રહી છે અને ટ્રેક પર આવી રહી છે. એન્ટ્રી લેવલના વાહનો તેમજ SUV સેગમેન્ટમાં પણ મોટી સંખ્યામાં વેચાણ થયું છે.

(11:37 am IST)